ગઝીની…મર્દાની ….મનોરમા સિક્ષ ફીટ અન્ડર …આ બધી હિન્દી ફિલ્મોમાં સમાનતા શું છે? આ ફિલ્મોનો મુખ્ય મુદ્દો છે. ષડ્યંત્ર રચીને યુવતીઓ નાની છોકરીઓને ફસાવતાં સ્થાપિત હિતો સામે લડત આપવી તેમને ખુલ્લાં પાડવાં ..આ ફિલ્મોમાં દર્શાવાયું છે કે આપદા રાજનેતા ઓ ,ધનિકો ,સીડીકેત રચીને કામકાર્નારો કેવી રીતે નાની નાની છોકરીઓને ફસાવે છે. તેમનો વેપાર કરે છે અને આ સેક્સ કાંડ કરનારાનાં મૂળિયાં કેટલાં ઊંડાં હોય છે?
ભારતીય ફિલ્મોની અનેક મર્યાદા છે. આમ છતાં આપણી ફિલ્મોનું એક જમા પાસું એ પણ છે કે તે સમાજને તેનો આયનો બતાવે છે. અત્યંત બરછટ અને જાડું નિરૂપણ હોય પણ એ હોય છે લગભગ વાસ્તવિકતાની નજીક.ફિલ્મો સમાજની સમસ્યાઓનું નિરૂપણ કરે છે અને આપણને ચેતવે છે માટે જ જયારે ફિલ્મોમાં ઉપરાઉપરી એ દર્શાવ્યું કે ભારતમાં હવે છોકરીઓનો વેપાર થાય છે. તેમની ફિલ્મો ઉતારી તેમનું વારંવાર શોષણ થાય છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે આ ફિલ્મોના આઇનામાં દેખાય છે તે આપણો જ ચહેરો છે. તે આ સમાજની જ સમસ્યા છે. શરૂઆતના સમયમાં દેશમાં સંગ્રહખોરી અને કાળાબજારની મોટી સમસ્યા હતી તો ફિલ્મોમાં અનાજ અને રોજિંદી ચીજોની સંગ્રહખોરી કરતા વિલન હતા.પછી સોનાની દાણચોરી મોટી સમસ્યા બની તો ખલનાયકો તેમાં કામ કરતા બતાવ્યા.પછી ભાઈગીરીની ફિલ્મો આવી અને હવે આ છોકરીઓના શોષણનું ફિલ્માંકન થાય છે.
સ્ત્રીઓ પર અત્યાચાર એ માનવજાતના ઈતિહાસ જેટલો જૂનો છે. હુમલાખોર રાજાઓથી માંડીને વિલાસી રાજાઓ, લંપટ રાજનેતાઓ કે વિલાસી અધિકારીઓ કોઈ આમાં બાકી નથી. રસ્તા પરના રોમિયોથી માંડીને રાતના રખડતા ગુંડા સુધી બધાએ સ્ત્રીની એકલતાનો અને લાચારીનો લાભ લીધો છે. બળાત્કાર અને છેડતી એ વ્યક્તિગત ગુના છે અને સામુહિક બળાત્કાર એ વિકૃતિની પરાકાષ્ઠા છે પણ, વિડીઓ કે ફોટાના સહારે બ્લેકમેલીંગ કરી કોઈનું સતત શોષણ કરવું અને એમાંય સત્તા કે સંપત્તિના જોરે ભેગા મળીને આ શોષણ સતત ચલાવવું એ એક સામુહિક ક્રાઈમ છે અને આ દૂષણ હવે રાષ્ટ્રવ્યાપી બનતું જાય છે. આપણે પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને આ દુષ્કર્મોના દૂષણને ડામવું પડશે.
સત્તા અને સંપત્તિ વપરાય ત્યારે જ તેનો અર્થ સરે છે અને માટે જ સત્તા અને સંપત્તિ દેખાડો કરવા પર જોર મૂકે છે. સત્તામાં રહેલો માણસ અને સંપત્તિવાન માણસ પ્રસંગોમાં બેફામ ખર્ચા કરે છે. સમાજમાં પૈસાના જોરે દાદાગીરી કરે છે અને સત્તા અને સંપત્તિનો છેલ્લો અનુભવ થાય છે સ્ત્રી સાથેના વ્યવહારમાં. ભારતમાં સમાજવાદી સમાજરચના હતી અને વસ્તુવાદ ના હતો ત્યારે સ્ત્રીઓ પર તો અત્યાચાર હતા જ, પણ જ્યારથી બજારવાદ આવ્યો છે, વસ્તુવાદ આવ્યો છે, ખુલ્લાપણું વધ્યું છે ત્યારથી સ્ત્રીઓ સાવ જ વસ્તુ બનાવી દેવાઈ છે.એક તરફ ફિલ્મો ટી.વી. સીરીયલમાં સંબંધોનું રૂપ અને નિરૂપણ બદલાયું છે.
