Gujarat

મિની દમણ બની ગયેલા ગામને સુધારવા સરપંચે ઢોલ વગાડી દારૂબંધી કરાવી

જૂનાગઢ: ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Darubandhi) છે તેમ છતાં ગુજરાતમાં દારૂ (Alcohol) વેચાઈ પણ રહ્યો છે અને પીવાય પણ રહ્યો છે. સરકાર અને પોલીસ દ્વારા અવનવા પ્રયાસો કર્યા બાદ પણ ગુજરાતમાં દારૂ મળી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે જેમાં ઢોલી દ્વારા ઢોલ વગાડીને લોકોને દારૂ નહીં પીવાની ચેતવણી અપાઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા આ વીડિયોના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વીડિયા કયા ગામનો છે તે પણ સામે આવી ગયું છે.

આ વીડિયો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ગામના સરપંચ દ્વારા ઢોલ વગાડીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે દારૂ પીવો નહીં અને દારૂ પાડવો (બનાવવો) નહીં, જો કાઈ દારૂ પીશે કે પાડશે તો સરપંચ દ્વાકા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટીએ આ વીડિયો અંગે જણાવ્યું હતું કે મારા ગામમાં દારૂની પ્રવૃતિ બહુ જ પ્રમાણમાં વધી ગઈ હતી. ગામમાં દારૂ પીવાવાળા અને દારૂ ગાળવાવાળા વધી ગયા હતા. મારા ગામની છાપ મિની દીવ તરીકે પડી ગઈ હતી. ગામમાં દારૂના કારણે નાની વયના યુવાનો મોતને ભેટી રહ્યા હતા. અને તેમના પરિવારો તેમની પાછળ હેરાન થઈ રહ્યા હતા. આ બધી સમસ્યાના કારણે ગામમા શિક્ષણનો દર પણ ઘટી રહ્યો હતો. તેમણે સરકાર સામે બળાપો કાઢતા કહ્યું હતું કે પસવાડા ગીરના જંગલના છેવાડાનું ગામ હોવાથી તંત્ર ધ્યાન આપતું નથી.

વધુમાં સરપંચે જણાવ્યું હતું કે દારૂના કારણે યુવાનોના મૃત્યુ થઈ રહ્યા હતા, ગામમાં 15થી 22 મહિલાઓ વિધવા બની ગઈ હતી. વિધવા મહિલાઓને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવી પડે છે. આ સમસ્યા ફકત પસવાડા ગામની જ નથી પરંતુ આસપાસના ગામોની પણ છે. કરિયા, સમતપરા, માલીડા વગેરે ગામોમાં પણ દારૂનું દૂષણ જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે સપરંચ
પસવાડા ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટી ઢોલ વગાડીને કહી રહ્યો છે કે ‘સાંભળો સાંભળો સાંભળો, આજથી તારીખ 8-6-22થી સરપંચનો આદેશ છે કે કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.’

શું ઢોલ વાગ્યા પછી દારૂ બંધ થયો ગયો?
ગામના એક રહેવાસીએ જણાવ્યું કે ઢોલ વગાડ્યા પહેલા ગામમાં અનેક ઢેકાણે દારૂ મળતો હતો પરંતુ દારૂ વગાડ્યા બાદ દારૂ મળવાનો બંધ થઈ ગયો છે. વધુ એક રહેવાસીએ જણાવ્યું હતું કે આજે સાત દિવસ થયા છે ગામમાં દારૂબંધી છે અને ગામમાં શાંતિ છે.

Most Popular

To Top