Entertainment

રાવણના દેશની જેકલીનનો ઝંડો ભારતમાં ફરક્યો છે

હિન્દી ફિલ્મની અભિનેત્રી જયારે સાઉથની ફિલ્મો તરફ વળે તો તેને પીછેહઠ તરીકે જોવામાં આવે છે અને જો હોલીવુડની વેબસિરીઝ યા ફિલ્મ મળે તો તેનો વટ એકદમ વધી જાય છે. જોકે અત્યારે અનેક અભિનેત્રીઓને એવી તક મળે છે અને તેનું કારણ વિદેશી ફિલ્મના ભારતીય ચાહકો વધી રહ્યા છે તે છે. વળી ડબિંગના કારણે ય એ ફિલ્મો હિન્દીના પ્રેક્ષકો પાસે પહોંચી જાય છે. અલબત્ત એવી ફિલ્મોમાં કામ કરવાના કારણે સ્ટેટસ જ નહીં, કાર્યપધ્ધતિ પણ બદલાઇ જાય છે. પ્રિયંકા ચોપરાનું ઉદાહરણ સામે જ છે. ભારતમાં તે આવે તો જૂદા માન સાથે બધા સંબોધે છે. હવે તેને ગમે તે પ્રકારની ફિલ્મો ય ઓફર થતી નથી.

હમણાં જેકલીન ફર્નાન્ડિસનું સ્ટેટસ પણ બદલાવા માટે છટપટાહટ અનુભવી રહ્યું છે. તેને હોલીવુડની એ ફિલ્મ મળી છે જેમાં છ સ્ત્રીપાત્રો કેન્દ્રમાં છે અને દરેક પાત્રોવાળા ભાગનું દિગ્દર્શન છ જૂદી જૂદી મહિલા દિગ્દર્શક જ કરશે. જેકલીન ફર્નાન્ડિસ એવી ફિલ્મમાં પોલીસ અધિકારી બની છે. તેનાવાળા ભાગનું દિગ્દર્શન લીના યાદવ કરશે. જેકલીન કે જે ભારતમાં અભિનેત્રી બનવા આવી હતી તે હવે આ રીતે નવા મુકામ પર પહોંચી છે તેને તેની એક સિધ્ધિ ગણવી જોઇએ. તે હંમેશા પોતાને સિધ્ધ કરવા મથતી રહી છે અને જે મળે તે ફિલ્મોમાં કામ કરી પોતાનો રસ્તો શોધ્યો છે.

સલમાનની ફિલ્મોમાં કામ મળવાને પ્રતિષ્ઠા ગણવી કે નહિ તે ખબર નથી પણ તે કેટરીના કૈફની જેમ સલમાનની કાયમી હીરોઇન નથી બની અને અત્યારે તેની પાસે જે ૫-૬ ફિલ્મો છે તેમાંની એકમાંય તેનો હીરો સલમાન નથી. એજ રીતે તે અક્ષયકુમાર યા અજય દેવગણ યા શાહરૂખની હીરોઇન તરીકેની પ્રતિષ્ઠા મેળવવા માંગતી નથી. હા, તે રાજકુમાર રાવ યા આયુષ્યમાન ખુરાનાની હીરોઇન નથી બનતી. પોતાને તે મસાલા ફિલ્મોની અભિનેત્રી તરીકે જ રહેવા દેવા માંગે છે. એવી ફિલ્મોમાં કમાણી ય વધારે થાય છે ચર્ચા પણ વધારે મળે. જેકલીન કાંઇ અભિનય વિદ્યા શીખવા અહીં નથી આવી. પોતાની જે કાંઇ બ્યુટી અને ટેલેન્ટ છે તેના વડે તે ફિલ્મ હોર્ડિંગની ચમક બની રહેવા માંગે છે. ફિલ્મોને અને તેના પ્રેક્ષકોને માત્ર સારી અભિનેત્રીનો જ ખપ નથી હોતો. બ્યુટી, ગ્લેમર, સેકસીનેસ સામાન્ય લોકોની પ્રથમ પસંદ હોય છે.

