સુરત: (Surat) ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમગ્ર વેપાર ઉદ્યોગ સાથે હીરા ઉદ્યોગ (Diamond Industries) પણ બંધ રહેતાં રત્નકલાકારોની હાલત કફોડી થઇ હતી. તે સમયે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્નકલાકારો માટે 50 કરોડ રૂપિયા ફંડની જાહેરાત કરવામા આવી હતી. જો કે, આ ફંડમાંથી (Fund) કોને કોને સહાયતા કરવામાં આવી તેને લઇ વિવાદ શરૂ થયો છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન (Gujarat Diamond Workers Union) દ્વારા ગત મહિને સરકારમાં રજૂઆત કરી આ ફંડમાં કોને કોને રૂપિયા આપવામાં આવ્યા તેની માહિતી માંગવામાં આવી હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્નકલાકારો માટે 50 કરોડ રૂપિયા ફંડની જાહેરાત કરવામા આવી હતી. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેનો હિસાબ માંગવા ઉપરાંત કેટલા રત્નકલાકારોને આજ સુધી સોશિયલ કાર્ડ તેમજ આઈકાર્ડ આપવામાં આવ્યાં તેની માહિતી માંગવામાં આવી હતી. જીજેઇપીસી દ્વારા પીએમ કેર ફંડમાં કેટલી રકમ આપવામાં આવી અને કાઉન્સિલને વિદેશથી કેટલા રૂપિયાનું ફંડ મળ્યું છે અને રત્નકલાકારો માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે, તેની ડિટેઇલ માંગવામાં આવી હતી.
જેના આધારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને પત્ર લખી ગુજરાત ડાયમંડ એસોસિએશનને 50 કરોડ રૂપિયાના ફંડ વિશેની તમામ માહિતીઓ પોઇન્ટ ટુ પોઇન્ટ આપવા જણાવ્યું છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, ગત વર્ષે લોકડાઉનના સમયે હીરા ઉદ્યોગની હાલત કફોડી થઇ હતી. તે સમયે જીજેઇપીસી દ્વારા 50 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત હીરા ઉદ્યોગ માટે કરવામાં આવી હતી. તે કોને આપવામાં આવ્યા એ માટે સરકાર પાસેથી માહિતી માંગવામાં આવી હતી. જેના અનુસંધાને વાણિજ્ય મંત્રાલય દ્વારા જીજેઇઇપીસીને પોઇન્ટ ટુ પોઇન્ટ જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.