રાજકોટ : જૂનાગઢના (Junagadh) જોષીપરા વિસ્તારમાં સક્રિય થયેલા તસ્કરોએ (Robbers) શાંતેશ્વર ઓઘડનગર, વિરાટનગરમાં અલગ અલગ સાત જગ્યાએ તાળા તોડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક નહિ પણ એકસાખથે સાત ઘરોમાં તસ્કરી (Robbery) કરવામાં આવી છે. આ તસ્કરો સીસીટીવીમાં (CCTV) બાઈક લઈને આવતા નજરે પડ્યા હતા. અગાઉ તસ્કરોએ આ વિસ્તારની રેકી કર્યાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ જૂનાગઢ પોલીસ (Police) તંત્ર દોડતું થયું છે.
- એક મકાનમાંથી 35,000ની મતા ચોરાઇ, છ ઘરોમાં તસ્કરોને ફેરો પડ્યો
જો કે આ તસ્કરોને છ ઘરમાં કંઈ પણ હાથ લાગ્યું ન હતું. પરંતુ એક પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો હતો જે ઘરના તાળા તોડી કબાટની તિજોરીમાંથી સોનાની બુટ્ટી, વીંટી, ચાંદીના સાંકડા રોકડ રૂપિયા સહિત 35,000 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. ચોરીની આ ઘટનાથી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા તસ્કરોને પકડવા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સીસીટીવીને આધારે તસ્કરોને પકડવા માટે ડી સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે. શાંતેશ્વર ઓઘડનગર, વિરાટ નગરમાં જુદી જુદી સાત જગ્યાએ ચોરીના બનાવો બન્યા હતાં.
ચોરી થઈ હોવાની જાણ આસપાસના લોકોએ કરી હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ ઇસમો દેખાય છે. જેમાંથી એક ઈસમના હાથમાં હથિયાર છે. ચોરીની ઘટનાને લઈ પોલીસે પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા ખાતરી આપી છે અને વહેલી તકે તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.