Charchapatra

રશિયન રાષ્ટ્રપતિ પુતીન – એક યુદ્ધખોર તાનાશાહ

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના આદેશ હેઠળ રશિયન લશ્કર છેલ્લા બાર ઉપર દિવસથી પાડોશી  યુક્રેન દેશનાં અનેક શહેરો પર લશ્કરી હુમલા કરી તેમને તબાહ કરી રહ્યું છે. ભયના ઓથાર હેઠળ લાખો નાગરિકો પાડોશી દેશોમાં હિજરત કરી રહ્યાં છે. ટી.વી.ના પડદે યુદ્ધનાં દૃશ્યો જોતાં ઠેર ઠેર તબાહીનો મંજર સ્પષ્ટ દેખાય છે. (જો કે એમાં રશિયન લશ્કરને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે.) એક સાર્વભૌમ રાષ્ટ્ર પર આ યુદ્ધ પુતીનની તાનાશાહી માનસિકતા દ્વારા બળજબરી થોપવામાં આવ્યું છે. કેમકે રશિયન નાગરિકોનું આ યુદ્ધ માટે પુતીનને ખૂબ ઓછું સમર્થન છે.

(પુતિને યુદ્ધ માટે NATO નો કાલ્પનિક ભય આગળ ધર્યો છે.)  કેટલાકોના મતે પુતીન એક સાઇકિક વ્યકિત છે જે એક સમયના USSR નું ફરી ગઠન કરવાનો મનસુબો ધરાવે છે. આ યુદ્ધને પરિણામે યુક્રેનમાં અભ્યાસ કરતાં હજારો ભારતીય છાત્રોની કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે તેમજ ક્રૂડ ઓઇલ અને ધાતુઓના ભાવ આસમાને પહોંચતા અગાઉથી જ વકરેલી મોંઘવારી પૂરજોશમાં વકરી રહી છે. આ યુદ્ધ યુક્રેન રશિયા ઉપરાંત બીજા અનેક દેશો (ભારત સહિત)ને દઝાડી રહ્યું છે અને તેમાં ત્રીજા વિશ્વયુદ્ધની ચિનગારી પણ પડેલી દેખાય છે. આ યુદ્ધનાં પરિપ્રેક્ષ્યમાં, જાગતિક સ્તરે તાનાશાહી શકિતઓ પરાસ્ત થાય, લોકશાહી મૂલ્યો દૃઢ થાય અને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર શાંતિ અને સહકારની ભાવના વધે એ નિતાંત આવશ્યક છે.
નવસારી -કમલેશ આર. મોદી . આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top