Columns

દિલ્હીના વહીવટ પર કાબૂ અંગેની સ્પષ્ટતા થઇ જવી જરૂરી છે

દેશની રાજધાનીના શહેર અને તેના વિસ્તારને જ્યારથી એક વિશિષ્ટ પ્રકારના રાજ્યનો દરજજો મળ્યો છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેના દરજજા અંગે ગુંચવાડાઓ પ્રવર્તતા રહ્યા છે અને અનેક બાબતોમાં, ખાસ કરીને દિલ્હીની શહેરી રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે દિલ્હીના વહીવટ પર અધિકાર બાબતે સમયે સમયે વિવાદો સર્જાતા રહ્યા છે. જયારે કેન્દ્ર અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ રાજયમાં એક જ પક્ષની સરકાર હોય ત્યારે તો વાંધો આવ્યો નથી પરંતુ જયારથી દિલ્હીના રાજકારણમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળના આપ પક્ષનો પ્રવેશ થયો અને આ પક્ષે દિલ્હીમાં ઉપરાછાપણી ચૂંટણી વિજયો મેળવીને સત્તા પ્રાપ્ત કરી પછી સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે.

દિલ્હીની શહેરી રાજ્યની સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુકત લેફટેનન્ટ ગવર્નર વચ્ચે મોટે ભાગે સતત સંઘર્ષની સ્થિતિ રહી છે અને મામલો છેલ્લે તો અદાલત સુધી પણ ગયો છે. દિલ્હીમાં શાસન પર કોનો કેટલો કાબૂ તે અંગે દિલ્હીની આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો. ખાસ કરીને દિલ્હીના વરિષ્ઠ અધિકાીરઓની નિમણૂક અને તેમની બદલીઓ પર કોનો કાબૂ હોવો જોઇએ તે બાબતે મોટો વિવાદ હતો અને સુપ્રીમ કોર્ટ હાલ ૧૧મી મેના રોજ ચુકાદો દિલ્હીની આપ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે દિલ્હીમાં પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સિવાયની બાબતો પર દિલ્હીની રાજ્ય સરકારનો કાબૂ રહેશે અને અધિકારીઓની બદલીઓ અને નિમણૂકો પણ તે જ કરી શકે છે એમ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું. જો કે તેના થોડા દિવસ પછી શનિવારે ૨૦મી તારીખે કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઉલટાવી નાખ્યો છે.

કેન્દ્ર સરકારે ૨૦ તારીખે એક વટહુકમ બહાર પાડીને સુપ્રીમ કોર્ટના ૧૧મી મેના તે આદેશને રદબાતલ કર્યો છે જેમાં જણાવાયું હતું કે દિલ્હીમાં પોલીસ, જાહેર વ્યવસ્થા અને જમીન સિવાયની તમામ બાબતો પર દિલ્હી સરકારનો કાબૂ રહેશે અને અધિકારીઓની નિમણૂક અને બદલીઓ કરવાની સત્તા તેને રહેશે. કેન્દ્રનો આ વટહુકમ અધિકારીઓની બદલીઓ અને નિમણૂકમાં લેફટેનન્ટ ગવર્નરને જ આખરી સત્તા હોવાનું ફરી સ્થાપિત કરે છે.

શનિવારે બહાર પાડવામાં આવેલા આ વટહુકમ અનુસાર દિલ્હીમાં અધિકારીઓની બદલી અને નિમણૂકો કરવા માટે નેશનલ કેપિટલ સર્વિસ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની જોગવાઇ છે અને એ અધિકારીઓની બદલી અને નિમણૂકો ઉપરાંત તેમની સામેના શિસ્તભંગના પગલાઓ લેવાની પણ તેને સત્તા રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી આ સત્તામંડળના અધ્યક્ષ રહેશે અને મુખ્ય સચિવ અને પ્રિન્સીપાલ ગૃહ સચિવ તેના સભ્યો રહેશે. તમામ બાબતો તેના સભ્યોના બહુમતથી પસાર કરવાની રહેશે અને જો અભિપ્રાયોમાં મતભેદ સર્જાશે તો લેફટેનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ ગણાશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયે દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે નવેસરથી સઘન સંઘર્ષનો તખતો તૈયાર કરી નાખ્યો છે. આ વટહુકમના જણાવ્યાનુસાર મુખ્ય સચિવ અને લાગતા વળગતા વિભાગના સચિવ આ કાયદાની જોગવાઇઓ અનુસાર કામ થાય તે માટે જવાબદાર રહેશે. વટહુકમ કહે છે કે લેફટેનન્ટ ગવર્નર એટલે વહીવટદાર, જેની નિમણૂક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ માટે બંધારણની કલમ ૨૩૯ હેઠળ કરવામાં આવી છે અને જેને લેફટેનન્ટ ગવર્નર તરીકે રાષ્ટ્રપતિએ નીમ્યા છે. કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બંધારણીય રીતે આ વટહુકમ ખોટો છે અને અદાલતમાં પાંચ મીનીટ પણ ટકી શકે તેમ નથી અને તેથી જ આ વટહુકમ બહાર પાડવા માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન શરૂ થાય તેની રાહ જોઇ છે પણ કોર્ટ ખુલ્યા બાદ અમે આ વટહુકમને પડકારીશું.

દિલ્હીના એક મંત્રી આતિશીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે આ વટહુકમ બહાર પાડવા માટે જાણી જોઇને અદાલત બંધ હોય તેવો સમય પસંદ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, દિલ્હી ભાજપના પ્રમુખ વિરેન્દ્ર સચદેવે આ વટહુકમને આવકારતા કહ્યું હતું કે દિલ્હીની ગરિમા જાળવી રાખવા અને દિલ્હીના લોકોના હિતોના રક્ષણ માટે આ વટહુકમ જરૂરી હતો. દિલ્હીના શાસક પક્ષ આપ અને કેન્દ્રના શાસક પક્ષ ભાજપના સામસામા હોકારા પડકારા જોતા આ સંઘર્ષ લાંબો ચાલશે એમ જણાય છે.

એક બાજુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ સામે સમીક્ષા અરજી પણ કરી છે તો બીજી બાજુ તેણે વટહુકમ બહાર પાડ્યો છે અને દેખીતી રીતે આ વટહુકમને છ મહીનાની અંદર સંસદમાં મંજૂર કરાવીને તેને કાયદાનું સ્વરૂપ અપાવવું પડશે. જો કે કેન્દ્રમાં ભાજપની બહુમતિ હોવાથી આ બાબતમાં તો તને વાંધો આવે તેમ નથી, પરંતુ આ વટહુકમને કેજરીવાલે અદાલતમાં પડકારવાનું કહયંુ છે અને તેઓ એવો પણ દાવો કરે છે કે અદાલતમાં આ વટહુકમ થોડી મીનીટો પણ ટકી શકે તેમ નથી. હવે જોઇએ કે અદાલત શું કહે છે. સાચી વાત તો એ છે કે દિલ્હીમાં સત્તાની વહેંચણી અંગેના તમામ ગુંચવાડાઓ દૂર થાય તે રીતે સ્પષ્ટતાઓ થઇ જવી જરૂરી છે.

Most Popular

To Top