Comments

પ્રોફેસર થતાં પહેલાં ડોકટર થવું ફરજીયાત

યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી પેઢીના ઘડતરમાં ફાળો આપે છે. વળી આપણી સરકારી રોજગાર નીતિમાં ‘યુ ટર્ન’ નથી. મતલબ કે એક વાર જે વ્યકિત શિક્ષક કે અધ્યાપક થઇ જાય તે પછી ઉંમરનાં 60 વર્ષ સુધી શિક્ષક કે અધ્યાપક જ રહે છે. ભરતી પ્રક્રિયા વખતે ગુણવત્તા ચકાસણી બાદ સમગ્ર નોકરી દરમ્યાન કોઇ યોગ્યતા ચકાસણી થતી નથી. આપણે માની જ લઇએ છીએ કે એક વાર જે યોગ્યતાવાળા માણસની ભરતી થાય છે પછી તે સમગ્ર નોકરી દરમ્યાન પોતાની યોગ્યતા જાળવે જ છે!

એટલે એવું બની શકે કે સરકારી ધારાધોરણોમાં ‘ફીટ’ બેસનાર વ્યકિત શિક્ષક કે અધ્યાપક થયા પછી થોડા જ સમયમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યયન અધ્યાપનમાં તદ્દન નિષ્ફળ જાય! અને આમ તો સરકારી તમામ નોકરીમાં  આવું જ હોય છે પણ શિક્ષક – અધ્યાપક દર વર્ષે સો છોકરા ભણાવે છે અને વીસ કે પચ્ચીસ વર્ષ નોકરીએ લાગેલ વ્યકિત અઠયાવન કે બાસઠ વર્ષે રીટાયર્ડ થાય છે. એટલે વીસ પચ્ચીસ વર્ષ એ ખોટું કે નબળું ભણાવ્યા કરે તો એક આખી પેઢીને સહન કરવું પડે! માટે જ સરકારે શિક્ષક અધ્યાપકોની પસંદગીની પ્રક્રિયા ખૂબ ચકાસણી બાદ કરવી જોઇએ. લાયકાતના માપદંડો વિચારપૂર્વક નકકી કરવા જોઇએ અને ખાસ તો આ કામ શિક્ષણ અને તેને સંબંધિત તજજ્ઞોની સલાહ મુજબ લેવા જોઇએ!

ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ સંબંધિત તમામ નિર્ણયો કરવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન જેને ટૂંકમાં યુ.જી.સી.ના નામે ઓળખવામાં આવે છે. આમ તો આ સંસ્થા ઉચ્ચ શિક્ષણની સરકારી કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ગ્રાન્ટસ એટલે કે નાણાં સાધનો પૂરાં પાડે છે. સાથે સાથે તે શિક્ષણ અને શિક્ષકની ગુણવત્તા જાળવવા સૂચનો કરે છે. નિયમો બનાવે છે. આયોજન પંચનું નીતિ આયોગ થયું, માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું શિક્ષણ મંત્રાલય થયું તેમ હવે યુ.જી.સી.નું સ્થાન પણ નવી સંસ્થા લેવાની છે. હાલ આ બદલાવની પ્રક્રિયા ક્રમશ: ચાલુ જ છે. આ દરમ્યાન 2018 માં અધ્યાપકોની ભરતી માટેના જે નિયમો યુ.જી.સી.એ જાહેર કર્યા હતા એ હવે 2021 થી તમામ ભરતી પ્રક્રિયામાં લાગુ પાડવાની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે.

અધ્યાપકોની પસંદગી પ્રક્રિયામાં લઘુતમ લાયકાતનાં ધોરણો સમયાંતરે બદલાતાં રહ્યાં છે. આ વખતે પણ બદલાયાં છે. પણ તેમાં લઘુતમ લાયકાતના ધોરણમાં દાખલ કરવામાં આવેલ એક મુદ્દો કે શરત વિચાર માંગી લે તેવો છે. ખાસ તો દેશભરના શિક્ષણવિદો, યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ અને શિક્ષણ સાથે નિસ્બત ધરાવતાં લોકોએ આ મુદ્દાને ચર્ચવો જોઇએ અને યુ.જી.સી.ને કે નવા શિક્ષણ મંત્રાલયને આ મુદ્દાના પુનર્વિચાર માટે કહેવું જોઇએ. એ બાબત તો સ્પષ્ટ જ છે કે આ નિયમ નવી ભરતી પ્રક્રિયામાં લાગુ પડવાનો છે. માટે જૂના અધ્યાપકોને આ મુદ્દો લાગુ પડવાનો નથી. કદાચ માટે જ અધ્યાપક મંડળો આ બાબતે કશું ન પણ બોલે! પણ આ મુદ્દે અધ્યાપક થવા માંગતા નવા યુવાન ઉમેદવારો માટે વધારે ચિંતા ઉપજાવનારો છે અને આ મુદ્દો એ છે કે હવે યુ.જી.સી.એ અધ્યાપક બનવા માટેની લાયકાતમાં પી.એચ.ડી. અને નેટ અથવા સ્લેટ પરીક્ષા પાસ હોવું ફરજીયાત કરી દીધું છે!

