Charchapatra

શું આધારકાર્ડ જન્મ તારીખનાં પુરાવા તરીકે અમાન્ય?

યુ.પી અને મહારાષ્ટ્ર સરકારે નવો નિર્ણય લીધો કે આધારકાર્ડ હવે જન્મતારીખનું પ્રૂફ નહીં ગણાય. તેનું કારણ એ બતાવવામાં આવ્યું કે આધારકાર્ડમાં જન્મતારીખ તો હોય છે પરંતુ જન્મ પ્રમાણપત્ર લિંક હોતું નથી. આધારકાર્ડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. તો કેન્દ્ર સરકારે આ વિશે વિચારવાનું હોય. વળી હજુ પણ જન્મના પ્રમાણપત્ર સાથે લિંક કરી શકાય. જે રીતે આધાર કાર્ડ બન્યા છે એ જ પુરાવા સાથે રેશનકાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ બને છે. જાત જાતના કાર્ડ કઢાવવાનો પબ્લિક પાસે સમય હોતો નથી. દેશમાં અડધાથી ઉપર લોકો ભાડાના મકાનમાં રહેતા હોય છે અને વર્ષે બે વરસે મકાન ખાલી કરી દેતા હોય છે.

માલિકીના ફલેટ પણ વેચીને નવા ફલેટમાં જતા રહેતા હોય છે અને જુના સરનામે આધાર કાર્ડ કે અન્ય કાર્ડ ચલાવ્યે રાખતા હોય છે. કેટલાક લોકો તો લાઈટબીલ પણ પોતાના નામે કરાવતા હોતા નથી. તેવા સંજોગોમાં કોઈ પણ કાર્ડ રહેઠાણનો નક્કર પુરાવો બનતો નથી. આટલા બધા કાર્ડ અને વારંવાર તેમાં થતા ફેરફારોથી પ્રજા કંટાળી ગઈ છે. મારૂં મંતવ્ય છે કે ગુજરાત સરકારે જન્મતારીખના પુરાવા માટે આધારકાર્ડ ચાલુ રાખવો જોઈએ.
ગોડાદરા, સુરત- પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top