Comments

બાળવિકાસનો હેતુ સાધ્ય કરવો અનિવાર્ય છે

અંગ્રેજી હકૂમત સમયે મૅડમ મૉન્ટેસોરી નામે એક વિદેશી મહિલા ભારતમાં આવ્યાં અને તેમણે બાળઉછેરની પદ્ધતિ સંબંધે નવો અભિગમ આપ્યો. સોટી વાગે ચમ… ચમ… ને વિદ્યા આવે રમ… ઝમ… તેવા બાળકના રેઢા ઉછેરની આપણી જાડી સમજણના સ્થાને મૅડમ મૉન્ટેસોરીએ બાળકના વર્તન ઉપર અસર કરતા મનોવલણની વાત કરી. એટલું જ નહીં, પણ બાળકના વર્તનમાંથી દેશનો ભવિષ્યકાળ સર્જાય છે તેવો દિશાનિર્દેશ આપી ભારતીય સમાજરચનામાં બાળકના મહત્ત્વને પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યા. મૅડમ મૉન્ટેસોરીના બાળઉછેર અંગેના વિચારોને દેશમાં કોઈ સમજી સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ બુનિયાદી શિક્ષણના વિચારે રંગાયેલા દક્ષિણામૂર્તિ બાળમંદિરના કાર્યકર ગિજુભાઈ બધેકાએ “નૂતન બાળશિક્ષણ” તરીકે આ વાતને પકડી.

વૈશ્વિક પરિવર્તન વચ્ચે પણ બાળક અપરિવર્તનશીલ હોય છે તેવી સૂત્રાત્મક વાત ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કહી છે. આમ છતાં આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગિજુભાઈએ નૂતન બાળશિક્ષણનો ધ્વજ લહેરાવ્યો. ‘મુંછાળી મા’ના હુલામણા નામથી ખ્યાત ગિજુભાઈને મતે શિક્ષકો અને વાલીઓના મૂલ્ય આધારિત વર્તનથી જ નવા બાળકના નિર્માણની આશા ઉજાગર રહેલી. ગિજુભાઈએ દક્ષિણામૂર્તિ બાળમંદિરને એક પ્રયોગશાળા તરીકે સ્થાપી બાળકના વર્તનને વૈજ્ઞાનિકતાથી તપાસતાં રહી બાળશિક્ષણ સંબંધે ૨૯ પુસ્તકોમાં માતબર ચિંતન રેડયું છે, જે આજે પણ સાંપ્રત બની રહે છે.

મનુષ્યના પરસ્પરના વર્તનવ્યવહારથી બાળકના મનમાં ઉતારવામાં આવેલ સારા-નરસાના ભેદ આધારે બાળક પોતે પોતાના વર્તનને ગુણાત્મક રીતે નક્કી કરતું થાય છે. એટલું જ નહીં, પણ સમયાંતરે બાળક પોતાના વર્તનમાં દ્રઢ થતાં તે વર્તન સાથે વ્યક્તિગત ગમાઅણગમાને જોડી પરિવર્તનની ભૂમિકામાં પ્રવેશે છે. આ અવસ્થાઓ દરમ્યાન બાળક શારીરિક વિકાસ સાધે છે. તેની લાગણી સાથે વર્તન પ્રત્યેનાં રસરુચિ વધુ સ્પષ્ટ થતાં જાય છે.

આ બાબત ગિજુભાઈએ તેમની બાળ પ્રયોગશાળામાં જોઈ અને નૂતન બાળકના ઘડતર માટે શિક્ષક, વાલી અને સમાજનું કેવું વર્તન હોવું જોઈએ તે સંબંધે ઍકશન-રીઍકશન પ્રકારે સંબંધો પણ તારવવાનો પ્રયત્ન કર્યો. આ વિચારો બાળશિક્ષણની ઇમારતોના આધાર ગણાયા. માણસના વર્તનને ગમાઅણગમાથી સમજવા અથવા તો સામાજિક મૂલ્ય આધારે તુલના કરી વર્તન- પરિવર્તનની વિગતો તૈયાર કરવામાં આવી છે. વર્તનને તપાસવાની આ પદ્ધતિ પશુ-પક્ષીઓની વૃત્તિઓને તપાસવામાં પણ કારગર નીવડી છે. પરિણામે સૃષ્ટિ ઉપર વસતા જીવો પ્રત્યે આપણી સમજમાં વધારો થાય છે.

પરંતુ કમ્પ્યૂટરના આવિષ્કારે માણસના મસ્તિષ્ક અને યાદદાસ્તની રૂએ વર્તનની છાપ જ્યાં સંગ્રહાય છે, તે મગજને એક વિષય તરીકે સમજવામાં મદદ કરી છે. મસ્તિષ્કમાં જે રીતે માહિતીનું ન્યુરોન્સરૂપે સંકલન થાય છે, તે અભ્યાસ રસપ્રદ બન્યો છે. ૨૧મી સદીનું મસ્તિષ્ક વિજ્ઞાને મનુષ્યના વર્તનની પાછળ રહેલ મનોભાવને સ્થૂળ માને છે ન્યુરોસાયન્સના મતે મસ્તિષ્કની જૈવિક સંરચનામાં ચિલત રહેતી સંવેદનાઓની ગતિ અને તેની તીવ્રતા મનોવલણ ઘડે છે.

