Charchapatra

શું આ સુવર્ણયુગ છે?

1995 પહેલાં TV પર એકમાત્ર દૂરદર્શન ચેનલ દેખાતી હતી. 1980 ના દાયકામાં તો હદથી મોટું એરિયલ લગાવવું પડતું હતું ત્યાર બાદ કોમ્પેક્ટ એરિયલ આવ્યું, જેના દ્વારા સેટેલાઈટની મદદથી મફતમાં TV જોઈ શકતા હતા. ચિત્રહાર (છાયા ગીત) કોમેડી સીરીયલ, હિન્દી ફિલ્મો તેમજ સેજ રાતે નવ કલાકે સમાચાર…! સમાચાર એટલે એકદમ તટસ્થ અને સચોટ, દેશથી લઈ વિદેશની માહિતી, ન કોઈ ઊંચો અવાજ, ન કોઈ પક્ષની દલાલી, ન કોઈ ઠઠ્ઠા-મશ્કરી કે ન કોઈ ડિબેટની ફાલતુ રમત. શમ્મી નારંગ, વેદપ્રકાશ, મંજરી જોશી, સરલા મહેશ્વરી, શોભના જગદીશ, ફાતિમા શેખ જેવા આઠથી દશ સમાચાર વાચક રોજ સ્પષ્ટ ભાષા, સુશોભન વેશભૂષા અને સમાચારની ગુણવત્તા એટલે રોજિંદા દૂરદર્શનના સમાચાર…!

પક્ષ હોય કે વિપક્ષ દરેક માટે એક સૂર એક તાલ, ન કોઈ દલાલી ન કોઈ રાજકીય દબાણ, એ સમયમાં જે વિભાગના જે મંત્રી, એ કામ એ જ મંત્રી કરે. રેલ્વે પ્રધાન, ગૃહ મંત્રી, કૃષિ મંત્રી, સૂચના પ્રસારણ મંત્રી તેમજ દેશના રાષ્ટ્રપતિનાં નામો દરેકના મોઢે રહેતા, અડધો કલાકના સમયમાં પ્રધાન મંત્રીના સમાચાર માંડ અડધી મિનિટ આવતા એ પણ જો જરૂર હોય તો જ આવતા…! ભલે મનોરંજન ઓછું હતું પણ જિંદગીમાં એક શેરી રમતો જેવી કે પકડદાવ, આંધળોપાતો, સાત ગોટલા, સાત સાંકડી, નદી કે પર્વત, ગટરનાં પાણીમાંથી બોલ ઉંચકીને મિત્રો સાથે રમવાની મોજ-મસ્તીનું વ્યંજન હતું.

સરકારી શાળાનું ભણતર આજની અંગ્રેજી માધ્યમની શાળાના ભણતરને શરમાવે એવું હતું. તાલીમબદ્ધ શિક્ષકો, રમતગમત, વિજ્ઞાન મેળો, માર્કપાસ જેવી ઇતરપ્રવૃત્તિઓ થતી હતી. એ દિવસોમાં જો ગજવામાં પચ્ચીસ પૈસા હોય તો એ દિવસ અમીર હોવાનો એહસાસ કરાવી જાય કારણકે રિસેસમાં પાંચ પૈસાની કોકમ, પાંચ પૈસાની લીંબુની ચીરી, પાંચ પૈસાની ગોળની લાકડી, પાંચ પૈસાનું પીરું ભૂંગરુ અને છેલ્લે પાંચ પૈસાનાં બોર લઈ ચાલુ કલાસે ખાઈને એકબીજાને બોરનાં ઠળિયાં મારી મસ્તી મેળવવાનો આનંદ જ કંઈક અલગ હતો.

એક રૂપિયામાં એક કલાક ભાડે સાયકલ લઈ રસ્તા પર ફેરવવાનો આનંદ જ કંઈ અલગ હતો. જે દિવસ ગયા એ કદી પાછા નથી આવવાના, જીવન એટલું “ફાસ્ટ” થઈ ‘ગયું છે કે “ફાસ્ટ ફુડ” પર લોકો નભતા થઈ ગયા છે. વર્ષોવર્ષ ચાલનારા પંખા, ટ્યુબલાઈટ કે બલ્બ નથી બનવાના, મિલાવટ વગરનું દૂધ. 1 મીઠાઈ, તેલ, અનાજ કે શાકભાજી નથી મળવાના..! સોના પર ચઢી ગયો છે લોખંડનો કાટ, લાગે છે બધું આબાદ પરંતુ શું હકીકત એ નથી લાગતી કે “એ” સુવર્ણયુગ થઈ ગયો છે બરબાદ?
સુરત     – કિરણ સુર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top