Columns

પંજાબમાં અલગ ખાલિસ્તાનનું ભૂત કેમ ફરીથી ધૂણવા માંડ્યું છે?

પંજાબમાં જ્યારે જ્યારે રાજ્ય સરકાર નબળી પડે છે ત્યારે અલગતાવાદ માથું ઊંચકે છે. પંજાબમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જેમાં અનેક લોકો ખાલિસ્તાનીઓ માટે કૂણી લાગણી ધરાવે છે. પંજાબમાં નવો ભિંદરાનવાલા પેદા થયો છે, જેનું નામ અમૃતપાલસિંહ છે. અમૃતપાલસિંહ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાનો વડો છે. તાજેતરમાં તેના સમર્થકો બળપ્રયોગ કરીને પોતાના સાથીદારને પોલિસ સ્ટેશનમાંથી છોડાવી લાવ્યા હતા. અમૃતપાલસિંહ ખાલિસ્તાનનો સમર્થક છે અને તે આ અંગે વારંવાર નિવેદનો આપે છે. તેણે તો ગૃહમંત્રી અમિત શાહને પણ સીધી ધમકી આપતાં કહ્યું હતું કે ‘‘અમિત શાહે કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન આંદોલનને આગળ વધવા દેશે નહીં. મેં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કર્યું હતું. જો તમે પણ એવું જ કરશો તો તમારે તેનો ભોગ બનવું પડશે. ખાલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ઈન્દિરા ગાંધીએ ચૂકવી હતી.’’

આ ખાલિસ્તાન શું છે? આ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. તેની કથા ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ થી શરૂ થાય છે. એ વખતે લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન ચાલતું હતું, જેમાં મોતીલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી હતી. કોંગ્રેસની માંગનો ત્રણ જૂથોએ વિરોધ કર્યો હતો. પ્રથમ- મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ. બીજું- ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં દલિત જૂથ. અને ત્રીજું – માસ્ટર તારાસિંહનું શિરોમણી અકાલી દળ. તારાસિંહે પહેલી વાર શીખો માટે અલગ રાજ્યની માંગ કરી હતી. આઝાદી પછી ભારતનું વિભાજન થયું તેમાં પંજાબનું પણ વિભાજન થયું. એક ભાગ પાકિસ્તાનમાં ગયો અને બીજો ભારતમાં રહ્યો. આ પછી અકાલી દળે શીખો માટે અલગ રાજ્યની માંગણી તેજ કરી. આ માંગ સાથે ૧૯૪૭ માં પંજાબી સુબા ચળવળ શરૂ થઈ. આખરે ૧૯૬૬ માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ આ માંગણી સ્વીકારી પંજાબને ત્રણ ભાગમાં વહેંચ્યું. શીખો માટે પંજાબ, હિન્દીભાષીઓ માટે હરિયાણા અને ત્રીજો ભાગ ચંદીગઢ.

એવું માનવામાં આવે છે કે માર્ચ ૧૯૪૦ માં ડૉ. વીરસિંહ ભટ્ટીએ પહેલી વાર ખાલિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે તે સમયે કેટલાક પેમ્ફલેટો છાપ્યા હતા, જેમાં શીખો માટે ખાલિસ્તાન નામના અલગ દેશની માંગણી કરવામાં આવી હતી. તેમણે મુસ્લિમ લીગના લાહોર ઘોષણાપત્રના જવાબમાં આ પેમ્ફલેટો છાપ્યા હતા. ૧૯૫૬ માં જ્યારે ભાષાના આધારે રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે પંજાબની માંગણીની અવગણના કરવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૬ માં શીખો માટે અલગ રાજ્ય બનાવ્યું હતું, જેના કારણે થોડો સમય શાંતિ રહી હતી પરંતુ અંદરથી વિરોધના અવાજો પણ ઊઠી રહ્યા હતા.

અલગ રાજ્યની રચના બાદ ૧૯૬૯ માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર જગજીતસિંહ ચૌહાણ પણ ટાંડા વિધાનસભા બેઠક પરથી આ ચૂંટણીમાં ઊભા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. ચૂંટણી હાર્યાના બે વર્ષ બાદ જગજીતસિંહ ચૌહાણ બ્રિટન ગયા અને ત્યાં ખાલિસ્તાન ચળવળ શરૂ કરી. ૧૯૭૧ માં ચૌહાણે ન્યૂયોર્ક ટાઈમ્સમાં ખાલિસ્તાન ચળવળ માટે ભંડોળ મેળવવાની જાહેરાત પણ મૂકી હતી. ચૌહાણ ૧૯૭૭ માં ભારત પરત ફર્યા અને ૧૯૭૯ માં પાછા બ્રિટન ગયા. ત્યાં જઈને તેમણે ખાલિસ્તાન નેશનલ કાઉન્સિલની સ્થાપના કરી. આ પછી ચૌહાણે કેબિનેટની રચના કરી અને પોતાને રિપબ્લિક ઓફ ખાલિસ્તાનના પ્રમુખ જાહેર કર્યા. તેમણે ખાલિસ્તાની પાસપોર્ટ, સ્ટેમ્પ અને ખાલિસ્તાની ડોલર પણ જારી કર્યા હતા. એટલું જ નહીં બ્રિટન અને યુરોપિયન દેશોમાં ખાલિસ્તાની એમ્બેસી પણ ખોલવામાં આવી હતી.