‘અલાદીન’થી તે જયારે ફિલ્મોમાં આવી ત્યારે તેને પોતાને ય ખબર નહોતી કે કેટલી મજલ કપાશે. આ દેશ પણ તેનો નહોતો. ભાષાની પણ સમસ્યા હતી. તેનું સૌંદર્ય પણ ભારતીય નહતું પણ તે પોતાની તાકાતથી જ આગળ વધી અને આજે તે એક એસ્ટાબ્લિશ્ડ સ્ટાર છે. અત્યારે વિદેશથી આવેલી યા ભારતીય વિદેશ લોહીના મિશ્રણની જન્મેલી અભિનેત્રીઓ એક નથી પણ જેમ કેટરીના છે, તેમ જેકલીન છે. અલબત્ત, કેટરીનાની બ્યુટીની વાત જૂદી. જોકે હવે તેની ય તે બ્યુટી નથી રહી. પણ તેની વાત હમણાં નહીં. જેકલીન શ્રીલંકાની છે અને ભારતની ફિલ્મોમાં સ્ટાર બનનાર તે એકમાત્ર છે. ‘કિક’, ‘હાઉસફૂલ-3’, ‘જૂડવા-2’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર જેકલીનના પિતા બઝનેસમેન છે અને કહેવું જોઇએ કે ફિલ્મ એકટ્રેસ તરીકે જેકલીન પણ બિઝનેસ વુમન છે.

તેણે કરેલી ફિલ્મોમાં સિકવલ્સની સંખ્યા કેમ વધારે છે એ ન પૂછશો. તે સલામત રમવામાં માને છે એટલે જ ‘મર્ડર-2’, ‘હાઉસફૂલ-2’, ‘રેસ-2’ ફિલ્મો તેના નામે ચડી છે. તેના ઓલટાઇમ ફેવરિટ એકટર્સમાં શાહરૂખખાન છે પણ તેની સાથે ફિલ્મો કરવી પાકી છે. પણ રણબીર કપૂર સાથે ‘રોય’, વરુણ ધવન, જહોન અબ્રાહ્મ સાથે ‘ઢીશુમ’, ‘જૂડવા-2’  (વરુણ સાથે), કરી ચુકી છે. ઘણીવાર તે આઇટમ સોંગ પૂરતી મર્યાદિત રહે છે પણ તેને તેનો વાંધો નથી. ધંધો થવો જોઇએ ને નિર્માતા – સ્ટાર સાથે રિલેશન રહેવા જોઇએ. આ કારણે જ અત્યારે તેની પાસે જહોન અબ્રાહ્મ સાથેની ‘એટેક’ યા સૈફ અલી ખાન, અર્જૂન કપૂર સાથેની ‘ભૂત પોલીસ’, રણવીરસીંઘ સાથેની ‘સરકસ’, અક્ષયકુમાર સાથેની ‘બચ્ચન પાંડે’ અને ‘રામ સેતુ’ છે. આ ફિલ્મોમાં બીજી હીરોઇનની હાજરી છે પણ મસાલા ફિલ્મના સ્ટાર્સે એવું સમજવું પડે કે મસાલા વિના ફિલ્મ સફળ ન થાય. જેકલીન સ્ટાર તરીકે બહુ ઇગો લઇને ફરતી નથી. તે પ્રોફેશનલ સ્ટાર છે અને એટલે જ હવે હોલીવુડની ફિલ્મો સુધી ય પહોંચી છે. જેકલીન અત્યારે હિન્દી ફિલ્મોની પ્રથમ પાંચ કમર્શિઅલ ફિલ્મ એકટ્રેસમાંની એક છે ને એજ તેના માટે પૂરતું છે.

Most Popular

To Top