Columns

વરસતો વરસાદ

વરસાદ વરસી રહ્યો હતો. મમ્મીએ બુમાબુમ શરૂ કરી કે વરસાદ અટકતો જ નથી. આ ભીના કપડાનું શું કરવું કંઈ સમજાતું નથી.વરસાદ અટકે તો સારું.તો ઈશા મમ્મી જોડે ઝઘડી પડી, કારણ ઈશાને વરસાદ બહુ ગમતો અને વરસાદનું મહત્ત્વ સમજાવતાં બોલી, ‘વરસાદ તો ઈશ્વરની વરસતી કૃપા છે. વરસાદ ભવિષ્યની આશા છે.વરસાદ ખેતીની જાન છે. વરસાદ પાણી આપે છે.વરસાદ જીવન આપે છે.વરસાદ ગરમીથી તપ્ત ધરતીને રાહત આપે છે.વરસાદ વરસે છે તો જીવન ખીલે છે અને નવજીવન મેળવે છે.

પપ્પા બડબડ કરતા આવતા કે , ‘વરસાદને લીધે કાદવ કીચડ થાય છે ,રસ્તામાં ખાડા કેટલા છે , ટ્રાફિક કેટલો છે.વરસાદમાં બધો ત્રાસ વધી જાય છે.’ઈશા તેમને પણ સમજાવતી કે વરસાદ જરૂરી છે. પણ એવું થાય કે આ વરસતો વરસાદ અટકવાનું નામ જ ન લે તો…સાત દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો હતો…ચારે બાજુ પાણી જ પાણી હતું …જાણે સુરજ તો દેખાયો જ ન હતો…સતત વરસતા વરસાદથી આમ વરસાદને પ્રેમ કરતી..વરસાદ પર કવિતા લખતી ઈશા પણ કંટાળી હતી. આજે તો તેનાથી બોલાઈ ગયું, ‘આ વરસાદ હવે થોડી ખમૈયા કરે તો સારું.કેટલા દિવસથી સુરજ દેખાયો નથી.’મમ્મી અને પપ્પા તરત હસ્યાં અને મજાકમાં બોલ્યાં, ‘કેમ , હવે વરસાદ ગમતો નથી? કે આમ બોલે છે.’

ઈશા બોલી, ‘મમ્મી અને પપ્પા, વરસાદ તો મને ખૂબ જ ગમે છે અને તમે બધા પણ સમજો જ છો કે વરસાદ પસંદ કે નાપસંદનો નહિ, પણ આપણી માનવજાતની જરૂરતનો વિષય છે.વરસાદ નહિ આવે તો શું થશે તે આપણે જાણીએ જ છીએ.પણ આ તો સતત વરસી રહેલા વરસાદને કારણે આમ બોલાયું, કારણ અતિશય ભેજ પણ નુકસાન કરે છે , રોગચાળો ફેલાવે છે.એટલે એમ ઈચ્છું છું કે વરસાદ થોડો અટકે..થોડો ધીમો પડે ..સતત ન પડતાં માફકસર પડે તો વધારે સારું.’

ઈશાની વાત સાંભળી દાદા હસ્યા અને બોલ્યા, ‘વાહ ઈશા, તારી તો વાત કુદરતને શીખવવાની છે.વરસાદ કેટલો પડે, કઈ રીતે પડે, તે આપણે નક્કી કરી શકતાં નથી.વરસાદ ધીમો પડે કે આપણા સમયે પડે તે આપણા હાથની વાત નથી, પણ ગમે તેટલો વરસાદ પડે, આપણે તેની સાથે જીવવાની તૈયારીઓ સઘળી બરાબર કરી શકીએ તે આપણા હાથમાં છે.સારી છત્રી , રેનકોટ અને બુટ તો ખરા જ …ઘરમાં પાણી ન આવે તેની વ્યવસ્થા વગેરે વગેરે આપણે કરી શકીએ અને આવું જ જીવનનું છે. જીવનમાં વરસાદની જેમ પડકારો , ચેલેન્જો આવે જે મેળવી આગળ વધાય અને ક્યારેક આ પડકારો એક સાથે આવી ચારે બાજુથી ઘેરી લે ત્યારે મુશ્કેલી લાગે, ત્યારે પણ મુશ્કેલીઓ ઓછી આવે કે વારા ફરતી આવે તે આપણા હાથની વાત નથી, પણ મુશ્કેલીઓ સાથે લડવાની હિંમત , વિશ્વાસ અને સાધનો તૈયાર રાખવાં આપણા હાથની વાત છે.’દાદાએ વરસાદની વાત સાથે જીવનની વાત જોડી અણમોલ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top