ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના બામલ્લા ગામે બે પરિવાર વચ્ચેનો ઝઘડો પોલીસમથકે (Police Station) પહોંચતાં સામસામે પાંચ મહિલા સહિત કુલ ૧૦ વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો. ઝઘડિયાના બામલ્લા ગામના ભૂપતભાઇ વિઠ્ઠલભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, ગત તા.૨૦મીએ સાંજના પાંચેક વાગ્યે તેઓ મજૂરીકામેથી પરત ફરતા હતા. ત્યારે બામલ્લા ગામે મંદિર (Temple) પાસે રોડ ઉપર ગામના ગજેન્દ્ર નટવરભાઇ વસાવા સામેથી મોટરસાઇકલ લઇને આવતા હતા. તેઓ તેમની મોટરસાઇકલ ભૂપતભાઇની મોટરસાઇકલ (Motorcycle) સામે લઇને આવતાં આ બાબતે બોલાચાલી થઇ હતી.
- બામલ્લામાં બે પરિવાર એકબીજા ઉપર કુહાડી-લાકડાં લઈ તૂટી પડ્યા, 5 મહિલા સહિત 10 સામે ગુનો
- ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા, બંને પક્ષે સામસામે ફરિયાદ
બાદ ભૂપતભાઇ ઘરે ગયા હતા અને પછી તેઓ ગામની દુકાને ચોખા લેવા ગયા હતા. એ વેળા ગજેન્દ્રભાઇ ત્યાં આવ્યા હતા. તે સમયે પણ ઝઘડો થતાં ગજેન્દ્રભાઈએ ભૂપતભાઇને તેના હાથમાંની ચેઇન કપાળ પર મારી દીધી હતી. સાંજે સાતેક વાગ્યે નટવરભાઇ તેમજ તેમની છોકરી હાથમાં લાકડી લઇને આવ્યા હતા, અને નટવરભાઇએ ભૂપતભાઇના છોકરા મયંકને લાકડીનો સપાટો મારી દીધો હતો. આ ઝઘડામાં અન્ય ઇસમો તેમજ મહિલાઓએ પણ દરમિયાનગીરી કરી હતી. ઝઘડા દરમિયાન ભૂપતભાઇ પર કુહાડી અને લોખંડની પાઇપથી હુમલો કરાતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ભૂપતભાઇ તેમજ અન્ય ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે ઉમલ્લા પોલીસમાં ગજેન્દ્ર નટવરભાઇ વસાવા, નટવરભાઇ કોયજીભાઇ વસાવા, ભારતીબેન નટવરભાઇ વસાવા, ટીકુબેન નટવરભાઇ વસાવા તેમજ આરતીબેન ગજેન્દ્ર વસાવા (તમામ રહે.,બામલ્લા, તા.ઝઘડિયા)ના મારામારીનો ગુનો નોંધાવ્યો હતો.
જ્યારે સામા પક્ષે નટવરભાઇ કોયજીભાઇ વસાવા (રહે.,બામલ્લા)એ ઉમલ્લા પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ ગત તા.૨૦મીના રોજ રાતના આઠેક વાગ્યાના અરસામાં તેઓ ઘરની બહાર ખાટલો નાંખી સૂતા હતા. એ સમયે બાજુમાં રહેતા ભૂપતભાઇ વિઠ્ઠલભાઈ વસાવા તથા તેમના દીકરા મયંક તેમજ તેજાભાઇ ભૂપતભાઇ વસાવા હાથમાં લાકડીઓ લઇને આવ્યા હતા, અને કહેવા લાગ્યા કે તારા છોકરાને બોલાવ. જેથી નટવરભાઇએ શું થયું એમ પૂછતાં મયંકભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યો હતો અને નટવરભાઇને લાકડીનો સપાટો મારી દીધો હતો. ત્યારબાદ તેજાભાઇએ પણ પેટના ભાગે માર માર્યો હતો. તેમજ ભૂપતભાઇએ પણ નટવરભાઇને લાકડીના ત્રણેક સપાટા માર્યા હતા.
આ ઝઘડામાં ભૂપતભાઇની પત્ની અને છોકરી પણ ત્યાં દોડી આવ્યાં હતાં અને તેઓ નટવરભાઇની પત્ની અને પુત્રવધૂ સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. આ ઝઘડામાં ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિઓને ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ બાબતે ઉમલ્લા પોલીસમાં લખાવાયેલી ફરિયાદ મુજબ પોલીસે ભૂપત વિઠ્ઠલભાઈ વસાવા, મયંક ભૂપતભાઇ વસાવા, તેજાભાઇ ભૂપતભાઇ વસાવા, સોમીબેન ભૂપતભાઇ વસાવા તેમજ તમન્નાબેન ભૂપતભાઇ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.