૧૯૭૮માં અકાલી દળે આનંદપુર સાહિબ ઠરાવ પસાર કર્યો હતો, જેમાં પંજાબને વધુ અધિકાર આપવા માટે કેટલીક માગણીઓ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર પાસે માત્ર સંરક્ષણ, વિદેશ નીતિ, સંદેશવ્યવહાર અને ચલણ પર સત્તા હોવી જોઈએ અને રાજ્ય સરકારને અન્ય તમામ બાબતોમાં સ્વાયત્તતા હોવી જોઈએ. આ પ્રસ્તાવમાં પંજાબને વધુ અધિકારો એટલે કે સ્વાયત્તતા આપવાની વાત કહેવામાં આવી હતી. દરમિયાન અમેરિકામાં બેઠેલા ખાલિસ્તાની વિચારક ગંગાસિંહ ધિલ્લોને પણ અલગ ખાલિસ્તાનની માંગ ઉઠાવી હતી. ઓગસ્ટ ૧૯૮૨ માં એચ.એસ. લોંગોવાલ અને પ્રકાશસિંહ બાદલે આનંદપુર સાહિબ ઠરાવને અમલમાં મૂકવા, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના પંજાબીભાષી વિસ્તારોને પંજાબમાં એકીકૃત કરવા અને સતલજ-યમુના લિંક કેનાલની યોજના મુલતવી રાખવા માટે જરનૈલસિંહ ભિંદરાનવાલા સાથે હાથ મિલાવ્યા હતા.

આ દરમિયાન જરનૈલસિંહ ભિંદરાનવાલાએ અમૃતસરના સુવર્ણ મંદિરને પોતાનો અડ્ડો બનાવ્યો. અકાલ તખત જાણે આતંકવાદીઓનો અડ્ડો બની ગયું. આ માટે ઈન્દિરા ગાંધીની સરકારે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું. ઓપરેશન બ્લુ સ્ટાર ૧૯૮૪ માં શરૂ કરવામાં આવ્યું હતું. ૧ જૂનથી જ ભારતીય સેનાએ સુવર્ણ મંદિરની ઘેરાબંધી શરૂ કરી દીધી હતી. ૪ જૂનની સાંજથી સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બીજા દિવસે સૈન્યના બખ્તરબંધ વાહનો અને ટેન્કો પણ સુવર્ણ મંદિર પહોંચ્યાં. ભયંકર રક્તપાત થયો. ૬ જૂને ભિંદરાનવાલાની હત્યા કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ ઓપરેશનમાં ૮૩ જવાનો શહીદ થયા હતા અને ૨૪૯ ઘાયલ થયા હતા. તે જ સમયે ૪૯૩ ઉગ્રવાદીઓ અથવા સામાન્ય નાગરિકો માર્યા ગયા અને ૮૬ લોકો ઘાયલ થયા હતા.

આ ઓપરેશનના ચાર મહિના પછી, ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ ના રોજ, વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના બે શીખ અંગરક્ષકો, સતવંતસિંહ અને બિઅંતસિંહ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધી પર એટલી બધી ગોળીઓ ચલાવવામાં આવી કે તેમનું શરીર વિકૃત થઈ ગયું. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. ૧૯૮૪ અને ૧૯૯૫ વચ્ચે પંજાબમાં આતંકવાદ ચરમસીમાએ હતો. આતંકવાદીઓએ સુરક્ષા એજન્સીઓ અને હિન્દુઓને નિશાન બનાવ્યાં હતાં. ૧૦ ઓગસ્ટ ૧૯૮૬ ના રોજ, ઓપરેશન બ્લુ સ્ટારનું નેતૃત્વ કરનારા ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એએસ વૈદ્યની પુણેમાં હત્યા કરવામાં આવી હતી.

૩૧ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ એક આત્મઘાતી બોમ્બરે પંજાબના મુખ્ય પ્રધાન બિઅંતસિંહની કારની સામે પોતાની જાતને ઉડાવી દીધી હતી, જેમાં બિઅંત સિંહનું મોત થયું હતું. ૧૯૯૦ ના દાયકાના મધ્ય સુધીમાં પંજાબમાંથી આતંકવાદનો નાશ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખાલિસ્તાની સમર્થકો અને આતંકવાદીઓએ ભારતની બહાર પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ખાલિસ્તાનનું સમર્થન કરનારા નેતાઓ ભારતની બહાર બેઠા છે અને ત્યાંથી બેસીને ભારતમાં ખાલિસ્તાની ચળવળને ભડકાવે છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ભારતમાં અસ્થિરતા સર્જવા ખાલિસ્તાની તત્ત્વોને ઉશ્કેરતી રહે છે. આ ખાલિસ્તાની સમર્થકો પાકિસ્તાનના લાહોર, કેનેડા, બ્રિટનમાં પોતાનાં ઠેકાણાં બનાવી રહ્યા છે. જરનૈલસિંહ ભિંદરાનવાલાનો ભત્રીજો લખબીરસિંહ રોડે લાહોરમાં ખાલિસ્તાની દળોને એક કરે છે. આ બધાનું સમર્થન લઈને અલગતાવાદી અમૃતપાલસિંહ પોતાની તાકાત વધારી રહ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top