Trending

કોરોના વેક્સિન! મુકાવ્યા પછી કેટલી જરૂર ગભરાવાની?

આપણને આ વેક્સિન મુકાવવી કે નહીં એવો ગભરાટ કેમ થાય? કેમકે આપણને ડર છે કે એની સાઇડ ઇફેક્ટ (SIDE EFFECT)થી અણધાર્યું કશું તો નહીં થાય ને? રાઇટ? બધી જ વેક્સિન પોતપોતાની જગ્યાએ બરાબર અને શ્રેષ્ઠ છે. એસ્ટ્રાઝેનેકાની રસીમાં રોગપ્રતિકારશક્તિ ધીમેથી વિકસે છે, આપવામાં સરળતા છે, કિફાયતી છે અને વિશ્વાસપાત્ર ટેક્નિકથી બનાવાયેલ છે. તો મોડર્ના અને ફાઇઝર (PFIZER)માં રોગપ્રતિકારશક્તિ થોડી ઝડપી વિકસે છે, આપવામાં ઘણી તકલીફો છે (માઇનસ 70 ડિગ્રી તાપમાન જાળવવાને લીધે), મોંઘી છે અને નવી પધ્ધતિથી બનાવાયેલ છે.

આપણી પાસે વિકલ્પ નથી બાકી સરકારે ભવિષ્યમાં 65થી નીચેનાને એસ્ટ્રાઝેનેકાની અને 65થી ઉપરનાને મોડર્ના/ફાઇઝર આપવી જોઈએ. (Efficacy) એ ખૂબ જ ઊંડો મુદ્દો છે પણ ટૂંકમાં જોઈએ તો એફિકસીને માપવાની રીત કાયમ સરખી નથી હોતી, મુખ્યત્વે એ જોવાય છે કે રસીકરણ કરેલ વ્યક્તિ બીમાર પડી? શું એ એટલી બીમાર પડી કે હોસ્પિટલમાં દાખલ કરવી પડી? શું તેઓએ સારા પ્રમાણમાં એન્ટિબોડી બનાવ્યા? વગેરે વગેરે… જેમ કે 5807 દર્દીઓમાં રસીકરણ બાદ 30ને કોરોના થયો અને રસી વિના 5829માંથી 101ને કોરોના થયો.

વેક્સિનને જેટલી બદનામ કરીને વાતો કરીએ છીએ એવી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. મહામારીના કારણોસર અધિકૃત વિસ્તૃત ડેટા વિના આ મંજૂર થઈ છે. સૌથી મોટી દલીલ છે કે આખા ભારતમાં ફક્ત 0.84% લોકોને કોરોના થયો. જેમાંથી 0.012% એટલે કે દસ હજારે લગભગ 1 વ્યક્તિ મૃત્યુ (DEATH) પામી. આંકડાઓને જોવાનો જો નજરિયો બદલી નાખીએ આપણે તો જો હાલ તમે આ વાંચો છો એટલે કે તમે જીવિત છો તો તમે દેશના 124,98,48,000 નસીબદાર વ્યક્તિમાં સામેલ છો જેને કોરોના સ્પર્શી શક્યો નથી કે સ્પર્શી ગયો પણ મોતને ઘાટ ઉતારી નથી શક્યો. હવે આ જ આંકડાને તમે એમ વાંચો કે 1,52,000 લોકો મૃત્યુ પામ્યા તો ચક્કર આવે, નહીં? બસ, આવા જ કંઇક આંકડાઓની રમત વેક્સિન પાછળ પણ ચાલી રહી છે.

ન્યૂરોલોજિકલી લોકોને ટ્રાન્સવર્ઝ માયલાયટીશ, ગુલિઅન બારે સિન્ડ્રોમ, ફેસિયલ પાલ્સી વિશે શંકા છે તો આવી કોઈ જ ગંભીર આડઅસર આ વેક્સિન (VACCINE)ની નથી. આવી આડઅસર ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્યારેક ભાગ્યે જ થઈ શકે. એમ તો વાહન ચલાવો તો એની ગંભીર સાઇડ ઇફેક્ટ અકસ્માત છે અને દર ત્રીજી સેકન્ડે એક વ્યક્તિ મૃત્યુ પામે છે. શું તમે વાહન ચલાવવાનું બંધ કરી દીધું? વર્ગમાં સો બાળકો હોય, શિક્ષક સૌને સરખું ભણાવે છતાં કોઇ નાપાસ થાય. રાઇટ? બસ એમ જ વેક્સિન તો એક જ રહેવાની પરંતુ એમાં દરેક વ્યક્તિની ઓવરઓલ રોગપ્રતિકારકશક્તિ અલગ અલગ હોવાથી કોઈ વ્યક્તિને જવલ્લે જ એની આડઅસર થઈ શકે. એનો મતલબ એ નથી કે નહીં લેવી.

દરેક રસી લઈએ એમ આ રસી લીધા બાદ પણ સામાન્ય તકલીફો થોડા દિવસ રહેવાની જેને આડઅસર ના ગણાય. ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરથી કોવિડ-૧૯ (COVID-19)થતાં સ્થિતિ ગંભીર બનતી હોય છે એથી ઊલટું જો તમે રસી લીધી હોય અને તમને ઇન્ફેક્શન પણ લાગે તો એ ગંભીર નહીં બને. રસી તમારું રોગનું જોખમ ઘટાડે છે. સ્વાસ્થ્ય અનુરૂપ આ વાત છે એથી વૈશ્વિક રાજનીતિને બાદ કરી વિશ્લેષણ અને સ્વનિર્ણય યોગ્ય રહે. રસી મુકાવવી જ જોઈએ અને ગભરાવાની જરૂર બિલકુલ નથી. સામાન્ય આડઅસરોને જરૂર કરતાં વધુ મોટી ના બનાવીએ અને આપણે નકારાત્મક અભિગમની જગ્યાએ હકારાત્મક વધુ રહીએ એ મહત્ત્વનું અને હા, રસી મહામારીનું પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top