તેલ અવીવ: ગાઝામાં (Gaza) ચાલી રહેલા હમાસ સાથેના યુધ્ધમાં ઇઝરાયેલના (Israel) 21 સૈનિકો માર્યા ગયા છે. વાસ્તવમાં ગઇકાલે ગાઝામાં યુધ્ધ દરમિયાન જોરદાર વિસ્ફોટ (Explosion) થયો હતો. જેના કારણે 21 જવાનોના મોત થયા હતાં તેમજ કેટલાક જવાનો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે તેના કારણે બે ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. આ સાથે જ હમાસના આતંકવાદીઓએ (Terrorist) આરપીજી (RPG) સાથે ઇઝરાયેલી સેનાની ટેન્ક પર હુમલો કર્યો હતો. સૈનિકોના મોત (Death) બાદ હમાસ સાથેની લડાઈમાં અત્યાર સુધીમાં ઈઝરાયેલી સેનાના 200થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
પ્રરાપ્ત માહિતી મુજબ ઈઝરાયેલની સેના વિસ્ફોટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં માનવામાં આવે છે કે જે ઈમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં મોટી માત્રામાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. ઈઝરાયેલના સૈનિકો ત્યાં હાજર હતા ત્યારે ઈમારત પર RPGથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈમારતમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે બે ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. તેમજ ઇમારતોના કાટમાળ અને વિસ્ફોટોમાં 21 સૈનિકોના મોત થયા હતા.
ઈઝરાયેલની સેનાના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ગઈકાલની ઘટનામાં કુલ 21 સૈનિકો માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું કે સરહદ પર લગભગ 600 મીટરના વિસ્તારમાં સૈનિકો હાજર હતા. સૈનિકો ત્યાં હમાસના સ્થાનોને નષ્ટ કરી રહ્યા હતા. સાંજે લગભગ 4 વાગ્યે આતંકવાદીઓએ RPG વડે એક ટેન્ક પર હુમલો કર્યો. આ દરમિયાન બે બે માળની ઈમારતોમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. તેમજ આ ઈમારતોના કાટમાળમાં સૈનિકોના મોત થયા હતા.
ઇજિપ્તે ઇઝરાયેલને ચેતવણી આપી
ઈજિપ્તે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ બંને દેશોની સરહદ પર સ્થિત જમીનના ટુકડા ફિલાડેલ્ફિયા કોરિડોર પર કબ્જો કરવાનો પ્રયાસ કરશે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે. ફિલાડેલ્ફિયા કોરિડોર ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેનો 14 કિલોમીટર લાંબો વિસ્તાર છે. ઇઝરાયેલની સેના આ વિસ્તાર પર નિયંત્રણ મેળવવાની યોજના બનાવી રહી છે કારણ કે આ વિસ્તારમાંથી ગાઝામાં શસ્ત્રોની દાણચોરી કરવામાં આવે છે. ઇજિપ્તને ચિંતા છે કે સરહદ પર લશ્કરી કાર્યવાહીથી મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન તેના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે.