Top News

તાલિબાનનો ડર: લોકલ ટ્રેનની જેમ પ્લેન પર ચઢ્યા લોકો, ઉડતા વિમાનમાંથી નીચે પટકાતા 3ના મોત

અફઘાનિસ્તાન (Afghanistan)માં ફરી તાલિબાન (Taliban) શાસનની સ્થાપનાથી ડરી ગયેલા લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે. આનું એક ભયાનક દ્રશ્ય સોમવારે કાબુલ એરપોર્ટ (Kabul airport)પર જોવા મળ્યું હતું. 

યુએસ એરફોર્સ (US Army)નું લશ્કરી વિમાન (Air plane) ટેકઓફ માટે આગળ વધી રહ્યું હતું ત્યારે લોકોના ટોળા રનવે પર (runway) વિમાન પર ચઢવા દોડી રહ્યા હતા. વિમાન ઉડાન ભરતા (take off) પહેલા કેટલાક લોકો ટાયરની ઉપરની જગ્યામાં બેસી ગયા હતા. જ્યારે વિમાન ઊંચાઈએ પહોંચ્યું ત્યારે લોકોએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. અને જોતજોતામાં 3 લોકો નીચે પટકાયા હતા, જેમાં આકાશમાંથી પડ્યા બાદ ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં તેમના મૃતદેહો ઘરની છત પરથી મળી આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 60 દેશોએ તાલિબાનને અપીલ કરી છે કે જે નાગરિકો અફઘાનિસ્તાનમાં રહેવા નથી માંગતા તેમને દેશ છોડવા દે.

આ ઘટનાનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અમેરિકાનું લશ્કરી વિમાન C17 હતું. મળતી માહિતી મુજબ આ લોકો વિમાનના ટાયર વચ્ચે ઉભા રહીને મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, વિમાન હવામાં પહોંચતાની સાથે જ આ લોકો એક પછી એક નીચે પડી ગયા. તેઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. કાબુલમાં કથળતી પરિસ્થિતિ વચ્ચે લૂંટ અને ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. એરપોર્ટ પર ફાયરિંગમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

કાબુલ એરપોર્ટ પર વિમાનમાં ચઢવા માટે, બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશનનો અનામત ડબ્બો હોય તેમ ભીડ એકઠી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય વીડિયોમાં, વિમાનની નજીક ભેગા થયેલા લોકોનું ટોળું વિમાનના રનવે પર દોડતું જોવા મળે છે. આ સાથે, કેટલાક લોકો વિમાનના બાહ્ય ભાગ પર બેઠેલા જોવા મળે છે. આવી સ્થિતિમાં કોઇ મોટો અકસ્માત થવાની શક્યતા નકારી શકાય નહીં. 

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન હાલ સત્તા પરિવર્તનના સંકટનો સામનો કરી રહ્યું છે. તાલિબાને અહીં લગામ સંભાળી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. અગાઉ રવિવારે રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશ સાથે પરિસ્થિતિ બગડવાની શરૂઆત થઈ હતી. લોકોને તાલિબાનના ડરને કારણે દેશ છોડવાની ઉતાવળ હતી અને તેના કારણે રાજધાની કાબુલના રસ્તાઓ જામ થઈ ગયા હતા. 

Most Popular

To Top