આપણા હિન્દુ સમાજમાં જાતજાતના અને ભાતભાતના તહેવારો ઉજવવામાં આવે છે તેમાં હોળી મુખ્ય તહેવાર છે. આમ તો હોળી એ રાજસ્થાની તથા આદિવાસી પ્રજાનો બહુ મોટો અને પ્રિય તહેવાર ગણાય છે. છતાં આજે ગુજરાતમાં નાનાં ગામડાંઓથી લઈને મોટાં મહાનગરોમાં પણ સમગ્ર જ્ઞાતિનાં પ્રજાજનો હોળીનો તહેવાર ખૂબ આનંદ પ્રમોદથી અને મોજથી ઉજવે છે. વાસ્તવમાં તો હોળી એ વસંત ઋતુને વધામણી આપવા એના માનાર્થે રંગેચંગે ઉજવવામાં આવે છે. હોળીનું પર્વ આમ તો રંગપંચમી સુધી ચાલે છે, પરંતુ શરૂઆતના બે દિવસો બહુ અગત્યના ગણાય છે. હોળીના દિવસે લાકડાં તથા છાણાં ગોઠવીને હોળી તૈયાર કરવામાં આવે છે અને સાંજે વિધિવત્ હોળીનું પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો હોળી ફરતે પ્રદક્ષિણા કરતાં જાય છે અને હોળીમાં ધાણી, ચણા, કાચી કેરી, શ્રીફળ વિગેરેનો હોમ કરી હોળી માતાનાં દર્શન કરી આશીર્વાદ મેળવે છે. હોળીના દિવસે લોકોમાં ધાણી, ચણા અને ખજૂર ખાવાનો મહિમા છે.
હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો વૈમનસ્ય ભૂલી એકબીજા ઉપર અબીલ, ગુલાલ, કેસૂડો જેવા રંગો છાંટીને મોજમજા અને ધૂમધામ કરે છે. અગાઉના જમાનામાં માત્ર કેસૂડો અને અબીલ ગુલાલથી જ હોળી રમવામાં આવતી હતી, જ્યારે આજે ધૂળેટીનું સ્થાન સિન્થેટિક તેમજ ઓઈલ પેઈન્ટ કલરે લઈ લીધું છે. આના લીધે ન કેવળ દિવસો સુધી કલર જતો નથી પરંતુ તેની આડઅસર પણ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આવા કલર કોઈની આંખમાં કે કાનમાં જાય તો આંખ ગુમાવવાનો કે શ્રવણશક્તિ હણાઈ જવાનો ભય રહે છે. ઘણાં વ્યક્તિઓને ગડગૂમડ કે ખસ ખુજલી તથા ખંજવાળ જેવા રોગો પણ દિવસો સુધી સતાવ્યા કરે છે.
માટે દરેક ખેલૈયાઓએ આવા કલરથી દૂર રહેવું જરૂરી છે. ધૂળેટી રમવાના બહાને આજકાલ મહિલાઓ સાથે અણછાજતી છૂટછાટ, અશ્લીલ મજાક કે છેડતીના બનાવો પણ વધવા લાગ્યા છે, માટે મહિલાઓએ ધૂળેટી રમવાથી અલિપ્ત રહેવું હિતાવહ છે. ધુળેટીના દિવસે ઘણાં લોકો ભાંગ, ગાંજો કે મદિરાપાન કરીને છાકટા બને છે અને ઉધમાત મચાવે છે. આમ જે પર્વ સાત્ત્વિકતાથી ઉજવવું જોઈએ એની જગ્યાએ બિભત્સતા ધારણ કરી લે છે. આમ સામાજિક તહેવાર એક પ્રકારનું સામાજિક દૂષણ બની જાય છે. સિક્કાની બે બાજુ હોય છે એ ન્યાયે તમારે તહેવાર કઈ રીતે મનાવવો એ તમારા ઉપર આધાર રાખે છે.
હાલોલ- યોગેશભાઈ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.