સુરત જિલ્લાના કુલ 9 તાલુકા પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલા પાતાલ ગામમાં ગામીત સમાજની બહુમત વસતી 75 ટકા છે. આ ગામમાં વસાવા, હળપતિ, પટેલ, મુસ્લિમ, દલિત વગેરે જ્ઞાતિના લોકો રહે છે. અને ગામની વસતી અંદાજિત 4369 જેટલી છે. પાતલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સુનિયોજિત આયોજનને કારણે વિકાસની દૃષ્ટિએ હવે આગળ વધી રહ્યું છે. પાતલ ગ્રામ પંચાયતમાં કુલ 14 સભ્ય છે. વસતીના પ્રમાણમાં ફળિયા દીઠ વિકાસ જોવા મળી રહ્યો છે. આ ગામમાં 16 જેટલાં ફળિયાં જેવાં કે કોલોની ફળિયું, ભાઠ્ઠી ફળિયું, કોઠી ફળિયું, વાડી ફળિયું, વાંધી ફળિયું, શામર ફળિયું, નવી શામર ફળિયું, પટેલ ફળિયું, આશ્રમ ફળિયું, હોળી ફળિયું, તાળી ફળિયું, નવી વસાહત ફળિયું વગેરેનો સમાવેશ થાય છે. સન 2011ની વસતી ગણતરી પ્રમાણે વસતી 3369 હતી.
જેમાં સન 2022માં પુરુષ 2260 અને સ્ત્રીઓ 2109 છે. આ ગામ કુલ ક્ષેત્રફળ 1100 હેક્ટરમાં આવેલું છે. અને ગોચર વિસ્તાર 111 હેક્ટર છે. માંડવીના પાતલ ગામમાં સન-2012માં ચંદનબેન ભૂપેન્દ્રભાઈ ગામીત સરપંચ હતાં. ત્યારે પાંચ વર્ષ સુધી ગામના વિકાસલક્ષી કામો કરી લોકોને સેવા પૂરી પાડી હતી. ત્યારબાદ સન-2017માં તેમના તેમના પતિ ભૂપેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામીત પર ગ્રામજનોએ વિશ્વાસ મૂક્યો હતો. જે આજે ગામનો ફળિયા દીઠ વિકાસ આગળ વધ્યો છે. જ્યારે સન-2021માં ફરી ગ્રામ પંચાયતનું ઇલેક્શન આવ્યું હતું.
ત્યારે ચંદનબેન ભૂપેન્દ્રભાઈ ગામીતે પદભાર સંભાળતાં 11 માસ પૂર્ણ કર્યા હતા. આમ, ત્રણ ટર્મથી ગામની સેવા કરતા ગામીત પરિવારે ઠેર ઠેર સુવિધાઓ ઊભી કરી છે. ગામમાં પીવાના પાણીની સુવિધાઓ, નલ સે જળ યોજના, ભૂગર્ભ પાણીની ટાંકી, સીસી રોડ, પેવર બ્લોક ગ્રામ પંચાયતની કાબિલેદાદ કામગીરીની પ્રતીતિ કરાવે છે. આમ, આ ગામની કાયાપલટ થઈ છે એમ કહીએ તો ખોટું નથી. પાંચ વર્ષમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રધાનમંત્રી આવાસ 340થી વધુ, હળપતિ આવાસ 39 અને ડો.બાબાસાહેબ આંબેડકર આવાસ 9 મળી કુલ 425 જેટલાં આવાસ ગરીબો માટે બનાવ્યાં છે. જે સરકારની વિવિધ યોજનાઓથી શક્ય બન્યું છે. અને હજી પણ સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી સરપંચની નેમ છે. પાતલ ગામ વર્ષો પહેલાં પાતળિયા ગામ તરીકે ઓળખાતું હતું. અને આજુબાજુ પાંચ જેટલા ડુંગરો આવેલા હતા. હાલમાં પણ આ ગામની આસપાસનો વિસ્તારમાં ડુંગરો જોવા મળે છે. જેમાં નગરિયા ડુંગર, ધમાણ્યુ ડુંગર, આમલિયા ડુંગર, પાતળિયા ડુંગર અને નાના-નાના ડોગરીઓ જે ગોરખા-ડોગરી, લાલ ડોગરી, દામા ડોગરી આવેલા છે.