સૌ પ્રથમ તો આપણે એ સમજવાની જરૂર છે કે પી.એચ.ડી. મતલબ કે ‘ડોકટરેટ’ની પદવી એ શૈક્ષણિક યોગ્યતા નથી. વિશેષ યોગ્યતા છે. તે એક ચોકકસ કાર્યકારણના સંબંધને તપાસવાની સંશોધન પ્રક્રિયાનું નિદર્શન છે. સંશોધન મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક, મૂળભૂત સંશોધન જેમાં આપણે કોઇ નવો નિયમ, સિધ્ધાંત, ફોર્મ્યુલા શોધીએ છીએ. અને બે જેમાં આપણે અગાઉ રજૂ થયેલા, શોધાયેલા સિધ્ધાંત નિયમ, ફોર્મ્યુલાને નવા સંદર્ભમાં તપાસીએ છીએ. અને બન્નેના મૂળમાં તો આપણી પોતાની એક ‘પરિકલ્પના’ હોય છે. (હાયપોથિસિસ)હવે આ સંશોધન સૌનો વિષય નથી! સૌએ કરવાનું પણ ન હોય! વળી સંશોધન બાદ મળેલી પી.એચ.ડી. ની ડિગ્રી શિક્ષણ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન હોવા છતાં તે શૈક્ષણિક લાયકાત નથી કારણ એ ચોકકસ પાઠયક્રમની ચોકકસ તાલીમ અને ચોકકસ પરીક્ષા દ્વારા મળેલી ડિગ્રી નથી.

કોઇ એક વિષયના કોઇ એક મુદ્દાને તપાસવાની તે વ્યકિત જે તે વિષયનો સંપૂર્ણ તજજ્ઞ થતો નથી. એના માટે તો માસ્ટર્સની ડિગ્રી જ છે. જેના બે વર્ષ અને આઠ પેપરના અભ્યાસ-તાલીમ દ્વારા વ્યકિત સમગ્ર વિષયનો તલસ્પર્શી અભ્યાસ કરે છે. અત્યાર સુધી અધ્યાપક થવા માટેની લાયકાત માસ્ટર ડિગ્રીમાં 55.5% હતી. પછી તેમાં રાજકીય કક્ષાએ લેવાતી અધ્યાપક યોગ્યતા કસોટી ઉમેરાઇ. ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે અધ્યાપક યોગ્યતા કસોટીની સાથે પી.એચ.ડી. પણ ફરજીયાત કર્યું છે એ પુન: વિચારવા જેવી બાબત છે કારણ કે આની સૌથી પ્રથમ અસર એ પડશે કે તદ્દન નવા, તાજા માસ્ટર્સની ડિગ્રી મેળવેલ યુવાનો હવે અધ્યાપક બની શકશે નહિં! તેણે નેટ-સ્લેટ કલીયર કરી હશે તો પણ!હવે અધ્યાપક બનવા માટે પહેલાં તેણે ડોકટર બનવું પડશે! મતલબ કે ત્રણથી ચાર વર્ષ બીજાં જશે પછી તે અધ્યાપક થશે!

આપણે ત્યાં પાંચ વર્ષ પછી શાળામાં દાખલ બાળક કોલેજ પૂરી કરે ત્યારે વીસ વર્ષનો થાય છે. પછી બે વર્ષ માસ્ટર કરવામાં જાય એટલે બાવીસ થાય. એકાદ વર્ષ નોકરી શોધવામાં અને નેટ-સ્લેટ પાસ કરવામાં થાય એટલે આમ પણ તે તેવીસ વર્ષ પહેલાં અધ્યાપક બનતો નથી. હવે જો એને પી.એચ.ડી. ફરજીયાત કરવાનું થાય તો અઠયાવીસ કે ત્રીસ વરસ વગર નોકરી મળે નહીં! ટૂંકમાં દેશને યુવાનો અધ્યાપક તરીકે કદી મળશે નહિં!

શિક્ષણમાં જેઓ જાણકાર છે તે સૌ જાણે છે કે હાલ તો એટલે કે આ બે વર્ષમાં તો હવે જૂના પી.એચ.ડી. અને નેટ-સ્લેટ પાસ હશે તે જ નોકરી મેળવશે, બાકી બધા જુદી જુદી યુનિવર્સિટીમાં પી.એચ.ડી.નું એડમિશન લેશે! સંશોધનમાં રસ હોવાના નાતે નહીં, પણ અધ્યાપક થવા માટે પી.એચ.ડી. ના એડમિશનમાં પડાપડી થશે! ખાનગી યુનિવર્સિટીને પી.એચ.ડી.નું નવું બજાર મળશે.પી.એચ.ડી.ને લઘુતમ યોગ્યતામાં ગણવાનો મુદ્દો પુનર્વિચાર એટલા માટે પણ માંગે છે કે એક જ વિષયમાં બે પી.એચ.ડી.ની ગુણવત્તા જુદી હોય છે. સંશોધનનો આધાર જુદો હોય છે.

દા.ત. બાયોલોજીમાં મૂળભૂત રિસર્ચ કરનાર અને ગાજર પર રિસર્ચ કરનાર બન્ને સરખા થઇ જશે! ફિઝીકસમાં મૂળભૂત થિયરી તપાસનાર અને લોખંડને લગતા કાટ પર રીસર્ચ કરનાર સરખા ગણાશે. અર્થશાસ્ત્રમાં માંગના નિયમમાં ગ્રાહકની વર્તણૂકની તપાસ કરનાર અને સ્થાનિક તાલુકા કક્ષાની સહકારી મંડળીનો અભ્યાસ કરનાર સરખા ગણાશે! એટલે જ આપણે કહીએ છીએ કે પી.એચ.ડી. ફરજીયાત કરવાના નિર્ણયનો પુનર્વિચાર કરવો જોઇએ અને છેલ્લે આ આખી ભરતી પ્રક્રિયાના નિયમોમાં ઉમેદવાર કેવું ભણાવે છે? (એબીલીટી ટુ ટીચીંગ)નો કોઇ માપદંડ જ નથી!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top