Columns

જીના ઉસીકા નામ હૈ..!

માંદગીને કેરીની સીઝન જેવું લફરું નથી. ઈચ્છાધારી નાગની માફક ગમે તેના ઘરે ગમે ત્યારે આવીને ડોરબેલ વગાડે..! ‘એક મચ્છર સાલા આદમીકો પાયમાલ કર દેતા હૈ’ એના જેવું..! માંદગી એટલે ફટકેલ વહુ જેવી..! ઘરમાં ક્યારે આવે, ક્યારે જાય એનું નક્કી નહિ. વિશ્વમાં કોઈ એવું ઘર નહિ હોય કે જેને ત્યાં માંદગી-દેવી હાજરાહજૂર ના થઇ હોય. છેલ્લે સામેવાળાને પલાળી નાંખે એવી છીંક પણ આવે..! માંદા પડવાની એક મઝા છે બોસ..! વરસમાં એકાદ વખત છીંક પણ નહિ આવે તો, ચોમાસું કોરું ગયું હોય એવું લાગ્યા કરે. માંદગી આવે તો સ્વજનોની ઓળખ પરેડ થાય. કયો સ્વજન આપણા માટે લાપસી-લાપસી થાય છે, કયા સ્વજનની માયા અસલી છે, નકલી છે કે, લુખ્ખી છે, એની જાણકારી મળે.

અમસ્તું-અમસ્તું પણ માણસે એકાદ વખત તો માંદા પડવું જોઈએ. માંદો માણસ રાતોરાત વ્યક્તિવિશેષ બની જાય. વરરાજાથી સહેજ પણ ઉતરતો રહેતો નથી. વરરાજા પાસે તો એક જ અણવરિયો હોય, ત્યારે માંદા માણસની ફરતે તો અણવરિયાની ફૌજ ધંધે લાગી જાય..! પાણી માંગે તો દૂધ આપે, દૂધ માંગે તો દવા આપે..! એટલે જ તો રતનજી કહે છે કે, સાચાં અને સારાં સગાંવહાલાંની વસ્તીગણતરી કરવી હોય તો, માંદગી વખતે જ થાય. પાક્કા સ્વજનની ખબર પડે. સગાં અને વહાલાંનો ફરક માંદગી વખતે સમજાય. બાકી સાજા હોય ત્યારે કોણ, ઘરમાં પગલાં પાડવા આવે છે..? પૂછે પણ નહિ કે, તમારા સ્પેર-પાર્ટ્સ કેમના ચાલે છે..? કે તમારા કયા પગનું ઘૂંટણ ટણકે છે..? દુનિયાનો દસ્તુર છે દાદૂ, કે જીવતા હોય ત્યારે સૂંઘવા પણ નહિ આવે, પણ એના કપાળમાં કાંદા ફોડું, ઉકલી જાય ત્યારે પોસ્ટ-મોર્ટમનો રીપોર્ટ ફાઈનલ પાસવાળો પણ વાંચવા બેસી જાય..!

બીમાર પડે એટલે, ડોરબેલ રણકવા માંડે. ખબર લેવા આવે એ શિષ્ટાચાર કહેવાય. એનો પણ વાંધો નહિ, પણ અમુક તો એવાં આવે કે, આગળ-પાછળ મૂકેલાં બિસ્કીટ-સફરજનને સંતાડવાં પડે. આપણે નક્કી જ નહિ કરી શકીએ કે, એ આપણી ખબર લેવા આવ્યો છે કે, સફરજન ઝાપટવા..? આપણા માટે કોઈએ આપેલા સફરજન એ જ ઝાપટી જાય..! પછી એવું લાંબુ-લાંબુ ઠોકે કે, માથામાં વાગવા માંડે..! એવું તો કહેવાય નહિ કે, ચાલો સફરજન ઝાપટવાનો કાર્યક્રમ પૂરો થયો હોય તો ઉપડો અને બીજાને આવવા માટે જગ્યા આપો..! ક્યારેક તો એવું લાગે કે, દબાયેલા-ઘસાયેલા-ચવાયેલા-છંછેડાયેલા સંબંધોની ચકાસણી કરવા તો આ માંદગી નહિ આવતી હોય..? આવે એનો વાંધો નહિ, પણ અમુક વખતે ખબર લેવા આવવાવાળા પણ બરાબરની ખબર લઇ નાંખે બોસ..! એન્જીન જૂનું થાય એટલે ક્યારેક કચરું પણ આવે, એમાં આખા ઘરનો કે, આડોશ-પાડોશવાળાનો ઉપાડો નહિ લેવાય, એ આપણે જાણતા હોવા છતાં, આપણો ચહેરો આધારકાર્ડના ફોટા જેવો થઇ જાય.

