નવી દિલ્હી(NewDelhi): G20 સમિટ (G20Summit) પછી તરત જ કેન્દ્ર સરકારે (Central Government) સંસદનું (Parliament) વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદના વિશેષ સત્રમાં શું થશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે, ત્યારે આજે મંગળવારે એક નવી વાત બહાર આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.
એવી ચર્ચા છે કે ભારત (Bharat) સરકાર દેશનું અંગ્રેજી નામ બદલવા જઈ રહી છે. હાલમાં દેશનું અંગ્રેજી નામ ઈન્ડિયા (India) છે, પરંતુ સરકાર હવે તે બદલવા માંગે છે. ચર્ચા અનુસાર સરકાર દેશનું અંગ્રેજી નામ પણ ભારત જ કરવા જઈ રહી છે. હાલ આ અંગે અધિકૃત કોઈ માહિતી બહાર આવી નથી.
દેશનું નામ બદલવાની ચર્ચા ક્યાંથી ઉદ્દભવી તે જાણવું પણ રસપ્રદ છે. ખરેખર G20 સમિટ પહેલાં એક નવું હેન્ડલ G-20 ઇન્ડિયા લોન્ચ કર્યું છે. આ G20નું વધારાનું એક્સ એકાઉન્ટ હશે.આ હેન્ડલમાં G20 સંબંધિત ટિપ્પણીઓ અને માહિતી ભારતના સત્તાવાર નામે જારી કરવામાં આવશે. હેન્ડલ પર અંગ્રેજીમાં ઈન્ડિયાના બદલે ભારત લખ્યું હોવાથી આ ચર્ચા ઉઠી છે.
દરમિયાન જો દેશનું અંગ્રેજી નામ બદલાશે તો વિપક્ષોના મહાગઠબંધનને સૌથી પહેલાં આંચકો લાગશે. કારણ કે દેશનું નામ જાહેરમાં સાર્વત્રિક રીતે ભારત થશે અને INDIA નામ ભૂતકાળ બની જશે. જો આમ થશે તો નવા રચાયેલા INDIA એલાયન્સ માટે તે એક મોટો ફટકો સાબિત થશે. કારણ કે વિપક્ષના મહાગઠબંધને પોતાના આ ગઠબંધનને રાષ્ટ્રીય હિતનો પર્યાય માનીને, દેશના આ અંગ્રેજી સ્પેલિંગ પર નામ રાખ્યું હતું.