Columns

જય જય ગરવી ગુજરાત…

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ફિરોઝ ઈરાની પ્રસ્તુત, સ્વજન સંગાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને સ્વરાંજલિ, જય જય ગરવી ગુજરાત સુનીલ રેવર અને વૃંદના સથવારે યોજાયો. શબ્દાંજલિ એશા દાદાવાળાએ આપી. કાર્યક્રમનું સંચાલન કવિ કિરણ ચૌહાણે નર્મદની જીવન કથનીને રસભર રીતે રજૂ કરી. કાર્યક્રમને સફળ બનાવવામાં કપિલદેવ શુક્લનો અનન્ય સહકાર હતો. આ ઉપરાંત સ્વજનના મોભીઓ સર્વ જગદીશ ઇટાલિયા, અજિતા ઇટાલિયા, ડૉ પ્રશાંત કારીયા, એશા દાદાવાળા, ડૉ મુકુલ ચોકસીએ પણ કાર્યક્રમને રોચક બનાવવા સહકાર આપ્યો હતો. નર્મદને શબ્દાંજલિ આપતા એશા દાદાવાળાએ જણાવ્યું હતું કે, “આંટાળી પાઘડી પહેરીને કે કપાળે આંગળીઓ મૂકી દેવા માત્રથી નર્મદ બની જવાતું નથી. એના માટે આંગળીઓને છોલવી પડે છે, લોહીલુહાણ કરવી પડે છે, કલમમાં એ લોહીને ભરવું પડે છે અને પછી પારદર્શિતાથી લખવું પડે છે-પૂરી પ્રામાણિકતાથી લખવું પડે છે. બહુ વિચાર કરનારા લોકોને નર્મદ સમજાઇ શકે નહીં, નર્મદ તો એને જ સમજાય, જે યા હોમ કરીને કૂદી પડવા તૈયાર હોય.

આપણે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવતા હોઇએ તો આપણે સ્ટેચ્યુ ઓફ પોએટ્રી પણ બનાવવું જોઇએ અને નર્મદની પ્રતિમા પ્રસ્થાપિત કરવી જોઇએ. મને એક વાતનું બહુ દુ:ખ છે કે આપણે શેક્સપિયરનું ઘર જોવા છેક ઇંગ્લેન્ડ જઇએ છીએ પણ વીર કવિ નર્મદનું ઘર જોવા સુરતના આમલીરાનમાં જઇ શકતા નથી. બદનસીબે આપણે નર્મદને સાચવી શક્યા નથી!”  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના “જય-જય ગરવી ગુજરાત” કાર્યક્રમમાં વીર કવિ નર્મદને  યથોચિત શબ્દાંજલિ  એશા દાદાવાળાએ અર્પણ કરી કાર્યક્રમને  સુંદર મજાનો માહોલ બાંધી આપ્યો હતો.  ત્યાર બાદ ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકાર ફિરોઝ ઈરાનીએ કાર્યક્રમની મહત્તા અને નર્મદની કાર્યપ્રણાલીની નિષ્ઠા તેમ જ કલમને ખોળે માથું મૂકવાની ટેક અને નર્મદના જુસ્સાને ખૂબ જ સરસ રીતે એમના ઘેઘુર અવાજમાં રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

ત્યાર બાદ ગુજરાતના ખ્યાત સંગીતકાર સુનીલ રેવર અને વૃંદે નર્મદને સ્વરાંજલિ આપવા નર્મદનું અતિ પ્રખ્યાત ગીત જય જય ગરવી ગુજરાત… રજૂ કર્યું. આ ગીતની વિશેષતા એ હતી કે આ ગીતમાં સાક્ષાત નર્મદ ઉઘડતે પરદે દેખાયા હતા. નર્મદની ભૂમિકા દિલીપ ઘાસવાળાએ નિભાવી હતી. ત્યાર પછીનું ગીત  સૂરીલી ગાયિકા જિગીષા ખેરડીયાએ મેહુલ સુરતીના સ્વરાંકન માં ‘રેખ રૂઠી ને ગઈ આશ…’ રજૂ થયું ને પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા. કપિલ દેવ શુક્લે ગીતની ભૂમિકા રજૂ કરી ડૉ.રમેશ કોઠારીને ટાંકીને કિસ્સો કહ્યો હતો કે એમણે કહ્યું હતું કે ગીતનું સ્વરાંકન અસંભવ છે. પણ આ ગીતનું સ્વરાંકન મેહુલ સુરતીએ 20 મિનિટમાં જ કરી બતાવ્યું. આમ કોઈ પણ કલાકારને ચેલેન્જ નહીં કરવાનો અનુરોધ હળવી શૈલીમાં કર્યો હતો.

