National

ભારતમાં પહેલીવાર મળ્યું પરફ્યુમ IED, અડતાં જ થાય છે પ્રચંડ વિસ્ફોટ

જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીર પોલીસને આજે મોટી સફળતા મળી છે. પોલીસે જમ્મુ-કાશ્મીરમાં આતંકના પરફ્યુમ (Perfume) મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઘાટીમાં પહેલીવાર પરફ્યુમ આઈઈડી મળી આવ્યો છે જે ખૂબ જ ખતરનાક છે. આ સાથે પોલીસે નરવાલ બ્લાસ્ટના (Blast) આરોપી આરીફની પણ ધરપકડ કરી છે જે લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. તેણે નરવાલ પહેલા શાસ્ત્રીનગર બ્લાસ્ટ અને કટરા બસ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. જણાવી દઈએ કે 21 જાન્યુઆરીએ નરવાલ બ્લાસ્ટમાં પરફ્યુમ આઈઈડી (IED) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં 9 લોકો ઘાયલ થયા હતા.

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકના પરફ્યુમ મોડ્યુલનો પર્દાફાશ
  • IED પરફ્યુમની બોટલમાં ભરીને વિસ્ફોટના સ્થળે રાખવામાં આવે છે, કોઈ વ્યક્તિ તેને દબાવવાનો પ્રયાસ કરે ત્યારે તેમાં વિસ્ફોટ થાય છે
  • પોલીસે નરવાલ બ્લાસ્ટના આરોપી આરીફની પણ ધરપકડ કરી છે જે લશ્કર-એ-તૈયબાનો આતંકી છે

આરીફ સરકારી શાળામાં શિક્ષક છે. વર્ષ 2016 થી તે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષક તરીકે નિયુક્ત થયો હતો. તેના મામા કમર પાકિસ્તાનના કરાચીમાં રહે છે. લશ્કરનો અન્ય એક આતંકવાદી કાસિમ જે રિયાસીનો રહેવાસી છે તે પણ પાકિસ્તાનમાં છે. આરીફ 2019 થી તેના સંપર્કમાં છે. કાસિમની સૂચના પર જ આરિફે કટરાથી આવતી બસમાં IED લગાવીને બ્લાસ્ટ કર્યો હતો.

આરિફને ડિસેમ્બર 2022માં ત્રણ IED મળ્યા હતા
DGP દિલબાગ સિંહે કહ્યું કે 21 જાન્યુઆરીએ 20 મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. તે એવી રીતે આયોજન કરવામાં આવ્યા હતાં કે પહેલા બ્લાસ્ટ પછી પોલીસ જ્યારે ત્યાં પહોંચે ત્યારે બીજો બ્લાસ્ટ થાય જેથી મહત્તમ નુકસાન થઈ શકે. આ બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા હતા. આરીફ નામના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. તેને ડિસેમ્બર 2022માં ત્રણ IED મળ્યા હતા. જેમાંથી બેનો ઉપયોગ નરવાલ વિસ્ફોટમાં થયો હતો જ્યારે ત્રીજો IED પોલીસને મળી આવ્યો છે.

જાણો શું છે પરફ્યુમ IED
વિસ્ફોટકો એટલેકે IED પરફ્યુમની બોટલમાં ભરીને વિસ્ફોટના સ્થળે રાખવામાં આવે છે. જેવી કોઈ વ્યક્તિ આ બોટલને સ્પર્શ કરે છે અથવા તેને દબાવવાનો પ્રયાસ કરે છે તેમાં વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટો ખૂબ જ ખતરનાક હોય છે. આ બ્લાસ્ટ કોઈ વ્યક્તિ IEDના સંપર્કમાં આવ્યા પછી થાય છે તેથી જાન-માલનું નુકસાન વધુ થાય છે.

Most Popular

To Top