એમાં કયો પરદુઃખ ભંજક ૧૦૮ સાથે કનેક્શન કરીને બહાર કઢાવી મૂકે, એનું નક્કી નહિ..! મુદ્દાની વાત એ છે કે, ઉંમર થાય એટલે જીવનચર્યા બદલાતી નથી. ગાડી ક્યારે FIRST ગિયરમાં હંકારાય ને SECCOND ગિયરમાં લઇ જવાય એનું ભાન જ ભૂલી જવાય.. શરીર ક્યારેક ટાઢું પણ પડે ને ગરમ પણ થાય. ઉલાળવામાં કાળજી નહિ રાખીએ તો ક્યારેક પૂરેપૂરું ઠંડુ પણ પડી જાય..! એ વખતે જય રામજી કી જ બોલવાનું..! અમારા આનંદ્દ્વારી બાપુનું તો માનવું છે કે, માંદગી પણ એક મહેમાન છે..! શરીર જરા-તરા ટાઢું-ઉનું થાય એમાં ‘ધાજો રે ધાજો’ ની બૂમ નહિ પડાય.

બને તો એ દિવસે કંસાર બનાવીને ખાવાનો કે, સોયા જેવું દુઃખ સોઈની અણીથી પતવાનું..! મોટી મહામારીમાંથી જાન બચી. યાદ હોય તો, અસ્સલ બાપા કહે તેની સાથે જ કેવાં ચુપચાપ પરણી જતાં હતાં? ત્યારે છણકો કરતાં હતાં? એ જ રીતે માંદગી સાથે પણ છેડા-ગાંઠી બાંધી લેવાની. માંદગી પગલાં પાડે ત્યારે મોંઢાનો નકશો નહિ બદલવાનો. નકશો બદલ્યા વગર માંદગીને પ્રેમથી ભેટી પડવાનું. થાય છે એવું કે, માંદગી આવે ત્યારે વનવાસને બદલે હોસ્પિટલવાસ મળવાનો હોય એમ, માણસ માથે શીંગડાં ઊગ્યાં હોય એમ ક્રોધી થઇ જાય.

વાઘ-સિંહ-દીપડા કે વરુ થોડાં છીએ કે, ક્રોધી થઇ જવાય? માણસ તો કરુણાની મૂર્તિ છે. ક્રોધી હોત તો કોઈનો જમાઈ થાત ખરો..? અડધી સદી સુધી વાંઢો રહીને નાકના વાળ જ ખેંચતો હોત..! પણ સ્વચ્છંદતામાં કાપ આવવા માંડે, રસાસ્વાદમાં ભંગાણ પડવા માંડે અને ઊર્જામાં ઉઠકબેઠક થવા માંડે એટલે માણસ પણ સિંહની માફક ત્રાડ નાંખવા માંડે. વસંતભાઈ વાઘ બની જાય ને ચમનીયો ચિત્તો બની જાય..! યાર…આવાં જીવલેણ હુમલા નહિ કરાય બાવા..! કેટલાંક તો માત્ર અટકડી આવે એટલામાં પણ લોહી-પીશાબના રીપોર્ટ કઢાવવા માંડે.

‘એટેક’ આવ્યો હોય એમ ચીહાળા પાડવા માંડે. તત્કાળ કડડભૂસ થઇ જવાનો હોય એમ, ચહેરો ‘ડરેલું-ડરેલું’ અને જંગલની જમીન જેવો થઇ જાય..! એ વખતે ભૂલમાં પણ નહિ પુછાય કે, ‘કોની દવા ચાલે છે, તો કહેશે કે યમરાજની ચાલે છે બોલ, તારે કોઈ કામ છે..?’ માંદલુંને અડકતાં પણ ડર લાગે કે, ક્યાંક વધુ પૂછવા જઈશ તો મને બચકું તો નહિ ભરી દે ને..? ભયજનક થઇ જવાય યાર..! બીજું કંઈ નહિ યાર ચિંતા એ વાતની થાય કે, ‘ગઈ કાલ સુધી કળા કરંતો મોર, ભાંગડા કરતો કેવી રીતે થઇ ગયો..? વાણી-વર્તન-વ્યવહાર બધામાં બદલાવ આવી જાય. દુ:ખ એ વાતનું થાય કે, ચૂંટણીમાં મોટી લીડથી હારેલો ઉમેદવાર પણ આવી હરકત નહિ કરે..!

