Columns

જાઓ, જુઓ સત્યજીત રેની 10 ફિલ્મો રોટરી ફિલ્મોત્સવમાં

મ=નોરંજક, મસાલા ફિલ્મનો ચાહક જ મોટો હોવાનો. આપણા સિનેમા થિયેટરો એવી ફિલ્મો જ દર્શાવે છે અને દર્શાવવાના કારણ કે બજાર તો મનોરંજકતાનું જ બની શકે. પણ એ બધી ફિલ્મો વચ્ચે કયારેક સત્યજીત રે, ઋત્વિક ઘટક, મૃણાલ સેન, તપનસિંહા, અદૂર ગોપાલકૃષ્ણન, જી. અરવિંદન, શ્યામ બેનેગલ, ગિરીશ કાસારવલ્લી, શાજી કરુન, બુધ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ ઘોષ, ઋતુપર્ણ સેન, મણિ કૌલ, અપર્ણા સેન, કેતન મહેતા વગેરેની ફિલ્મો પણ જોવી જોઇએ. આ ફિલ્મો તમારા ફિલ્મના ખ્યાલને બદલી નાંખશે અને જીવનને જોવાની નવી રીતો પણ આપશે. સિનેમાને કૃતિ તરીકે કેવી રીતે માણવી તે આ ફિલ્મો વડે વધારે સમજીશું.

આવતીકાલ, પહેલી ઓગષ્ટથી સુરતના દિલીપ પરેશ રોટરી હોલમાં સત્યજીત રેની 10 ફિલ્મોને સમાવતો રોટરી ફિલ્મ ફેસ્ટ શરૂ થઇ રહ્યો છે. સત્યજીત રેની ફિલ્મો સિનેમા એસ્થેટિકની ઉત્તમતા સાથે સર્જાતી હતી એટલે યોગ્ય સિનેમા થિયેટરમાં જ તેમની ફિલ્મો દર્શાવી હોત તો તેમાં ઔચિત્ય હોત પણ એવા દુ:ખને બાજુ પર મૂકી એ વાતનો આનંદ પ્રગટ કરીએ કે સુરતમાં આ પૂર્વે કયારેય સત્યજીત રેની આ રીતે 10 ફિલ્મોને સમાવતો ઉત્સવ યોજાયો નથી. સત્યજીત રેનું આ 101 મું જન્મવર્ષ છે અને 1955માં તેમની જે ‘પાથેર પાંચાલી’ ફિલ્મે વિશ્વ સિનેમામાં ભારતની ઓળખ ઊભી કરવી શરૂ કરી તેને પણ 67 વર્ષ થવાનાં તો પણ સુરત જેવા શહેરમાં સત્યજીત રે આ રીતે ન દર્શાવાયા તેનો અફસોસ કરી શકાય. રોટરીની સ્થાપનાનું આ 50 મું વર્ષ ચાલે છે. આ ઉજવણી માટે મોટું બજેટ કદાચ નથી એટલે આ ફેસ્ટિવલ પણ તેમના વડે જે રીતે આયોજન શકય બન્યું તેમ કર્યું છે. આનંદ એ કે રેની ફિલ્મો જોવા મળશે.

આ ફિલ્મો બંગાળી ભાષામાં બની છે. તેમણે ફકત 2 ફિલ્મો જ હિન્દીમાં બનાવી હતી. રાજકપૂર જેવાએ તેમને આર.કે. ફિલ્મ્સ માટે ફિલ્મ બનાવવા કહેલું તો પણ તેમણે ના પાડેલી કારણ કે હિન્દી સિનેમાનું કલ્ચર અને રસશાસ્ત્ર જુદું છે. તેઓ બંગાળી ભાષા અને બંગાળે સર્જેલા કળા સંસ્કારની પરંપરામાં જ પોતાને સ્થાપી રાખવા હતા. તેઓ પોતાની ફિલ્મો માટે એટલા બધા સભાન હતા કે તેમને ઉત્તમકુમાર, સુચિત્રાસેન જેવા અત્યંત લોકપ્રિય સ્ટાર્સ મળતા હતા તો પણ એકાદ અપવાદ સિવાય, તેમના વિના જ ફિલ્મો બનાવી. તેમના મુખ્ય અભિનેતા સૌમિત્ર ચેટરજી જ રહ્યા. કુલ 37 સિનેમાકૃતિના સર્જક સત્યજીત રેએ ‘રવીન્દ્રનાથ ટાગોર’, ‘ધ ઇનર આય’, ‘બાલા’, ‘સિક્કિમ’, ‘સુકુમાર રે’ જેવી દસ્તાવેજી ફિલ્મો અને 2 TV મુવી પણ બનાવી હતી. રે સહુ માટે તો પાથેર પાંચાલી, અપરાજીતો, અપુર સંસાર, જલસાઘર, કાંચનજંઘા, ચારુલતા, નાયક, સોનાર કેલ્લા, મહાનગર, અરણ્યેર દિન રાત્રિ, શતરંજ કે ખિલાડી માટે વિશેષ રીતે યાદ રહ્યા છે.

