Dakshin Gujarat

ઝઘડિયાના ખડોલી નજીક હાઇવાએ અડફેટે લેતાં બાઇકચાલકનું મોત

ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના ખડોલી નજીક એક હાઇવાની અડફેટે એક બાઇક (Bike) ચાલકનું મોત નીપજ્યું હતું. ભાલોદ નજીકના રૂંઢ ગામના ૩૩ વર્ષીય નિલેશ ગણપત મકવાણા ગતરોજ તા.૧૩મીએ સવારના દસેક વાગ્યાના અરસામાં ઝઘડિયાથી પોતાનું કામ પતાવી ઘરે પરત જવા રાજપારડી તરફ મોટરસાઇકલ (Motorcycle) લઇને જઇ રહ્યા હતા. ત્યારે ખડોલી ગામ નજીક રાજપારડી તરફથી આવી રહેલા એક હાઇવાએ તેમની મોટરસાઇકલને ટક્કર મારતાં નિલેશભાઇ મોટરસાઇકલ સાથે રોડ ઉપર પડી ગયા હતા.

  • ઝઘડિયાના ખડોલી નજીક હાઇવાએ અડફેટે લેતાં બાઇકચાલકનું મોત
  • નિલેશ ભાઈ ઝઘડિયાથી પોતાનું કામ પતાવી ઘરે પરત જવા રાજપારડી તરફ મોટરસાઇકલ લઇને જઇ રહ્યા હતા

આ ઘટનામાં નિલેશભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમની પાછળ આવી રહેલા તેમની સાથે નોકરી કરતા ભાલોદના મિતેશભાઇ પટેલે આ હાઇવા ચાલકને તેનું નામ પૂછતાં તેનું નામ સુનીલ સવજીભાઇ વસાવા (રહે.,રાજપારડી) હોવાનું જણાવ્યું હતું. રાજપારડી પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત નિલેશભાઇને અવિધા સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં બપોરના બે વાગ્યાના સમયે ફરજ પરના તબીબે ઇજાગ્રસ્ત નિલેશભાઇને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સંદર્ભે મિતેશભાઇ મહેશભાઇ પટેલ (રહે.,ભાલોદ, તા.ઝઘડિયા)એ રાજપારડી પોલીસમાં હાઇવા ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.

માંગરોળના વડ ગામે ખેતરે જતો રસ્તો બંધ કરી દેવાતાં પોલીસ બંદોબસ્ત સાથે ખોલાયો
વાંકલ: માંગરોળના વડ ગામે બે ખેડૂતો દ્વારા ખેતીની જમીનમાં જવાનો બંધ કરાયેલો રસ્તો મામલતદારે હુકમ કરી પોલીસ બંદોબસ્ત સાથે ખોલાવ્યો હતો. વડ ગામના ખેડૂત કાંતિભાઈ જોગીભાઈ ગામીત ગામની સીમમાં સરવે નં.67 અને બ્લોક નં.277 વાળી જમીન પોતાના નામે ધરાવે છે. આ જમીનમાં ખેતી કરવા માટે જવા-આવવાનો રસ્તો બાજુમાં ખેતીની જમીન ધરાવતા ઠાકોરભાઈ હોલિયાભાઈ ચૌધરી અને દિનેશભાઈ જાનિયાભાઈ ચૌધરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી ખેડૂત કાંતિલાલ ગામીતે માંગરોળ મામલતદાર કોર્ટમાં આ અંગેનો કેસ દાખલ કર્યો હતો. પી.આર.જયસ્વાલ-મામલતદાર માંગરોળની કોર્ટમાં કેસ ચાલી જતાં વાદી ખેડૂતતરફે ચુકાદો આપી રસ્તો ખોલવા માટે હુકમ કર્યો હતો, જેમાં સરવે નં.278વાળી જમીનના ચાર ભાગ વચ્ચેના સેડા ઉપરની પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો રસ્તો પ્રતિવાદીઓને કાયમ માટે ખુલ્લો કરી આપવા હુકમ કર્યો હતો. જેના આધારે સર્કલ ઓફિસર ધર્મેશભાઈ ચૌધરી, ઝંખવાવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફ સહિત સરકારી તંત્ર દ્વારા ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ મનહરભાઈ ચૌધરીની હાજરીમાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.


Most Popular

To Top