આપણા દેશમાં છાશવારે ચૂંટણી આવ્યા કરે છે. તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. સાથે નાણાં, સમય અને શક્તિની બરબાદી થાય છે. ચૂંટણી પ્રચારમાં અને શક્તિ પ્રદર્શન, રેલી, રેલો યાત્રા વગેરે નીકળતાં પેટ્રોલ ડીઝલનો વપરાશ વધુ થતાં પૈસાનો ધુમાડો થાય છે. પક્ષપલટો થતાં સરકાર તૂટી જાય તો ફરી પાછી ચૂંટણી, કોઈ વિધાન સભ્ય કે સંસદ સભ્યનું અવસાન થાય તો ચૂંટણી. કારણ તો કોઈને કોઈ મળી જ રહે છે, ચૂંટણી આવે ત્યારે બે પાર્ટી વચ્ચે દ્વન્દ્ર યુદ્ધ પણ થાય. માથા ફૂટે કેટલાકના અવસાન પણ થાય. રાજ્યની ચૂંટણી પ્રચારમાં કેન્દ્રના મંત્રીઓ તથા વડાપ્રધાન સહિત સૌ કોઈ આવે છે. આથી પ્રજાનાં કાર્યો કરવામાં વિલંબ થાય છે.
વિકાસ ઝડપથી ગતિ પકડતો નથી. તેવું જ રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે બને છે. ક્લેક્ટર, મામલતદાર ચૂંટણી આવે ત્યારે ચૂંટણીના કામકાજમાં રોકાય છે. આથી પ્રજાનાં કામો વિલંબમાં પડે છે. ચૂંટણી એટલે રાષ્ટ્રીય કામ ગણાય મહત્ત્વનું. પ્રજા ધક્કે ચડવા માંડે. સરકારી કચેરીઓમાં જવાબ મળે, સાહેબ ચૂંટણીના કામે ગયા છે. પ્રજા વિલા મોઢે ઘરે જાય. આથી એક દેશ એક ચૂંટણી નડે વિચાર સારો છે. અમલમાં મૂકવા જેવો કેન્દ્ર અને રાજ્યોની ચૂંટણી એક સાથે જ યોજવી જોઈએ. એકવાર ચૂંટણી થયા પછી પાંચ વર્ષ સુધી પ્રજાને નિરાંત. ચૂંટણીઓ ઓછી થતાં દેશનાં કરોડો રૂપિયા બચી જશે. પ્રજાનાં કામોમાં વધુ ધ્યાન અપાશે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.