જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) ડોડા જિલ્લામાં બુધવારે મોટી બસ (Bus) દુર્ઘટના સર્જાઇ હતી. અસાર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 37 લોકોનાં મોત થયાં હતાં. 19 લોકો ઘાયલ થયાં છે જ્યારે છની હાલત ગંભીર છે. PM મોદીએ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી 55 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. રસ્તામાં મોટો ખાડો આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બસ ઘડાકાભેર પડતા બસના બે કટકા થઈ ગયા હતા. બસને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ડોડામાં દાખલ કરવામાં આવ્યા હતા.