Comments

યુક્રેન સામેના યુદ્ધમાં ઉત્તર કોરિયા રશિયાની સાથે જોડાવાની તૈયારી કરી રહ્યું છે?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એક સશસ્ત્ર ટ્રેનમાં લગભગ બે દિવસની મુસાફરી કર્યા બાદ હવે રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં પહોંચી ગયા છે. ઉત્તર કોરિયાના નેતા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ૨૦૧૯ પછી આ પ્રથમ શિખર સંમેલન થવા જઈ રહ્યું છે. પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચેની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. ઘણા વિશ્લેષકો પુતિન અને કિમ જોંગના આ સંયોજનથી ડરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન યુક્રેન યુદ્ધમાં ફસાયેલું રશિયા હથિયાર ખરીદવા માટે મોટો સોદો કરી શકે છે. ઉત્તર કોરિયાને આશા છે કે યુએનના પ્રતિબંધો વચ્ચે રશિયા તેમની ઘણી મદદ કરી શકે છે. પુતિને ઉત્તર કોરિયાને વચન આપ્યું છે કે તે ચીન અને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટોને લઈને મડાગાંઠને તોડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

કિમ જોંગ ઉન સાથે ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો માટે જવાબદાર ટોચના સૈન્ય અધિકારી પણ રશિયા પહોંચ્યા છે. આ મુલાકાતે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને રશિયા સાથે સંભવિત શસ્ત્ર સોદા અંગે પશ્ચિમી દેશોની ચિંતા વધારી દીધી છે. બેઠકનું સંભવિત સ્થળ પૂર્વી રશિયાનું એક શહેર વ્લાદિવોસ્તોક છે, જ્યાં પુતિન બુધવાર સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવા સોમવારે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૧૯ માં પુતિન આ સ્થાન પર કિમ સાથે પ્રથમ વખત મળ્યા હતા. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર

પુતિન ઘટી રહેલા શસ્ત્રોના ભંડારને ફરી ભરવા માટે ઉત્તર કોરિયાની બંદૂકો અને અન્ય દારૂગોળાનો વધુ પુરવઠો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જો આવું થાય તો અમેરિકા અને તેના ભાગીદારો પર વાટાઘાટોને આગળ વધારવા માટે વધુ દબાણ થઈ શકે છે, કારણ કે છેલ્લા ૧૭ મહિનામાં યુક્રેનને અદ્યતન શસ્ત્રોની વિશાળ ખેપ મોકલવા છતાં લાંબા સંઘર્ષનો અંત આવવાના કોઈ સંકેતો નથી. વિશ્લેષકો કહે છે કે ઉત્તર કોરિયા પાસે સોવિયેત ડિઝાઇન પર આધારિત લાખો આર્ટિલરી શેલ અને રોકેટો છે.

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન મોટા ભાગે ટ્રેનમાં જ વિદેશ પ્રવાસ કરતા હોય છે, કારણ કે તેમને હવાઈ મુસાફરી માફક આવતી નથી. આ કોઈ સામાન્ય ટ્રેન નથી, પરંતુ બખ્તરબંધ ટ્રેન છે, જેમાં શાહી સુવિધાઓ છે. કિમ પહેલા તેના દાદા અને પિતા પણ આ રોયલ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એટલે કે એક રીતે તેને ફેમિલી ટ્રેન પણ કહી શકાય. પ્રવાસ દરમિયાન કિમ જોંગનું મનોરંજન કરવા માટે નર્તકીઓનું એક જૂથ પણ સાથે જ હોય છે.

સોવિયેત નેતા જોસેફ સ્ટાલિને પચાસના દાયકાની શરૂઆતમાં કિમના દાદા સાંગને આ ટ્રેન ભેટમાં આપી હતી. તે પછી ૧૯૫૦ માં કોરિયન યુદ્ધ દરમિયાન સાંગે આ ટ્રેનનો તેમના મુખ્યાલય તરીકે ઉપયોગ કર્યો હતો અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ યુદ્ધ માટે અહીંથી પોતાની રણનીતિ બનાવી હતી. અંદરથી ભારે લાકડાનું કામ ધરાવતી આ ટ્રેન ટૂંક સમયમાં કિમ પરિવારની શાહી ટ્રેન બની ગઈ હતી.  કિમ જોંગ ઉનના પિતા કિમ ઇલનું ૨૦૧૧માં આ ટ્રેનની અંદર પ્રવાસ કરતી વખતે મૃત્યુ થયું હતું.  તેઓ કોઈ રાજકીય કામ માટે પ્યોંગયાંગની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રેનમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

ત્રણ પેઢીઓથી ચાલતી આ ટ્રેન અંદાજે ૨૫૦ મીટર લાંબી છે અને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેના તમામ કમ્પાર્ટમેન્ટ બખ્તરથી સજ્જ છે, જે ગોળીઓથી પ્રભાવિત નથી. વર્ષ ૨૦૦૪ માં ઉત્તર કોરિયાના શહેર યોંગચોનની રેલ્વે લાઇનમાં સુરંગ વડે વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૫૦ થી વધુ લોકોના જીવ ગયા હતા. વિસ્ફોટ પહેલા રોયલ ટ્રેન તે લાઇન પરથી પસાર થઈ હતી. આ પછી ટ્રેનની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી હતી. ઉત્તર કોરિયાની અંદર જ્યાં પણ રોયલ ટ્રેન જાય છે ત્યાં લગભગ એક દિવસ અગાઉથી લાઈનોનું ચેકિંગ શરૂ થઈ જાય છે અને તે રૂટ બ્લોક કરી દેવામાં આવે છે.

