નવી દિલ્હી: ભારતીય ગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar ) તેમના સાહસિક નિવેદનો માટે જાણીતા છે. તે કોઈપણ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળે છે. ત્યારે હાલમાં જ પાકિસ્તાનમાં (Pakistan) ગીતકારે જે કર્યું તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે અને જાવેદ અખ્તરના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જાવેદ અખ્તર તાજેતરમાં લાહોરમાં ફૈઝ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પાકિસ્તાનને તેની હરકતો પર અરીસો બતાવ્યો છે. જાવેદ અખ્તરે કહ્યું છે કે મુંબઈમાં 26/11ના હુમલાના (26/11 attacker) હુમલાખોરો પાકિસ્તાનમાં જ ફરી રહ્યા છે. જાવેદ અખ્તરના આ નિવેદનનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ (Viral) થઈ રહ્યો છે.
જાવેદ અખ્તરે પાકિસ્તાન વિરૂદ્ધ કટાક્ષભર્યું નિવેદન આપ્યું છે, જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. જાવેદે પાડોશી દેશ પાકિસ્તાનને 26/11ના મુંબઈ હુમલાની યાદ અપાવતા અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમારા દેશમાં આતંકવાદીઓ આઝાદીથી ફરે છે. આ નિવેદન માટે ભારતમાં જાવેદ અખ્તરની ઘણી પ્રશંસા થઈ રહી છે. સિગરોના વિરુદ્ધમાં બોલનાર કંગના રનૌત પણ જાવેદ અખ્તરના સમર્થનમાં આવી છે. કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કરતી એક પોસ્ટ પણ લખી છે.
પાકિસ્તાન ગયા બાદ જાવેદે શું કહ્યું?
જાવેદ અખ્તરે ફૈઝ ફેસ્ટિવલમાં કહ્યું- અમે તો નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું હતું, પરંતુ તમારા દેશમાં લતા મંગેશકર માટે કોઈ કાર્યક્રમ રાખવામાં ન આવ્યો હતો. તો હકીકત એ છે કે હવે આપણે એક બીજા પર આરોપ ન લગાવવો જોઈએ. જો કે ખાસ વાત તો એ છે કે હાલમાં જે વાતાવરણમાં નફત જોવા મળી રહી છે, તે ઓછી થવી જોઈએ. તેમણે આગળ કહ્યું કે અમે બોમ્બેના લોકો છીએ, અને અમે જોયું કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી તો આવ્યા ન હતા કે તેઓ ઇજિપ્તથી પણ આવ્યા ન હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.
કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કર્યા
કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું – જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા દર્શાવી રહ્યા છે. પણ જુઓ, મનુષ્યમાં કંઈક સત્ય છે. તેથી જ તો ભગવાન પણ તેમની સાથે જ હોય છે… જય હિંદ જાવેદ અખ્તર સાહબ. ઘરમાં ઘુસીને માર્યો… હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને ફરિયાદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે પણ કંગનાના વખાણ કર્યા હતા.
કંગના-જાવેદ વચ્ચે કયો વિવાદ?
2020માં જાવેદ અખ્તરે કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગનાએ ટેલિવિઝન ઈન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ વાંધાજનક ટીપ્પણીઓ આપી હતી. ત્યારથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જાવેદ અખ્તર સાથે ચાલી રહેલી લડાઈમાં કંગનાએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કંગનાએ કહ્યું કે જ્યારે તેણે પૂર્વ બોયફ્રેન્ડ રિતિક રોશનની માફી માંગવાની ના પાડી તો જાવેદ અખ્તરે ગુસ્સામાં તેને ધમકી આપી હતી. ગીતકારે તેનું અપમાન કર્યું હતું.