80 ટકા લોકો શિક્ષિત
પાતલ ગામમાં આદિવાસી વસતી વધુ હોવા છતાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. વળી, રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યેની ઝુંબેશને કારણે આજે અંતરિયાળ વિસ્તારના લોકો શિક્ષણનું મહત્ત્વ સમજતા થયા છે. શિક્ષણને કારણે રોજગારીની ક્ષિતિજો પણ ખૂલી છે. પહેલાં ખેતી ઉપર મદાર રાખતા લોકો ભણીગણીને આગળ વધતાં હવે સરકારી સિવાય ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રે પણ આગળ વધ્યા છે. આ ગામમાં શિક્ષણની દૃષ્ટિએ જોઈએ તો લોકો 80 ટકા લોકો શિક્ષિત છે. ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દા ઉપર પણ પહોંચ્યા છે. જે શિક્ષકો અંદાજિત 15 જેટલા હશે અને અન્ય બેંકમાં સર્વિસ કરતાં 6 જેટલા છે. તેમજ યુવા-યુવતીઓ મોટા ભાગના હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.
150થી વધુ ગ્રામજનો માટે રોજગારની સવલતો ઉપલબ્ધ
આ ગામમાં પ્રાથમિક શાળા, આશ્રમ શાળા, ઉત્તર બુનિયાદી શાળા, 2 વર્ગ શાળા, 4 આંગણવાડી, પંચાયત ઘર, દૂધમંડળી, સરકારી દવાખાનું, સસ્તા અનાજની દુકાન, ધાર્મિક સ્થળો, સરકારી તળાવ, ઔદ્યોગિક એકમ (સ્ટોન ક્વોરી)ને કારણે 150થી વધુ ગ્રામજનો માટે રોજગારની સવલતો ઉપલબ્ધ છે.
પાતલ ગ્રામ પંચાયતના હોદ્દેદારો
-: સરપંચ :-
ચંદનબેન ભૂપેન્દ્રભાઈ ગામીત
-: ઉપસરપંચ:-
ભૂપેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામીત
-: સભ્યો :-
1.રસિકભાઈ ખુશાલભાઈ મકવાણા
પરેશભાઈ પ્રવીણભાઈ વસાવા
3.અરવિંદભાઈ લલ્લુભાઈ ગામીત
4.નીતિનભાઈ શૈલેષભાઈ વસાવા
5.રીટાબેન દિનેશભાઈ ગામીત
6.નિશાબેન યતિનભાઈ ગામીત
7.દર્શનાબેન મહેશભાઈ ગામીત
8.રમીલાબેન સુરેજભાઈ ગામીત
9.સુનિતાબેન જિતેન્દ્રભાઈ ગામીત
-: તલાટી કમ મંત્રી :-
સોહાનીબેન કુંવરજીભાઈ હળપતિ
પૂર્વ સરપંચ અને હાલના સરપંચ પતિ ભૂપેન્દ્રભાઈ ગામીતે ગામને વિકાસની દિશા બતાવી
કોઈપણ ગામનો વિકાસ ગામના બૃદ્ધિજીવી વર્ગને પણ આભારી હોય છે. પાતલ ગામના લોકોની એકરાગીતાને કારણે આજે વિકાસની દિશામાં અન્ય ગામોની હરોળમાં આવી રહ્યું છે. તેમાં માજી સરપંચ અને હાલના સરપંચના પતિ ભૂપેન્દ્રભાઈ ગામીતનો પણ ઉમદા ફાળો છે. તેમણે પોતાના કાર્યકાળમાં પાતલ ગામના વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપ્યો હતો. જે-તે સમયે ગ્રામજનોના હિતમાં સુવિધા ઉપલબ્ધ કરી ગામને વિકસિત બનાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 5 કરોડથી વધુનાં કામો કર્યાં છે. આ ગામમાં ગરીબો ઘરનું ઘર અપાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ, હળપતિ આવાસ એ કામગીરી થકી તેમણે લોકચાહના મેળવી છે. સાથે ગામમાં ડામર રોડ, પેવર બ્લોક, પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળા, કમ્પાઉન્ડ વોલ, ગટર લાઈન, આંગણવાડી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. હાલ ચંદનબેન ભૂપેન્દ્રભાઈ ગામીત એ જ રીતે વિકાસકામો કરવા માટે તત્પર છે.
આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ
આરોગ્યની સુખાકારી પાતલ ગામે સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે તેમની આજુબાજુનાં 7 ગામ જેવાં કે ચંદનપુર(ચુડેલ), ટુકેદ, મધરકુઈ, ફળી, બોરીગારા, અંત્રોલી વગેરે આવેલાં છે. જે સરકારી હોસ્પિટલ છે. જે બીમાર દર્દીઓ માટે ડોક્ટરની જેવી સુવિધાઓ મળતી રહે છે.
ગામના આદિવાસી સમાજની બોલી ગામીત અને ચૌધરી છે
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં વિવિધ સમાજના લોકો રહે છે. જેમની બોલી અને રહેણીકરણી આજે પણ અલગ છે. ખાસ કરીને તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા તેમજ ભરૂચ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ આજે પણ પોતાની ભાષાને વળગી રહ્યા છે. માંડવી તાલુકાના પાતલ ગામમાં મુખ્યત્વે ગામીત અને ચૌધરી બોલી વધુ બોલાય છે. વાત કરીએ ગામીત બોલીની તો તાપી નદીના ખીણ પ્રદેશમાં વસતા આદિવાસીઓ પૈકીના ગામીત જાતિના લોકોની પરાપૂર્વથી સામાજિક વ્યવહારમાં પરંપરાગત બોલીનો હજુય ઉપયોગ કરે છે. આ બોલી બોલનારા ગામીત લોકોની ગુજરાતમાં વિશેષ વસતી છે. તેમાં પણ સૌથી વધુ આ બોલી દક્ષિણ ગુજરાતના રાનીપરજ વિસ્તારના તાપી જિલ્લામાં વધુ બોલાય છે. તો ચૌધરી જાતિના આદિવાસીઓની બોલી ચૌધરી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે. તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષામાં પણ એકસરખા હોય છે. ચૌધરી જાતિના લોકો પરસ્પર સામાન્ય વહેવારમાં પોતાની બોલીનો ઉપયોગ કરે છે. ભાષાને જીવંત રાખવા માટેનો આ ઉમદા પ્રયાસ છે.
42 વર્ષથી કાર્યરત દૂધમંડળી
પાતલ ગામની સહકારી દૂધમંડળીની સ્થાપના સન-1982માં કરવામાં આવી હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે નાગરભાઈ દૂધિયાભાઈ ગામીત હતા અને 40 વર્ષ સુધી દૂધમંડળીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેમની ઉંમર 85 વર્ષની છે અને રોજનું 3થી 4 કિ.મી. ખેતર સુધી અવરજવર કરે છે. ત્યારબાદ સન-2015થી દૂધ મંડળીના પ્રમુખ ધનસુખભાઈ ચીમનભાઈ ગામીત અને મંત્રી ભૂપેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામીત કાર્યકાળ સંભાળી રહ્યા છે. આ મંડળીમાં કુલ 219 સભાસદ છે. અને રોજનું 900 લીટર દૂધ ભરાય છે. આ મંડળીમાં એક માસની આવક 10 લાખથી વધુ છે. જે દર વર્ષે 1 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે. તેમજ દર વર્ષે પશુપાલકોને દૂધ પ્રમાણે સારા ભાવફેરના રૂપિયાની ચૂકવણી કરાય છે. મંડળીના પ્રમુખ-મંત્રીના કુશળ વહીવટના કારણે પશુપાલકોને સંતોષકારક ભાવો મળે છે. તેમજ પશુપાલકોને પશુ લોન અંદાજિત સભાસદોને રૂ.16 લાખ પશુ ખરીદવા આપવામાં આવી હતી. જે બેંકેબલ વાજપાઈ લોન આપી હતી. દૂધમંડળીના સભાસદોને ત્રણ વર્ષની મુદત આપવામાં આવે છે અને નિયમિત રીતે દર મહિને મંડળી લોન વસૂલાત કરે છે.