વિશ્વના અનેક ફિલ્મોત્સવોમાં આ બધી ફિલ્મો દર્શાવાતી ત્યારે સિનેમાના વિશિષ્ટ દર્શકો રે પ્રત્યેના અહોભાવથી ભરાઈ જતા. ઘણા ફિલ્મસર્જકો પોતાની કારકિર્દી દરમ્યાન બહુ બહુ તો 2-4 કલાસિકલ સર્જી શકે જયારે રે કલાસિકસની સંખ્યા ઘણી મોટી છે. તેઓ સિનેમાની દરેકે દરેક ફેમ અને સિનેમેટિક તત્ત્વો પર નિયંત્રણ ધરાવતા હતા. તેમણે ઉત્તમ કથાતત્ત્વ માટે બંગાળી સાહિત્યના ઉત્તમ નવલકથાકારો, વાર્તાકારોની કૃતિઓ પસંદ કરી. વિભૂતિ ભૂષણ બેનરજી (પાથેર પાંચાલી, અપરાજિતો, અપુર સંસાર, અશનિ સંકેત) પરશુરામ (પારસ પથ્થર), તારાશંકર બેનરજી (જલસાઘર, અભિજાન) રવીન્દ્રનાથ ટાગોર (તીન કન્યા, ચારુલતા, ઘરે બાહિરે) સુનીલ ગંગોપાધ્યાય (અરણ્યેર દિન રાત્રિ, પ્રતિધ્વનિ), શંકર (જન અરણ્ય, સીમાબધ્ધ) ઉપરાંત પ્રેમેન્દ્ર મિત્રા, ઉપેન્દ્ર કિશોર રાય, શરદિંદુ બેનર્જી અને પ્રેમચંદ (શતરંજ કે ખિલાડી, સદ્‌ગતિ) તેમની સિનેમાકૃતિના સાહિત્યિક આધારો બન્યા છે અને તેમણે સ્વયં લખેલી પટકથાઓ તો છે જ.

તેઓ પટકથા લખતા તે પણ રેખાંકનો સાથે લખતા. તેમના મનમાં દ્રશ્યો બહુ સ્પષ્ટ રહેતા. ફિલ્મની સિનેમેટોગ્રાફી, કલા નિર્દેશન, સંપાદન, ધ્વનિ બાબતે તેમનું પૂર્ણ નિયંત્રણ હતું. તેમણે તેમની લગભગ બધી ફિલ્મોની પટકથા લખી એટલે ફિલ્મના એક એક શબ્દ, એક એક ભાવ, એકેએક સંવેદન અને મનોવલણ અને તેની દૃશ્યાત્મકતા પર પકડ હતી. સંગીત બાબતે ય તેઓ ખૂબ સભાન હતા. શરૂની 4 ફિલ્મોમાં પંડિત રવિશંકર, પછી વિલાયત ખાન, અલી અકબરખાને સંગીત આપ્યું અને ‘તીન કન્યા’થી તેઓ સ્વયં સંગીતકાર તરીકે સિનેમા-સંગીત સર્જે છે અને પછી ‘કંચનજંઘા’, ‘અભિજાન’, ‘મહાનગર’, ‘ચારુલતા’, ‘કાપુરુષ – ઓ – મહાપુરુષ’, ‘નાયક’, ‘ચિડિયાઘર’, ‘ગોપી ગાયને બાધા બાયને’, ‘અરણ્યેર દિન રાત્રિ’થી માંડી બધી જ બાકીની ફિલ્મોમાં તેમનું સંગીત છે.

સિનેમા માટેનું સંગીત કેવું હોય તે સમજવા આ ફિલ્મોનું સંગીત તેમણે કેવી રીતે કમ્પોઝ કર્યું છે તે જોવું જોઇએ. લોકપ્રિય ફિલ્મોના સંગીતથી બહુ અલગ દરેક દૃશ્ય, પાત્ર, સંજોગોને આગવા અર્થ આપવાનું કામ આ સંગીત કરે છે. મૂળ વાત એ કે તેઓ એક સવ્યસાચી સિનેમાસર્જક છે અને એટલે જ તેમની ફિલ્મને એકથી વધુ દૃષ્ટિથી જોવી પડશે. ફિલ્મની કથાને જ જેઓ મહત્ત્વની સમજે છે તે તેમને માણી ન શકે. તેઓ અનેક રીતે સિનેમા સર્જે છે. સિનેમાનું તેમણે આગવું રસશાસ્ત્ર સજર્યું છે તેમાં પારંપારિક ભારતીય દૃષ્ટિ છે જે સૌંદર્ય, સત્ય અને શિવને સંયોજે છે. સિનેમાકળાનું એક ઊંચેરું શિખર તેમણે સર્જેલું. વિદેશની કળા ફિલ્મોની નકલથી તેઓ બચ્યા અને શુદ્ધતાવાદી અભિગમ સાથે સિનેમાકળાને સમૃધ્ધિ બક્ષી. રોટરીના ફિલ્મોત્સવનો મહિમા એ કારણે જ છે તેઓ સત્યજીત રેની 10 ફિલ્મો દર્શાવશે. હજુ વધુ સારા આયોજન સાથે તે થઇ શકે પણ અત્યારે એ ફરિયાદ વિના આ ફિલ્મો જોઇ શકાય. આખા ફેસ્ટિવલની સંકલ્પના મોના શીતવાળાની છે તો તેમને અભિનંદન. બાકી, આ શહેરમાં નાટક, ચિત્રકળા શીખવતી શિક્ષણસંસ્થા અને કોલેજીસે આ બધું ફરજના ભાગરૂપે કરવું જોઇએ. ફિલ્મો તો બહુ ઉપલબ્ધ છે. દૃષ્ટિવાન સંયોજકોનો અભાવ છે.

Most Popular

To Top