ત્યાર બાદ ડૉ ઋષિકુમાર શાસ્ત્રીના સ્વરાંકનમાં  ‘ખેલો ખેલો રે હોળી ખેલૈયા’ સમૂહ સ્વરમાં ગવાયું ત્યારે આખું વાતાવરણ હોળીમય થઈ ગયું હતું. વિવિધ વાદ્ય સૂરોથી હોલ છવાઈ ગયો હતો. ત્યાર બાદ ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ જિગીષા ખેરડીયાએ અત્યંત ભાવવાહી રૂપે ગાયું. સુનીલ રેવર અને વૃન્દે મેહુલ સુરતીના સ્વરાંકનમાં ‘સહુ ચલો જીતવા જંગ’ રજૂ કરીને એક અજબ પ્રકારનો જુસ્સો હોલમાં ભરી દીધો હતો.  પછી રમેશ પારેખની ખૂબ જ જાણતી રચના સુનીલ રેવરના સ્વરાંકનમાં ‘આ મન પાંચમના મેળામાં ભાવવાહી શૈલીમાં રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. ત્યાર બાદ યુવા ગાયક અભિષેક ગઢવીએ પરંપરાગત રચના ‘એ માને તો મનાવી લેજો’ રજૂ કરી હતી. પછી યુવા હૈયામાં છવાયેલા ગાયક  કેયૂર વાઘેલાએ રૂપકુમાર રાઠોડના સ્વરાંકનમાં દિગ્ગજ કવિ સુરેશ દલાલની રચના ‘કેટલો પાગલ’ રજૂ કરીને યુવા હૈયાઓને ગાયકીથી પાગલ કરી મૂક્યા હતા.

‘હજુ રસભર રાત તો બાકી રહી ગઈ..’ બરખા દેસાઈએ અવિનાશ વ્યાસ લિખિત અને ગૌરાંગ વ્યાસના સ્વરાંકનમાં રજૂ કરીને કાર્યક્રમને અલગ જ આયામ આપ્યો હતો.  ત્યાર બાદ ખૂબ જ પ્રતિભાશાળી અવાજ આર્જવ રાવલે સુરતના લોકલાડીલા કવિ ભગવતીકુમાર શર્માની પ્રશિષ્ટ કૃતિ ‘અઢી અક્ષરનું ચોમાસું’ સુનીલ રેવરનાં સ્વરાંકનમાં રજૂ કરીને સ્વરનો ભીનો અવસાદ અને ઝરમર સૂર વરસાવીને લોકોને રસતરબોળ કરી દીધા. કાર્યક્રમનું પ્રથમ યુગલ ગીત નજાકતભરી પ્રણય શૈલીમાં  કવિ ભૂપેન્દ્ર વકીલના શબ્દો અને સુનીલ રેવરના સ્વરાંકનને યુવા ગાયક આર્જવ રાવલ અને હેતાક્ષી ત્રિવેદીએ ‘આંખ સામે આંખને જોવું પડ્યું’ રજૂ કર્યું. આ ગીતની મધ્યે સતીશ રેવરે તબલા ઉપર  ને વાયોલિન ઉપર મહેન્દ્ર પટેલે જુગલબંદીની જમાવટ કરી લોકોના મન મોહ્યાં. ત્યાર પછી કવિ નયન દેસાઈની ઓળખ સમ રચના ‘સુરતનો એવો વરસાદ..’ સુનીલના સ્વરાંકનમાં સમૂહ સૂરે રજૂ થઈ ત્યારે ખરેખર હોલમાં તાળીઓનો ગડગડાટ વરસ્યો હતો. પછી કવિ  સુનીલ રેવરની રચના સંગીતકાર સુનીલ રેવરના સ્વરાંકનમાં કેયૂર વાઘેલા એ પશ્ચિમી ધૂનમાં રજૂ કરીને યુવાન હૈયાઓને થીરકતા કરી મૂક્યા હતા.

