રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. યુદ્ધ શરૂ થયું ત્યારે બે મહિના પણ નહીં ચાલે અને રશિયા યુક્રેનને કચડી નાખશે તેવી વાતો હવામાં હતી. બીજી બાજુ હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વળી પાછું ક્યારે ભડકશે અને ઇઝરાયલ દ્વારા ગાઝાના નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા ક્યારે અટકશે તે સમજાતું નથી. આ અનિશ્ચિતતા વચ્ચે દુનિયા વળી પાછી વિશ્વયુદ્ધ ભણી સરકવા માંડશે તે શંકા-કુશંકાઓ હજુ પણ ચાલુ જ છે. ગાઝામાં શાંતિ સ્થાપવા માટેની નવી યુદ્ધવિરામની દરખાસ્તનો હમાસ અભ્યાસ કરી રહ્યું છે. આ દરખાસ્ત અલબત્ત ઇઝરાયલ દ્વારા ઇજિપ્ત ખાતેના શાંતિવાર્તાના મધ્યસ્થીને સોંપવામાં આવી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સ્થાપવા અંગેની જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હમાસ શસ્રો મૂકી દે અને સંપૂર્ણપણે શસ્રમુક્ત સંગઠન બની જાય એવી દરખાસ્ત છે જે હમાસને મંજૂર નથી.
ગાઝાનો મૃત્યુઆંક ૫૧,૦૦૦થી વધી ગયો છે અને બીજા ૧,૧૬,૩૪૩ વ્યક્તિઓ ઘવાયા છે. જો કે સરકાર દ્વારા મૃત્યુ આંક ૬૧,૭૦૦ જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે અસંખ્ય માણસો યુદ્ધ દરમિયાન તોડી પડાયેલ બિલ્ડિંગોના ભંગાર હેઠળ દબાયેલાં પડ્યાં છે અને એને એટલો લાંબો સમય વીત્યો છે કે એ બધાં મોતને ભેટ્યાં છે, એવી ધારણા મૂકવી વધુ વાસ્તવિક ગણી શકાશે. ગાઝાના મૃત્યુઆંકમાં ૭૦ ટકા નિર્દોષ બાળકો અને સ્રીઓ છે, જે કોઈ હથિયારો લઈને યુદ્ધના મેદાનમાં ઇઝરાયલીઓ સામે લડવા નહોતાં ઉતર્યા. યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાએ પણ આ વાતની નોંધ લીધી છે. દુનિયાના ઘણા દેશોએ તેની ટીકા કરી છે. ભારતે આ નરસંહાર અટકાવવા માટે અપીલ કરી છે પણ ઇઝરાયલ નામનો માતેલો સાંઢ અમેરિકન ખાણ ખાઈને એવો તો ફૂલ્યોફાલ્યો છે કે એ આખી દુનિયાને બાનમાં લઈને પોતાની શરતે યુદ્ધવિરામ કરવા ચાહે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો વળી એમના જેવી જ ભેજાગેપ દરખાસ્ત લઈ આવ્યા હતા જેમાં કાયમી ધોરણે ગાઝા ખાલી કરી પેલેસ્ટાઇન વાસીઓ જતા રહે અને અમેરિકા એને પર્યટનના સ્થળ તરીકે વિકસાવે અને પેલેસ્ટિલિયનોને નવી જગ્યાએ રખાય જ્યાં ભવિષ્યમાં કોઈ સંઘર્ષ થવાની સંભાવના ન રહે. ટ્રમ્પસાહેબના જમાઈ ત્યાં રિઅલ એસ્ટેટનો મોટો પ્રોજેક્ટ કરી એને દુનિયાના એક મોટા પર્યટક સ્થળ તરીકે વિકસાવે અને પેલેસ્ટાઇન એને માટે જે નવી જગ્યા નક્કી કરવામાં આવે ત્યાં ખસી જાય. ત્યાર પછી બધા ઇઝરાયલીઓ જયજયકાર કરીને શાંતિવાર્તા કરે.
જો કે આરબ દેશો જેઓ પ્રમાણમાં તટસ્થ અને અમેરિકાતરફી રહી એને ગંભીરતાથી સાંભળવાના મૂડમાં હતા તે પણ ટ્રમ્પની આ ટૂંકી બુદ્ધિની પાયા વગરની દરખાસ્ત અને હમાસના નિઃશસ્રીકરણની વાત કોઈ સંજોગોમાં સ્વીકારવા તૈયાર નથી. એક નાનો પ્રસંગ યાદ આવે છેઃ ફોર્ડ કંપનીના માલિક જેરાર્ડ ફોર્ડને કોઈએ પૂછ્યું કે, ‘એનો પસંદીદા રંગ કયો છે?’ ત્યારે ફોર્ડનો જવાબ પણ કાંઈક ઇઝરાયલ અને અમેરિકાની શાંતિ દરખાસ્ત જેવો જ હતો. ફોર્ડનું કહેવું હતું કે, ‘કોઈ પણ રંગ તેને પસંદ છે, જ્યાં સુધી તે કાળો હોય!’ આમાં પસંદગી કોઈ અવકાશ રહ્યો ખરો?
અત્યારે જગતમાં બેફામ ગુંડાગીરી ફેલાવી રહેલા ટ્રેડવૉરના જનક ડોનાલ્ડ ટ્રમ્પ અને માતેલા આખલા જેવું ઇઝરાયલ બંનેના કહેવા પ્રમાણે શાંતિવાર્તા એટલે એમના દ્વારા, એમના માટે, એમના વડે કરાયેલ દરખાસ્ત. આ એકતરફી દરખાસ્ત કોઈ માને ખરું? અને એ દરખાસ્ત ન માને ત્યાં સુધી ઇઝરાયલ એની મરજીમાં આવે તેવો હિંસાચાર આચરે તે ચલાવી લઈ અને હમાસે શસ્રો હેઠાં મૂકી દેવાનાં? આને શું કહેવાય? આ લુખ્ખાગીરીને ગુજરાતી ભાષામાં ‘બળિયાના બે ભાગ’ કહે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું મૌન તેમ જ યુનાઇટેડ નેશન્સની ભૂમિકા પણ તટસ્થ નથી ત્યારે શાંતિ ક્યાંથી થવાની હતી. હમાસ અને ઇઝરાયલ વચ્ચેની શાંતિવાર્તામાં શું નિપજશે તેની કલ્પના કરવાનો પણ કોઈ અર્થ નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.