World

ઈટાલીનું શહેર પોર્ટોફિનો ખૂબ સુંદર, પણ સેલ્ફી લીધી તો 25000 રૂપિયાનો દંડ, જાણો આવું શા માટે

ઈટાલી: વિશ્વભરના સમાચારો (News)માં ક્યારેક, ક્યાંક એવી કોઈક વાત હોય છે, જે તમામનું ધ્યાન ખેંચે. ઈટાલી (Italy)નું પણ કેટલાક દિવસોથી કંઈક આવું જ છે. ઈટાલીનું પોર્ટોફિનો (Portofino) નામનું એક શહેર (city) ખૂબ જ સુંદર (beautiful) અને બેનમૂન છે. લાખો સહેલાણીઓ (tourist) તેને મન ભરીને માણી શકે છે, પરંતુ તેની યાદ પોતાની સાથે લઈ જઈ શકતા નથી. તેની પાછળનું કારણ એવું છે કે આ શહેરમાં સવારે 10.30થી સાંજે 6 વાગ્યા સુધી સેલ્ફી (selfie) લેવા પર પ્રતિબંધ છે અને તેનું ઉલ્લંઘન કરો તો સીધો જ રૂ. 25 હજારનો દંડ (fine) થાય છે.

ઈટાલી વિશ્વભરમાં પ્રાકૃતિક સુંદરતા, સ્વચ્છતા, શિસ્ત જેવા અનેક પરિબળો માટે પ્રસિદ્ધ છે. ત્યાં ઈટાલીયા નદી પર પોર્ટોફિલો નામનું એક ખૂબ સુંદર શહેર વસેલું છે. શહેરનો ઈતિહાસ અનોખો છે અને અહીંના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમય જતાં અહીં રિસોર્ટ્સ શરૂ થયા અને હવે પ્રવાસન ઉદ્યોગ પણ ખાસ વિકસ્યો છે. રંગબેરંગી મકાનો અહીંની અન્ય એક વિશેષતા છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્વચ્છતા, ઉમળકાભેર આવકાર, ઈટાલિયા નદીની રમણીયતા સહિતના પરિબળો લોકોને આકર્ષે છે અને તેથી પોર્ટોફિનો ઈટાલી જ નહીં, વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે વિકસી ચુક્યું છે.

જો કે હવે પ્રવાસીઓ માટે માઠા સમાચાર એવા આવ્યા છે કે આ શહેરમાં સવારે 10.30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એટલે કે દિવસના મોટાભાગના સમય માટે સેલ્ફી લેવા પર એટલે કે ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો કડક અમલ પણ કરાઈ રહ્યો છે અને જો કોઈ પ્રતિબંધનું ઉલ્લંઘન કરી સેલ્ફી લે, ફોટો પાડે તો તેને 275 યુરો એટલે કે અંદાજે 25000 રૂપિયા જેટલો દંડ ભરવો પડે છે.

આ પ્રતિબંધ પાછળની ખલનાયક પોર્ટોફિનોની સુંદરતા જ છે. કારણકે શહેર એટલું સુંદર છે કે કોઈ સહેલાણી શહેરમાં પ્રવેશે એટલે તેને તુરંત જ સેલ્ફી કે ફોટો લેવાનું મન થાય. પ્રાકૃતિક સૌંદર્ય, વિવિધ રંગોથી પેઈન્ટ કરાયેલા મકાનો, હરિયાળી, સુંદર અને વૈવિધ્ય ધરાવતાં લોકો, જેવા પરિબળો પ્રવાસીઓને સેલ્ફી લેવા માટે મન લુભાવે છે. પ્રવાસી પોતાને રોકી શકતો નથી અને તેને કારણે અરાજકતા ફેલાય છે તેવું સ્થાનિક લોકોનું માનવું છે.

પોર્ટોફિનોના મેયર માટેઓ વિયાકાવાએ જણાવ્યું કે હકીકતમાં સેલ્ફી પર પ્રતિબંધ લેવા માટે પ્રવાસીઓ પોતે જ જવાબદાર છે. પ્રવાસીઓ જ્યારે શહેરમાં આવે છે ત્યારે પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરીને સેલ્ફી લેવા લાગે છે. અનેક પ્રવાસીઓ ટ્રાફિકની ચિંતા કર્યા વિના જ રસ્તા વચ્ચે વાહનો ઉભા રાખી ફોટો લેવા માંડે છે. જેને કારણે ટ્રાફિકજામ થાય છે, ઝઘડા થાય છે અને શાંતિ ડહોળાય છે. ખાસ કરીને આવી ફરિયાદ પોર્ટોફિનોના સ્થાનિક લોકોએ વ્યાપક રીતે અનેક વખત કરી હતી, જેને પગલે આ નિર્ણય લેવો પડ્યો.

હવે તમે મન પ્રફુલ્લિત કરવા, રજા ગાળવા ક્યાંય પણ જાઓ, તો જે તે સ્થળના ફોટા-સેલ્ફી તમે યાદ તરીકે સાથે લાવો છો. પરંતુ ઈટાલીના આ પોર્ટોફિના શહેરમાં પીકઅવર્સની મુલાકાતની તમારી યાદો સાથે લાવી શકશો નહીં.

Most Popular

To Top