ગામમાં ખેડૂતોની સંખ્યા 1000થી વધુ
પાતલ ગામમાં ખેડૂત ખાતેદારોની સંખ્યા અંદાજિત 332 જેટલી છે. જે કુલ ખેડૂતો 1000 વધુ છે. આ ગામમાં મુખ્ય પાક ચોમાસું દરમિયાન જુવાર, તુવેર, અળદ જેવા પાકોનું ઉત્પન્ન કરે છે. જ્યારે રવી પાક શિયાળામાં ઘઉં, ચણા, વાલ પાકે છે અને 25 ટકા જેટલા ખેડૂતો શેરડીનો પાક પકવે છે. હાલમાં ધરમપુર ગામમાંથી પસાર થતી જમણા કાંઠા નહેરમાંથી પાતલ ગામે ખેડૂતોને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા 33 કરોડનાં કામો મંજૂર થઈ ચૂક્યાં છે. જેની કામગીરી ટૂંક સમયની અંદર કરવામાં આવશે. જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે એવી પ્રાથમિક જાણકારી મળી હતી.
પેવર બ્લોક અને ગટર લાઈન જેવાં અનેક વિકાસલક્ષી કામો કરાશે
વિકાસની દોટમાં આજે ગામડાં પણ પાછળ રહ્યાં નથી. ઘણાં ગામોમાં તો આરસીસી રસ્તા અને ફળિયે ફળિયે પેવર બ્લોકની સુવિધા મળતાં લોકોની મુશ્કેલીનો અંત આવ્યો છે. સરકારની નલ સે જલ જેવી યોજના પણ અંતરિયાળ ગામો સુધી પહોંચી રહી છે. અને હજુ પણ વિકાસની ગતિ તેજ છે. પાતલ ગામ તાલુકાનાં અન્ય ગામોની સરખામણીએ વિકાસથી વંચિત ન રહે એ માટે તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચાર ગામોના વિકાસ માટે સ્વભંડોળમાંથી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે ગ્રાંટની ફાળવણી કરી હતી. જેમાં સમાવિષ્ટ ગામો ફળી, પાતલ, ચુડેલ અને ઉટેવામાં સ્વભંડોળમાંથી રૂ.90 લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા તૈયાર કરાશે. તેમજ પેવર બ્લોક, ગટર લાઈન જેવાં અનેક વિકાસલક્ષી કામો કરવામાં આવશે. જેનું તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રવીણ એમ.ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચુડેલ ગામે ડામર રોડ રૂ.3 લાખના ખર્ચે તૈયાર કરાતાં રસ્તાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ATVTમાં 15 ટકા તથા T.S.P. યોજનામાંથી અન્ય ગામોનાં કામો માટે ખાતમુહૂર્ત કરાયાં હતાં.