પછી જિગીષા ખેરડીયા અને કેયૂર વાઘેલાએ કવયિત્રી પ્રજ્ઞા વશીનું ગીત, મેહુલ સુરતીના સ્વરાંકનમાં યુગલ ગીત ‘તું જો નહીં આવે તો સુનું સુનું લાગે સજના..’ ભાવસભર સૂરીલી રીતે રજૂ કર્યું હતું. ત્યાર બાદ કેયૂર વાઘેલા અને વૃંદે સૌમ્ય જોશીની જાણીતી રચના ‘સપના વિનાની રાત’  મેહુલ સુરતીના સ્વરાંકનમાં ને કલ્યાણજી આણંદજી સ્વરાંકનમાં ‘હંસલા હાલોને’ રજૂ કરીને લોકોના હૃદય જીતી લીધા હતાં. ત્યાર બાદ કાર્યક્રમની અંતિમ કૃતિ ધમાકેદાર રીતે અભિષેક ગઢવી અને કેયૂર વાઘેલાએ રજૂ કરી. ઝવેરચંદ મેઘાણીની યાદગાર રચનાઓ ‘મોર બની થનગાટ કરે અને કસુંબીનો રંગ’ અદભુત સ્વર ગૂંથણી અને પ્રચંડ આવેગથી રજૂ કરીને સૌને વન્સ મોર કરવા પર મજબૂર કરી દીધા. આ ગાયકોએ સાબિત કરી દીધું કે એમની આવતી કાલ સોનેરી સૂરોથી સભર છે.  સુનીલ રેવર જેવા સમર્થ સંગીત ગુરુ હોય પછી પૂછવાનું જ શું હોય..સૌએ એક સૂરે કહેવું જ પડે… જય જય ગરવી ગુજરાત…

આભારવિધિ  ફિરોઝ ઈરાનીએ કરી હતી. સંગીત એક એવી કળાનો કૂવો છે કે જેમાંથી મીઠા પાણી ઝરપ્યા જ કરે છે અને સુરતમાં સુનીલ રેવર નામના સંગીતિક કૂવામાંથી મીઠા ગાયકો જેવા કે પ્રસૂન પરમાર, મનીષ સોજીત્રા, જીનેશ શાહ, યોગેશ ગોહિલ, દ્રષ્ટિ ચિમના, નીશી શુક્લ, નિધિ અધવર્યુ, અંજલિ ભુગરી જેવા યુવા ગાયકો મળતા જ રહેશે. પ્રકાશ આયોજન મિતુલ લુહારનું હતું. મંચસજ્જા સેતુ ઉપાધ્યાયે કરી હતી. પાણીદાર અને સૂરોથી અને લયબદ્ધ તાલીમ પામેલું વાદ્યવૃંદ સુનીલ રેવર , સતીશ રેવર, મહેન્દ્ર પટેલ, ઉત્કર્ષ કંથારિયા, પ્રશાંત પટેલ, મેહુલ વી સુરતી, મેહુલ  સોલંકી, મોન્ટુ મિસ્ત્રી વિના આ સાંજ અધૂરી હતી. સાઉન્ડ રઘુવીરનો અને ગ્રાફિક્સ ડેનિશ ચલકવાળા, વીડિયોગ્રાફી- ફોટોગ્રાફી બાબાભાઈ અને વિરેશ ચોકસી અને તેમની ટીમની હતી. કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે નર્મદને સાચા હૃદયથી સ્વરાંજલિ અપાઈ હોય તેવી અનુભૂતિ દરેકને થઈ હતી.

Most Popular

To Top