સુરત : ક્રિપ્ટો કરન્સીના એક કેસમાં સીલ કરેલી મિલકતનો કબજો અપાવવા માટે થયેલી ફરિયાદમાં ખુરશી ઉપર બેઠેલા પીઆઇનો સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે ઉધડો લીધો હતો. તૈયારી વગર જ આવેલા આ પીઆઇએ કહ્યું કે, મારે ફક્ત બે દિવસ જ થયા છે. આ સાંભળીને જ ડિસ્ટ્રિક્ટ જજે કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું કે, તમારુ વર્તન યોગ્ય નથી, કેસની તૈયારી કરીને આવવાની તમારી જવાબદારી છે. આ પીઆઇ સાહેબ મોટા અધિકારી હોય તે રીતે બેઠા હતાં, બે દિવસથી કેસની કોઇ તૈયારી નહીં કરતા સાહેબનો રોફ કોર્ટે ઉતારી નાંખ્યો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અગાઉ 2019માં સુરત સીઆઇડીએ વરાછામાં રહેતા કલ્પેશ લાખાણી તેમજ હાર્દિક ઝડફિયાની સામે ક્રિપ્કો કરન્સીનો ગુનો નોંધ્યો હતો. કલ્પેશ અને હાર્દિક ઝડફિયાની વરાછામાં દુકાનો આવેલી છે. એક સાથે પાંચ દુકાનમાં પ્રથમ દુકાન કલ્પેશની હતી, બીજી બે દુકાનો કલ્પેશના સસરા ઝવેરભાઇની હતી અને બીજી બે દુકાનો હાર્દિકની હતી. જમાઇ કલ્પેશની દુકાન પણ ઝવેરભાઇ લીધી હતી અને વચ્ચેથી પાર્ટિશન હટાવી લીધું હતું. હાર્દિક અને ઝવેરીભાઇની ત્રણ દુકાનો ઉપર ઝવેરભાઇએ લોન લીધી હતી. આ સાથે જ જમાઇ કલ્પેશની દુકાનનું ભાડુ પણ ઝવેરભાઇ જ ભરતા હતાં. આ દરમિયાન સીઆઇડીએ ફેબ્રુઆરીમાં ગુનો નોંધ્યા બાદ માર્ચમાં દુકાનને સીલ મારી દીધુ હતું.
કલ્પેશના સસરા ઝવેરભાઇએ આ મામલે કોર્ટમાં સીલ ખોલીને દુકાનનો કબજો આપવા માટે અરજી કરી હતી. 2019માં થયેલી આ ફરિયાદનો નિકાલ હજુ પણ આવ્યો નથી. આ કેસમાં બે પીઆઇની બદલી પણ થઇ ગઇ હતી. શરૂઆતમાં આ કેસની તપાસ પીઆઇ તરડે કરતા હતા, હાલમાં નવા પીઆઇ ગોહિલને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. દરમિયાન આજરોજ દુકાનના કબજા બાબતેની અરજીની સુનાવણી થઇ હતી. પીઆઇનો રાઇટર સરકારી વકીલ રિન્કુ પારેખને કેસ વિશે તેમજ ડોક્યુમેન્ટ વિશે સમજાવી રહ્યો હતો. ત્યારે ડિસ્ટ્રિક્ટ જજે તેને પુછ્યું કે તમે કોણ છો..? સરકારી વકીલે કહ્યું કે, તે પીઆઇ રાઇટર છે.
કોર્ટે પુછ્યું કે, પીઆઇ ક્યાં છે..? સરકારી વકીલે પીઆઇ પાછળ જ બેઠા છે તેમ જણાવતા જ ડિસ્ટ્રિક્ટ જજે કડક વલણ અપનાવ્યું હતું. પીઆઇ હાજર હોવા છતાં રાઇટર સરકારી વકીલ સાથે વાત કરે તેને લઇને કોર્ટે અભ્યાસ કરીને આવવા કહ્યું. આ બાબતે ડિસ્ટ્રિક્ટ જજ, સરકારી વકીલ, બચાવપક્ષના વકીલ અને પીઆઇની વચ્ચે 20 થી 25 મીનીટ સુધી માથાકૂટ થઇ હતી. પીઆઇએ કહ્યું કે, મને ટ્રાન્સફર થયાને બે દિવસ જ થયા છે અને મેં નવો ચાર્જ લીધો છે. બાદમાં પીઆઇએ કોર્ટની માફી માંગી હતી.
ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું, મેં ચાર્જ લીધા બાદ હું પણ કેસની તૈયારી કરીને આવું છું
કોર્ટમાં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે પીઆઇ અભ્યાસ કર્યા વગર આવ્યા હતા, અને રાઇટર તમામ વિગતો કહેતા હતા ત્યારે ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું કે, મારી પહેલા અહીં ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઇ હતા. ત્યારબાદ મારી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક થઇ. મેં ચાર્જ લીધા બાદ અત્યાર સુધી કોર્ટમાં આવું ત્યારે તમામ કેસની તૈયારી અને અભ્યાસ કરીને આવું છું. કોર્ટે આ સમગ્ર ઘટના રેકર્ડમાં લેવા પણ કહ્યું હતું પરંતુ પીઆઇને બીજીવાર ધ્યાન રાખવાનું કહીને આ કેસની વધુ સુનાવણી તા. 14મી સપ્ટેમ્બરના રોજ રાખી હતી