વન્ય પ્રાણીનો ત્રાસ: અગાઉ દીપડાના હુમલાથી મજૂર પરિવારની બાળકીએ જીવ ગુમાવ્યો હતો
માંડવી તાલુકામાં દીપડાનો ભારે આતંક છે. અગાઉ અરેઠ વિસ્તારમાં 3 માસૂમ બાળકના હુમલા બાદ પાતલ ગામે શેરડીના પડાવ પર ધસી આવેલો દીપડો બાળકીને ઊંચકી લઈ જતાં બાજુના ખેતરમાંથી બાળકીની લાશ મળી હતી. અરેઠ ગામે ગોળના કોલાના મજૂરોની એક ટુકડીનો પડાવ પાતલ ગામે નરસિંહ ગામીતના ખેતરમાં ઝૂપડાં પાડી રહેતો હતો. શેરડી કટિંગ કરી તમામ લોકો પડાવમાં હતા, એ વેળા આ ઘટના બની હતી. પરિવારની હાજરીમાં શિવાની શંકરભાઈ મ્હાલા (ઉં.વ.4) (મૂળ રહે., આહવા) રમી રહી હતી. 28 એપ્રિલ-2022ના રોજ માંડવી તાલુકાના પાતલ ગામે વન્યપ્રાણી દીપડીનાં બે બચ્ચાં મળી આવ્યાં હતાં. આ બનાવમાં પરિવારને વનવિભાગ દ્વારા જે-તે સમયના મંત્રી ગણપતભાઈ વસાવાની મંજૂરી બાદ સાંસદ પરભુભાઈ વસાવાના હસ્તે ચાર લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો.
અંદાજિત 500 જેટલા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે
પાતલ ગામે ગુજરાત પેન્સ્ટિ કોસ્ટલ ચર્ચ અને વિશ્વવાણી ચર્ચ આવેલાં છે. જેઓ દર રવિવારે 9થી 1 વાગ્યા સુધી મીટિંગ રાખે કરે છે, જેમાં પ્રાર્થના કરી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. અંદાજિત 500 જેટલા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.
સેવાસેતુ કાર્યક્રમ થકી સ્થળ પર સમસ્યાનો હલ
પાતલ ગામે સેવાસેતુ જેવા કાર્યક્રમનું આયોજન પણ અગાઉ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના ટીડીઓ, મામલતદાર સહિતના વહીવટી તંત્ર દ્વારા 672 જેટલી અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. જે આધારકાર્ડ, હેલ્થ વેલનર્સ કાર્ડ, પશુ-ગાયનેકોલોજિકલ સારવાર, આવકના દાખલા, પી.એમ.જે. કાર્ડમાં અરજી, રાશન કાર્ડમાં નામ દાખલ, વિધવા સહાય, સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન સહિતની તમામ અરજીનો નિકાલ કરાયો હતો. જે સરપંચ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પાતલ ગામમાં બે ક્વોરી ઉદ્યોગ થકી રોજગારીનું સર્જન: 150 લોકોને ઘરઆંગણે જ મળે છે રોજગારી
દરેક દેશની પ્રગતિ આર્થિક વિકાસ પર આધારીત હોય છે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો લગભગ 20 % જેટલો છે. જે ઉદ્યોગોનું મહત્ત્વ દર્શાવે છે. પહેલાં ખેતી પર મદાર રાખવો પડતો હતો. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ આવતાં દક્ષિણ ગુજરાતમાં પણ અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે. સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં અન્ય ઉદ્યોગોની સાથે ક્વોરી ઉદ્યોગ ધમધમતા અનેક લોકો માટે રોજગારીનું પણ સર્જન થયું છે. માંડવીના પાતલ ગામે શિવ ક્વોરી સ્ટોન અને પરમેશ્વર ક્વોરી સ્ટોન મળી બે ઉદ્યોગ આવેલા છે. આ સ્ટોન ક્વોરીમાં કપચી, ગ્રીટ, મેટલ, ડસ્ટરના વિકેતા છે. જેઓ પોતાની સ્ટોન ક્વોરીમાંથી જે-તે કોન્ટ્રાક્ટરોને માલ-સામાન આપે છે. જે રોજગારી માટે ગામના સામાન્ય વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે. આ ઉદ્યોગથી ગરીબ વ્યક્તિના ઘરનો ચૂલો સળગે છે. અને મોટા ભાગના રોજમદારોને રોજીરોટી માટે બહારગામ જવું પડતું નથી. આ ગામના અંદાજિત 150 વધુ લોકોને ક્વોરી ઉદ્યોગ થકી રોજગારી મળતી રહે છે.
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ-સુરત સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય-પાતલ
આઝાદી કાળમાં સ્થપાયેલી મંડળ શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવામંડળ-સુરતની દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આશ્રમશાળાઓ અને પ્રૌઢશિક્ષણ વર્ગો, છાત્રાલયો જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા રાનીપરજ કોમની દશા સુધારવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. આ સેવાકીય પ્રક્રિયાના એક ભાગરૂપે ‘જ્યોત સે જ્યોત જલે’ સૂત્રને ચરિતાર્થ કરતાં ગાંધીવાદી, કર્મઠ અને સેવાના ભેખધારી સંસ્થાના આદ્યસ્થાપક પ્રેમશંકર ભટ્ટે વર્ષ-૧૯૫૯માં માંડવીના પાતલ જેવા દુર્ગમ વિસ્તારમાં આશ્રમશાળાની સ્થાપના કરી શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી. તેમણે પાયાના શિક્ષણને મજબૂત કરવા ધો.૧થી ૭નું શિક્ષણ શરૂ કર્યું હતું. બાળકો માટે શાળામાં રહેવા-જમવાની સગવડ આપી હતી. ધીમે ધીમે પાયાના શિક્ષણની ભૂખ ભાંગતા આગળના શિક્ષણનું શું? એ પ્રશ્ન ઉપસ્થિત થયો.
બાદ પાયાના શિક્ષણ પછીના માધ્યમિક શિક્ષણની જરૂરિયાત સંતોષવા મંડળે જૂન-૧૯૬૮માં ધો. ૮થી ૧૦ની ઉત્તર બુનિયાદી શાળાની શરૂઆત કરી હતી. મંડળના પ્રમુખ પ્રેમશંકરદાદાની દીર્ઘદૃષ્ટિ અને તત્કાલીન આચાર્યા ચંપાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી. આ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરી, ડોક્ટર, વકીલ, શિક્ષક તરીકેનાં પદો શોભાવ્યાં છે. હાલ આ સંસ્થામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધો. ૯થી ૧૨ના ૬ વર્ગમાં ૩૨૩ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. હાલ સુધાબેન દેસાઈના પ્રમુખપદ અને દત્તેશભાઇ ભટ્ટના મંત્રી પદ હેઠળ તેમજ આચાર્ય પ્રવીણસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ વટવૃક્ષ સમાન આ સંસ્થા ફૂલીફાલી રહી છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ઝળહળતી સિદ્ધિ: માંડવીના પાતલ ગામની ઉ.બુ.વિદ્યાલયનો SVS-13ના વિભાગ-4માં વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં આશ્રમ શાળાનું ગૌરવ વધાર્યું હતું
સને 2022 ડિસેમ્બર માસમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજિત માંડવી તાલુકાના SVS-13ના વિજ્ઞાન મેળાના વિભાગ-4માં પરિવહન અને નાવીન્ય (માધ્યમિક વિભાગ)માં ઉત્તર બુનિયાદી પાતલ શાળાનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં આશ્રમ શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ શાળાના વિજ્ઞાન શિક્ષક વિજયસિંહ પી.ખેર અને પૂજાબેન કે.પટેલની સખત મહેનત અને કુશળ આયોજન કરતાં શેરડીમાંથી ઈથેનોલનું ઉત્પાદન નામે વિદ્યાર્થીઓ પાસે વિસ્મયભર કૃતિ તૈયાર કરાવી હતી. અને શાળાના આચાર્ય પ્રવીણસિંહ અટોદરિયાએ સતત માર્ગદર્શન અને જરૂરી ભૌતિક સુવિધાઓ પૂરી પાડી હતી. આ શાળાની સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ સુધાબેન દેસાઈ તથા મંત્રી દત્તેશભાઈ ભટ્ટે અભિનંદન પાઠવ્યાં હતાં. જ્યારે શાળાના આચાર્ય અને શિક્ષકોએ સિદ્ધિને હર્ષભેર વધાવી હતી.