ઝારખંડ: ઝારખંડના (Jharkhand) લોહરદગામાં નેશનલ હાઈવે-143A પર ડ્રાઈવર (Driver) વગર લગભગ એક કિલોમીટર સુધી કન્ટેનર (container) ચાલતું રહ્યું હતું. આ ડરામણું દ્રશ્ય જોઈને લોકો ચોંકી ગયા હતા અને હાઈવે (High way) પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાસ્તવમાં સ્ક્રેપથી ભરેલા કન્ટેનરને ચલાવતા ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું અને પોતાનો જીવ બચાવવા તેમાંથી કૂદી ગયો હતો. આ પછી પણ કન્ટેનર ઘણા વૃક્ષો, ઇલેક્ટ્રિક થાંભલા અને દુકાનોને ટક્કર મારીને રસ્તા પર દોડતું રહ્યું હતું.
જ્યારે લોહરદગા-ગુમલા હાઈવે પર લોહરદગાના પતરાતોલીમાં લોકોએ આ દ્રશ્ય જોયું તો તેઓ ચોંકી ગયા હતાં. વાસ્તવમાં ઝાડ સાથે અથડાયા બાદ ઝાડનો મોટો ભાગ કન્ટેનર પર પણ પડ્યો હતો. તે પછી પણ કન્ટેનર આગળ વધી રહ્યું હતું. જ્યારે લોકોએ જોયું કે કન્ટેનરની અંદર કોઈ ડ્રાઈવર નથી તો તેઓ ડરી ગયા હતાં. અને અરાજકતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
યુવકે બ્રેક લગાવી
આ પછી કન્ટેનર રસ્તા પર એક કિલોમીટર સુધી ચાલતા ચાલતા ડ્રાઈવર વગર પતરાતોલીમાં પહોંચ્યું હતું. જ્યારે તેની સ્પીડ ઓછી થઈ ત્યારે એક યુવકે તેને રોકી દીધું હતું. સ્થાનિક વોર્ડ કાઉન્સિલર કમલા દેવી, પ્રત્યક્ષદર્શી વિમલકાંત સિંહ, ચંદન કુમાર મિશ્રા વગેરેએ જણાવ્યું કે આ ધટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કન્ટેનરની સ્પીડ ઓછી થતાં એક યુવક કોઈક રીતે ડ્રાઈવરની સીટ પર બેસી ગયો અને સમયસર બ્રેક લગાવી હતી. જો કન્ટેનરને રોકવામાં ન આવ્યું હોત તો મોટી દુર્ઘટના બની શકી હોત.
ડ્રાઈવરની શોધ ચાલુ છે
બીજી તરફ લોહરદગા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પંકજ કુમાર શર્માએ જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રાઈવર ક્યાં છે તે હજુ જાણી શકાયું નથી. લોકોએ જણાવ્યું કે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે કન્ટેનરમાંથી કૂદી પડ્યો હતો. આ પછી તે ક્યાં છે તે ખબર નથી. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.