આ સિદ્ધાંતના આધારે જિનેટિકસ વિજ્ઞાન નેનો ટેકનોલૉજીની મદદથી ફેરફારો યોજી કૅન્સર જેવા મેન્ટલ ડિસઑર્ડર રિપેર કરવા પડકાર ઝીલવા તત્પર બન્યું છે. નૂતન બાળકની કલ્પનાનો આધાર ભવિષ્યના સ્વસ્થ સમાજના વિકાસનો વિચાર છે. પરંતુ વર્તનઘડતર પાછળ માત્ર મૂલ્યો કે અનુકૂલનની અસર પૂરતી નથી તેમ આપણી જાણમાં આવતું જાય છે ત્યારે હવે નૂતન બાલશિક્ષણના સ્થાને નૂતન બાળવિકાસનો હેતુ સાધ્ય કરવો અનિવાર્ય બને છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં શહેરીકરણ ઉપદ્રવ રૂપે નહોતું. ગુજરાતના કવિ અને સુધારક નર્મદ સમયનું સુરત અને આજના સુરત વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. આજકાલ શહેરોમાં બાળક સવારે ૬-૦૦ કલાકે ઊઠે છે. સવા છએ તેની બસ લેવા આવે છે અને બપોરે ૩ વાગતાં બાળક ઘરે પાછું આવે છે. ૨૧મી સદીના ઉંબરે આજે સામાજિક તનાવ, આર્થિક ભીંસ, વ્યવસાયની અનિશ્ચિતતા, અસલામતીની ભયાવહ સ્થિતિમાં જીવતાં કુટુંબો સમૂળગાં પરિવર્તન

પામ્યાં છે. એટલું જ નહીં, પણ ઘરમાં બેસીને જોવાતાં ટી.વી.ના પરદે અનેક મૂલ્યહીન સામાજિક સંબંધોનો મૂંગો સ્વીકાર થઈ રહ્યો છે ત્યારે આજનું બાળક કયા વર્તનને યોગ્ય-અયોગ્ય જાણશે? કયાં સામાજિક મૂલ્યોને સ્થાયી જાણશે ? નૂતન બાળશિક્ષણની વિભાવના મૂલ્ય આધારિત હતી. પણ હવે આધાર સ્વયં પોતાના સ્થાનેથી ખસી ગયા છે તે જોઈ શકાય છે ત્યારે નૂતન બાળકના ઘડતરનો વિચાર પુનઃવિચારણા માગે છે.

માતાના ઉદરમાં નવ માસ વિતાવ્યા પછી બહારના વિશ્વ સાથે સંપર્કમાં આવતાં બાળકનું ચેતાતંત્ર બહારના અવાજો, ઉષ્ણતામાનના તફાવતો, વિવિધ પ્રકારની ગંધ તેમજ વીજચુંબકીય પ્રવાહોના આઘાત સહેતાં ટેવાય તે દરમ્યાન અસલામતી અનુભવે છે. પોતાના શરીરના પોષણ માટે તેણે હવે સ્વતંત્ર રીતે પ્રયાસ કરવાનો છે. બાળકના પ્રથમ પાંચ વર્ષનો વિકાસ આ આઘાતમાંથી બહાર આવવા આસપાસ જ કેન્દ્રિત રહે છે, જે બાબતનો મનોવિજ્ઞાને સ્વીકાર કર્યો છે. વિકસતા શરીરવિજ્ઞાન અંગેની માહિતીના આધારે હવે સમજાય છે કે કિશોર અવસ્થા વટાવતા યુવકમાં પાંગરતી પ્રેમની પ્રક્રિયા વિશેષત: રાસાયણિક પ્રક્રિયા જ છે. તેમ ૧થી ૧૪ વર્ષના બાળવિકાસનો મૂળ આધાર જૈવિક રાસાયણિક બને છે.

મૅડમ મૉન્ટેસોરી દ્વારા મુકાયેલ બાળઉછેરનો વિચાર જ્ઞાનની આપલે આસપાસ ઘૂંટાય છે. પરંતુ જીવવિજ્ઞાનના વિકાસ દ્વારા જાણી શકાય છે કે બાળવિકાસ જેટલો વર્તનીક છે તેથી અનેકગણો વધારે શારીરિક છે, રાસાયણિક છે અને આથી જ એકવીસમી સદીના બાળકના ઉછેર અથવા તો આવતી કાલ માટેના સ્વસ્થ સમાજ માટે આજના બાળકના ઘડતરનો પાયો આરોગ્યની વાતથી જ શરૂ કરવો પડશે. નૂતન બાળશિક્ષણ વિચારનો આધાર વર્તન વિજ્ઞાન હતું પણ માણસના શરીર અંગે જેમ જેમ સમજણ વિકસતી જાય છે તેમ તેમ ખ્યાલ આવે છે કે માણસનું વર્તન સ્વયં એક ભૌતિક બાબત છે. ખરો ખેલ તો વર્તન પાછળ રહેલ મનોવલણને ઘડનાર તત્ત્વો અને રસાયણો ભજવે છે.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top