જીવનમાં બે-ચાર ‘SMALLY-SMALLY’ માંદગી આવે તો જ જિંદગી ભરેલા રીંગણાં જેવી લાગે..! પછી તો જેવી જેવી યજમાનની ખાતેદારી..! શટલ રીક્ષાની માફક આવનજાવન ચાલુ પણ રાખે ને કાયમી ધામો પણ નાંખે. માંદગી છે, ક્યારેક એકલી પણ આવે, ને ક્યારેક ફેમીલી સાથે પણ આવે..! ફાફડા-જલેબીનાં જોડકાંની માફક શરદી આવે તો, સાથે ઉધરસ પણ આવવાની. આપણે તો એટલી જ તૈયારી રાખવાની કે, ‘જો ડર ગયા વો મર ગયા..! શું કહો છો રતનજી…!

માંદગી એ માણસના સ્વભાવને માપવાની ફૂટપટ્ટી છે. પોતીકાઓનું માપ કાઢવાનો અવસર એટલે માંદગી..! કોણ કેટલો પ્રેમ ઠાલવે છે..! કોનો એકાઉન્ટ CLOSE કરવા જેવો છે, ને કોનો એકાઉન્ટ BLOCK કરવા જેવો છે, એનું માપ માંદગી આવે તો જ નીકળે. માંદગી ક્યારેય ટપાલ લખીને કે, વ્હોટશેપિયા મેસેજ કરીને શરીર પ્રવેશ કરતી નથી. એ ક્યારે આવીને કોના શરીરનો ‘ડોરબેલ’ વગાડે, એનું નક્કી નહિ. જેમ ચોઘડિયાં બદલાય, તિથિ બદલાય, પંચકોની આવનજાવન થાય, એમ માંદગી પણ શરીરમાં આવીને ભટકાય..! સમર્થ હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટ સાહેબે મૃત્યુ વિષે સરસ લખ્યું છે કે, ‘મૃત્યુની બીક મને એટલે લાગે છે કે, મને મારા જીવનની પડી છે. બાકી માંદગી તો મારા માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે.’

જેમ નાની નાની લડાઈ વગર જીવવાની મઝા નહિ આવે, એમ સાલી માંદગી વગર મરવાની પણ મઝા નહિ આવે. માંદગીમાં મરીએ તો ખુમારીપૂર્વક યમરાજને પણ કહેવાય કે, “ટેસી શાની કરો છો, TALL TAX ભરીને આવ્યો છું…! બાકી તો કૃપાગુણથી જીવતાં હોય એવું જ લાગે..!” ઉંમરનાં વલણ બહુ આકરાં હોય છે દાદૂ..! સિંહ માંદો પડે ત્યારે કૂતરા પણ કાન આમળી જાય, એમ અમુકને તો માંદાની ખબર કઈ રીતે લેવી જોઈએ, એના પણ ‘ડિપ્લોમા’ કરાવવા પડે. ખબર લેવા આવે ત્યારે સીધો બોમ્બ જ ફોડે કે, “કેમ બહુ મોટા ઉપાડે કહેતાં હતાં ને કે, આપણને તો નખમાં પણ રોગ નહિ..! તો આ એટેકવાળું હલેળું આવ્યું ક્યાંથી? ચાલો એક વાતની ખાતરી થઇ કે, હૃદય ઓરીજીનલ છે, પ્લાસ્ટીકનું નથી..! એક એટેક આવ્યો એટલે, હવે બે એટેક બાકી રહ્યા.! એટેકના મામલા સારા નહિ, ક્યારે ફટાકો ફોડી નાંખે એનો કોઈ ભરોસો નહિ..! ઘણાનો તો એક જ એટેકમાં એકાઉન્ટ ક્લોઝ કરી નાંખે.’’ આ સાંભળીને માંદા પડનારને ખુન્નસ તો એવું ચઢે કે, ગ્લુકોઝની નળી સાથે જ બાટલો ઝીંકી દઈએ તો પાપ નહિ લાગે…!!

લાસ્ટ ધ બોલ
બ્યુટી પાર્લરનું ગુજરાતી શું થાય?
( ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર)
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top