મોબાઇલે વ્યક્તિની અંગતતા ખતમ કરી નાખી છે અને બીજી બાજુ સમાજ હજુ રૂઢિઓ અને પરમ્પરાઓના દેખાડામાંથી બહાર આવતો નથી એટલે રાતોરાત રૂપિયા આવી ગયા પછી માણસને ગાડી મળે છે ,સ્માર્ટ ફોન મળે છે ,આલીશાન બંગલા મળે છે પણ સ્ત્રી ..? એ તો બંધિયાર સમાજમાં સીધે સીધું શક્ય જ નથી. પુરુષપ્રધાન વ્યવસ્થામાં પુરુષને બધું જ મળે તો પણ તેને સ્ત્રીને કાબૂ કરવા ના મળે તો માનસિક રીતે તે નાસીપાસ થાય છે. આનાથી ઉલટું સ્ત્રીઓ પર કાબૂ એ મોટા ભાગના પુરુષોને વિજયનો આનંદ આપે છે એટલે ભોગવાદી સંસ્કૃતિના આ નવા દાયકામાં હવે આ નવું દૂષણ ઊભું થયું છે.જો કે સત્તામાં રહેલી અને સંપત્તિવાન બનેલી સ્ત્રીઓ કદી પુરુષોનું આવું શોષણ નથી કરતી.એ નાના છોકરાને અડપલાં નથી કરતી.ઘેર બોલાવી હેરાન નથી કરતી.
એક સ્ત્રી જેનું શોષણ કરે તેને વારાફરતી અનેક સ્ત્રીઓ પાસે ફરજીયાત મોકલવામાં નથી આવતો, એટલે આ દૂષણ માનવસહજ નથી.બધા જ માણસને તે લાગુ નથી પડતું. થોડાં વર્ષો પહેલાં જલગાંવ સેક્સ કાંડ આવ્યો હતો, પછી નળિયા દુષ્કર્મ મામલો ચર્ચામાં રહ્યો. હવે દિલ્હીમાં દીકરીઓ દેખાવો કરી રહી છે. છેલ્લા સમાચાર મુજબ સુપ્રીમ કોર્ટને પ્રશ્ન કરવો પડ્યો છે કે પોલીસે ફરિયાદ કેમ દાખલ ના કરી? એક તરફ નાના ટવીટથી રાતોરાત ફરિયાદ નોંધાઇ જાય અને ધારાસભ્ય કે સંસદસભ્યની ધરપકડ થઇ જાય. બીજી બાજુ બલાત્કાર શોષણના આરોપીઓ ખુલ્લેઆમ ફરે, તેમના વિરુદ્ધ ફરિયાદ માટે પણ કોર્ટમાં જવું પડે!
આવા બીજા પણ ઘણા કિસ્સા છે, જે બળાત્કાર અને અપહરણ કે છેડતીથી જુદા છે.પૈસાદાર લોકો રાજકારણીઓ ભેગા મળીને જયારે આ દુષ્કર્મ આચરે છે ત્યારે બધા જ બેફિકર હોય છે કે આપણને કંઈ થવાનું નથી. આવું તેઓ એટલા માટે વિચારે છે કારણકે અહીં એકને સજા કરવા જતાં બધા જ સપડાવાના હોય છે.માટે સત્તાનું તંત્ર આપોઆપ ઘટનાને દબાવવા લાગી જાય છે. જેમ કોમી તોફાનોમાં થતી હત્યા ટોળાના નામે હોય છે એમ અહીં સહુની ભાગીદારી હોવાથી સૌ તાકાત લગાવે છે અને પીડિત તો આ તાકાત સામે ક્યાંથી લડે? એટલી તાકાત હોત તો તો એનું શોષણ જ ના થયું હોત. આવા કિસ્સામાં સત્તાની સામે સત્તાએ પડવું પડે અને સંપત્તિની સામે સંપત્તિએ પડવું પડે….એટલે એક પક્ષના લોકો ગુનામાં સંડોવાયા હોય તો બીજા પક્ષની ફરજ છે કે એ આ પીડિતની પડખે ઊભો રહે…આવા કિસ્સા ભાજપ અને કોન્ગ્રેસની નજરથી ના જોવાય. જો કિસ્સો બન્યો હોય તો એમાં સંડોવાયેલ લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ અને એવા લોકો જે પક્ષ સાથે જોડાયા હોય એ પક્ષની જ ફરજ છે કે આરોપીઓને રાજકીય રક્ષણમાંથી અલગ કરે.
દિલ્હીમાં હાલ જે બની રહ્યું છે તે સભ્ય સમાજ માટે શરમજનક છે. એક તો આપણા સમાજમાં દીકરીઓને રમતગમત શિક્ષણમાં આગળ જવા દેવામાં આવતી નથી. તેનું જાહેર જીવન આમ પણ પુરુષપ્રધાન નિયમોથી બંધાયેલું હોય છે તેમાં આવા કિસ્સા બને તો ક્યાં મા બાપ દીકરીઓને રમતગમતમાં એકલી આગળ જવા દેશે? એક સમયે ગુજરાતમાં બહેનોને અભય વચન આપનાર વડા પ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે જાતે આવા કાંડની તપાસ પર દેખરેખ રાખવી જોઈએ. આ બાબત દબાવી દેવામાં સત્તા ના વપરાય તે નિશ્ચિત કરવું જોઈએ. સ્ત્રીઓના શોષણના મામલે હવે સ્ત્રીઓએ પણ જાગૃત થવાનું છે અને ખાસ તો એ કે રાજકારણમાં અને સમાજમાં આગેવાન સ્થાનો પર બેઠેલી સ્ત્રીઓએ આવા મામલે આગળ આવવું જોઈએ.અર્થવ્યવસ્થાના સ્વરૂપ પરિવર્તન સાથે સામાજિક પરિવર્તનના આ દોરમાં દુર્ગુણો પણ બદલાઈ રહ્યા છે.આ નવા દુર્ગુણોને નાથવાની રાજકીય ઇચ્છાશક્તિ અને સામાજિક નિસ્બત નહિ જાગે તો કાંડ પર કાંડ થતા જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે