‘ગુજરાતમિત્ર’ દૈનિકના તા. 4 માર્ચના ચર્ચાપત્ર ‘‘સમયસરની નોકરીમાં ભરતી જરૂરી’’ ના અનુસંધાને સમયસરની તો કહી શકાય કે કેમ છતાં જેને નોકરી પણ કહી શકાય કે કેમ તો છતાં પણ તેમની ઘટતી સભ્ય સંખ્યાને માત્ર અને માત્ર ‘‘છ’’ જ મહિનામાં સરભર કરી દેવાની બાબતમાં આપણા દેશમાં જો કોઈ એક ક્ષેત્ર હોય તો તે છે રાજકારણ. કેન્દ્ર હોય કે રાજ્યમાં તેનો ચૂંટાયેલ એકાદ સભ્ય પણ જો ગુજરી જાય અથવા કોઈ કારણસર તેની બેઠક ઉપરથી રાજીનામું આપે એટલે તેની જગ્યા ખાલી પડે એટલે તે બેઠકની ચૂંટણી ફક્ત અને ફક્ત ‘‘છ’’ જ મહિનામાં ફરી તેમની નક્કી કરેલ સભ્ય સંખ્યા સરભર કરી દેવામાં આવે છે. શોભાના ગાંઠિયા સમાન આ દેશની રાજ્યસભામાં પણ જો એકાદ સભ્યની મુદ્દત પૂરી થવામાં હોય તો તેની ખાલી પડેલ જગ્યાએ કોને ‘‘ભરતી’’ કરવો તેની તૈયારી મહિનાઓ અગાઉથી નક્કી કરવામાં આવે છે. રહી વાત આખા દેશમાં વર્ષોથી લાખો પોલીસ કર્મીઓની જગ્યા ખાલી પડેલ છે ત્યાં કેમ છ મહિનામાં નવી ભરતી થતી નથી છે કોઈ પૂછવાવાળું? (વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય) બસ એવું જ કંઈક રેલ્વે, બેન્ક કે પછી સરકારી કર્મચારીઓની વર્ષોથી ઘટતી જતી કર્મચારીઓની જગ્યાએ નવી ભરતી કેમ થતી નથી. પુરી એક અંધેરી ને ગંડુ રાજા જેવું રગસિયું ગાડું ક્યાં સુધી ચાલશે?
સુરત – કીકુભાઈ જી. પટેલ . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
