ગાંધીનગર : છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. લોકોને આજે ન્યાયપાલિકા (Judiciary) પર વિશ્વાસ વધ્યો છે. ન્યાયતંત્રનો પણ વિકાસમાં ખૂબ મોટો હિસ્સો છે. ન્યાયાલયનો એક ચુકાદો લોકોનું જીવન બદલી દે છે. આટલી મોટી જવાબદારી વચ્ચે પણ અંતરનાદ સાંભળીને જ્યૂડિસરી સિસ્ટમ કામ કરી રહી છે. ત્યારે આપણે સહુ પણ એકબીજામાં પરમાત્માને જોઈએ તો સમગ્ર પરિસ્થિતિ બદલી જાય, તેવું ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું હતું.
પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે
ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકાઓના 41 સ્થળો પરથી મહાનુભાવો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિનો મંત્ર ગુજરાતે અપનાવ્યો છે. ગુજરાતની ન્યાયપાલિકાઓ પણ એ દિશામાં કાર્યરત છે. દેસર તાલુકા કોર્ટ પરિસરમાં 2000 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે, જે ખૂબ આનંદની વાત છે. વિકાસની સાથે પર્યાવરણની પણ જાળવણી જરૂરી છે. આ પ્રસંગે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ન્યાયપાલિકાના ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરે છે. સમય અને શક્તિનો બચાવ કરતો અનોખો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો છે, જે બિરદાવવા લાયક છે. ન્યાયાલયો સાથે ન્યાયતંત્રના કર્મચારીઓ માટે 62 કરોડના ખર્ચે આવાસો બનાવવામાં આવ્યા છે. જે ન્યાયપાલિકા ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા બતાવે છે.
મહાનુભાવોની હાજરીમાં વર્ચ્યુલી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે
આ પ્રસંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે જણાવ્યું હતું કે, 6 કોર્ટ સંકુલની નવી ઈમારતોનું લોકાર્પણ, 6 કોર્ટ સંકુલની બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત, તાલુકા કક્ષાની 14 નવી કોર્ટ ઇમારતોનું ખાતમુહૂર્ત, 15 સ્થાનોએ સ્ટાફ માટેના આવાસોનું ખાતમુહૂર્ત સહિત કુલ 41 સ્થાનો પર એક જ સમયે તમામ મહાનુભાવોની હાજરીમાં વર્ચ્યુલી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે ન્યાયતંત્રમાં આવેલા ડિજિટલાઈઝેશનની સાબિતી આપે છે.
ગુજરાતની ન્યાય વ્યવસ્થા અને ન્યાય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરની દેશભરમાં નોંધ લેવાય છે
આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે જણાવ્યું હતું કે, એકસાથે 41 સ્થળો પર ઉદઘાટન, ખાતમુહૂર્તનો આ પ્રસંગ ખરેખર અનોખો છે. આજે ગુજરાતની ન્યાય વ્યવસ્થા અને ન્યાય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરની દેશભરમાં નોંધ લેવાય છે. ગુજરાતની જિલ્લા અદાલતોના ભવનો કોઈ કોર્પોરેટ ઓફીસના બિલ્ડિંગની સમકક્ષ છે. લોકોનો આજે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે.