સુરત: લાંબા સમય બાદ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા શિક્ષણ વિભાગ માટે એક આવકારદાયક જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ (JituVaghani) શિક્ષણ વિભાગમાં ભરતીની જાહેરાત કરી છે. મંત્રીએ કહ્યું કે, આવનારા સમયમાં રાજ્યના શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તેઓની પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે. આ ઉપરાંત જિલ્લા ફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે તે નિર્ણય આવે એટલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટેની કામગીરીશરૂ કરી દેવાની ખાતરી વાઘાણીએ આપી હતી.
શિક્ષણ વિભાગમાં ભરતી ઉપરાંત મંત્રી જીતુ વાઘાણીએ ટેટની પરીક્ષા મુદ્દે મોટું નિવેદન કરતા કહ્યું હતું કે ટેટની પરીક્ષા 3 વર્ષથી લેવાઈ નથી, તે ટૂંકમાં લેવાશે. આ ઉપરાંત ગુજરાતમાં રમાનાર રાષ્ટ્રીય કક્ષાના રમોત્સવમાં દેશભરમાં 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે તેમ જણાવતા વાઘાણીએ કહ્યું કે, રમતગમતની પ્રવૃત્તિ પ્રત્યે રાજ્યના યુવાનોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તા. 12-13-14 સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ અને યુનિવર્સિટી તેમજ 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન શાળાઓમાં રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. 12 સપ્ટેમ્બરે રાજ્યના તમામ 33 જિલ્લા મથકે રમતલક્ષી કાર્યક્રમો થશે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિના પ્રમાણપત્રો ઈશ્યુ કરાશે
આ ઉપરાંત ધો. 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાની જાહેરાત પણ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે. મંત્રીએ કહ્યું કે, ચાલુ શૈક્ષણિક સત્ર 2022-23થી ધો. 9 અને 10માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર 2023-24થી ધો. 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને શાળામાં જ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે.