Charchapatra

પુરતી ઊંઘ લેવી જરૂરી છે

આજનો ઝડપી યુગ એટલો ઝડપી થઇ ગયો છે કે લોકોને શાંતિથી જમવાનો પણ સમય મળતો નથી. તો પછી ઉંઘવાનો તો સમય જ કયાંથી મળે? કારકિર્દીની દોડમાં ધંધા-રોજગારમાં અને વ્યવસાયિક જવાબદારીઓમાંથી માણસ વ્યસ્ત છે. ત્રસ્ત છે, જેની અસર તેના શરીર પર અને મન પર પડે છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના એક અંકમાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવે છે કે ઓછી ઊંઘથી હાર્ટ એટેકનું જોખમ 20 ટકા જેટલું વધી જાય છે. એજ પ્રમાણે વેસ્ટ વર્જિનિયા યુનિ’ટિના કમ્યુનિટી મેડિસિન વિભાગની ટીમના સંશોધન પ્રમાણે પાંચ કલાકથી ઓછી ઊંઘ લેનારાઓને છાતીમાં દુ:ખાવો અને હાર્ટ એટેકનું જોખમ લગભગ ડબલ થઇ જાય છે.

રોજ 6 થી 7 કલાકથી ઓછી ઊંઘ લેનારાઓને ટુંકા ગાળાની અને લાંબા ગાળાની એમ બંને પ્રકારના શારીરિક તેમજ માનસિક સમસ્યા ઉદ્‌ભવે છે. અપૂરતી ઊંઘને કારણે વિચારશકિત તેમજ યાદશકિત પર વિપરિત અસર થાય છે. એટલું જ નહિ પણ માણસની રોગ પ્રતિધારક શકિતમાં પણ ઘટાડો થાય છે. કામના ભારણને કારણે કે મોડી રાત સુધી ટીવી જોવાને કારણે ઊંઘમાં કાપ મુકાય છે જેનાથી વ્યકિતની કાર્યદક્ષતા ઘટે છે. ઓછી ઊંઘને કારણે ચિત્ત એકાગ્રતાથી કોઇ કાર્ય નહિ કરી શકે. તમારું મગજ ભારે ભારે દિવસભર લાગ્યા કરે.

આખો દિવસ સુસ્તી લાગ્યા કરશે. બગાસાં આવ્યા કરે. કોઇ કામમાં ચિત્ત નહિ ચોંટે અને કોઇ અગત્યના કામનો નિર્ણય લેવામાં ગફલત થઇ જાય. સ્વભાવમાં પણ ઉગ્રતા આવે. ચિડિયાપણુ આવી જશે. શરીર અને મનથી તૂટી જવાશે. સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઊંઘ લાગે કે ન લાગે પણ નિશ્ચિત સમયે સુઇ જવું. રાત્રે સુતી વખતે પ્રભુ સ્મરણ કરવું. સુતા પહેલા (એક કલાક પહેલા) ટી.વી. કે મોબાઇલ બંધ કરી દેવા. સવારે વહેલા ઉઠવું. નિયમિત કસરત કરવી અને મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા. સર્વે સુખીન: સન્તુ, સર્વે સન્તુ નિરામય:!
સુરત      – ડો. કિરીટ એન. ડુમસિયા         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top