હાલના સરમુખત્યારે પણ એવી વ્યવસ્થા કરી કે આ ટ્રેન ઉપડે તે પહેલા જ બીજી ખાનગી ટ્રેન પણ આ જ ટ્રેક પર રવાના થાય જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. તેની પાછળ કિમ જોંગ ઉનની શાહી ટ્રેન નીકળે છે. ત્યાર બાદ બીજી ટ્રેન નીકળે છે, જેમાં વધારાની સુરક્ષા અને અન્ય વસ્તુઓ હોય છે. આ રીતે એક સાથે ત્રણ ટ્રેનોનો કાફલો દોડાવવામાં આવે છે. વૈભવી જીવન જીવવા માટે જાણીતા આ સરમુખત્યારની ટ્રેન પણ એટલી જ જાજરમાન છે. તેમાં ૨૨ બોગી હોય છે. દરેક બોગીમાં વિશાળ બાથરૂમ અને જમવાની સુવિધા પણ છે. મુસાફરી કરનારા લોકો સામાન્ય રીતે કિમના પરિવારના સભ્યો અથવા તો કિમ પોતે હોય છે. પોલિટબ્યુરોના અધિકારીઓ અને લશ્કરી ટુકડી સાથે આગળ વધે છે. આ તમામ માટે ખાવાપીવાની ખાસ વ્યવસ્થા છે.

કિમની ટ્રેનનું નામ તૈયાંગો છે, જેનો કોરિયન ભાષામાં ‘સૂર્ય’ એવો અર્થ થાય છે. કિમ જોંગ ઉન જ્યારે સ્વિત્ઝર્લેન્ડની બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હતા ત્યારે હવાઇ યાત્રા કરતા હતા, પણ ૨૦૧૧માં સત્તા પર આવ્યા પછી તેમણે લગભગ હવાઈ યાત્રા બંધ કરી દીધી હતી. છેલ્લે તેઓ વર્ષ ૨૦૧૮માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વિમાનમાં બેસીને સિંગાપોર ગયા હતા. કિમની ટ્રેનમાં સંદેશવ્યવહાર માટે સેટેલાઈટ ફોન રાખવામાં આવે છે. તેમાં ૨૧ બુલેટ પ્રૂફ મોટર કાર પણ રાખવામાં આવે છે, જેથી ટ્રેનને અકસ્માત થાય તો મોટર દ્વારા મુસાફરી આગળ વધારી શકાય છે.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે કે કિમના મનોરંજન માટે છોકરીઓ પણ ટ્રેનમાં મુસાફરી કરે છે, જેને લેડી કંડક્ટર કહેવામાં આવે છે. આ સિવાય દરેક કોચમાં ટેલિવિઝન હોય છે, પરંતુ તેમાં માત્ર કેટલીક ન્યૂઝ ચેનલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના સરમુખત્યારની રશિયા મુલાકાતને પગલે એવી અટકળો પણ તેજ થઈ રહી છે કે ઉત્તર કોરિયા યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની મદદ માટે ઝંપલાવી શકે છે. રશિયાના ભાડૂતી વેગનાર સૈન્યના વડા પ્રિગોઝિનના મરણ પછી રશિયાને લડાયક સૈનિકોની તાતી જરૂર છે, જે સૈનિકો ઉત્તર કોરિયા પૂરા પાડી શકે તેમ છે. રશિયા પર આરોપ છે કે ઉત્તર કોરિયા રશિયાને હથિયારો સપ્લાય કરી રહ્યું છે.

ઉત્તર કોરિયાના હથિયારો યુક્રેન મોકલતા પહેલા રશિયન કેમ્પમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં કિમ જોંગ ઉન રશિયાની મદદ કરી રહ્યા છે કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. અમેરિકાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ રશિયાને શસ્ત્રો પૂરા પાડ્યા છે, જેમાં દરિયાઈ માર્ગે મોકલવામાં આવેલા શિપમેન્ટનો પણ સમાવેશ થાય છે. યુક્રેન રશિયન સેના પર હુમલો કરવા માટે ઉત્તર કોરિયાના રોકેટનો ઉપયોગ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પર કિમ જોંગ ઉન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ઉત્તર કોરિયા કાયમ માટે ચીન અને રશિયાની નજીક રહ્યું છે. આ હકીકતને અમેરિકા સરળતાથી નજરઅંદાજ કરી શકે તેમ નથી.

ઉત્તર કોરિયા નાનકડો દેશ છે, પણ તેના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખીને અમેરિકા જેવી મહાસત્તાને જેવી રીતે પડકારી રહ્યા છે, તે નોંધપાત્ર છે. ઉત્તર કોરિયામાં મીડિયા ઉપર એવી સખત સેન્સરશિપ છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, તેની દુનિયામાં જાણ થતી નથી. બહારના કોઈ નાગરિક ઉત્તર કોરિયામાં જઈ શકતા નથી અને ઉત્તર કોરિયાના નાગરિકો બહાર જઈ શકતા નથી. આજના કાળમાં ઉત્તર કોરિયા એક અજાયબી જેવો દેશ છે.

Most Popular

To Top