ગુવાહાટી : આજે અહીં રમાયેલી આઇપીએલ મેચમાં પ્રભસિમરન સિંહની આક્રમક અર્ધસદી અને શિખર ધવનની નોટઆઉટ અર્ધસદીની મદદથી પંજાબ કિંગ્સે 4 વિકેટે 197 રન બનાવીને મૂકેલા 198 રનના લક્ષ્યાંક સામે અંતિમ ઓવરોમાં ઇમ્પેક્ટ પ્લેયર ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરે ફટકાબાજી કરીને રાજસ્થાન માટે જીતની આશા જન્માવી હતી, પણ અંતે તેઓ વિજયથી 6 રન છેટા રહ્યા હતા.
- પ્રભસિમરન સિંહ અને શિખર ધવનની આક્રમક અર્ધસદીઓની મદદથી પંજાબ કિંગ્સે 4 વિકેટે 197 રન બનાવ્યા
- ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરે અંતિમ ઓવરોમાં ફટાફટી કરીને રાજસ્થાનને જીતની નજીક લાવી દીધું પણ તેઓ 6 રન ટુંકા પડ્યા
લક્ષ્યાંક કબજે કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને ગત મેચના હીરો યશસ્વી જયસ્વાલ તેમજ જોશ બટલર સહિતની ત્રણ વિકેટ પાવરપ્લેમાં 57 રનના સ્કોર સુધીમાં ગુમાવી દીધી હતી. સંજૂ સેમસને થોડો પ્રયાસ કર્યો હતો પણ નાથન એલિસે તેને સ્લો બોલના છટકામાં સપડાવ્યો હતો. 15 ઓવર સુધીમાં રાજસ્થાને 124 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરે મળીને 4 ઓવરમાં જ 58 રનની ભાગીદારી કરીને આશા જન્માવી હતી. જો કે અંતિમ ઓવરમાં હેટમાયર રનઆઉટ થતાં રાજસ્થાન વિજયથી થોડું છેટું રહી ગયું હતું.
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી બેટ્સમેનોને મદદરૂપ વિકેટ પર પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પ્રભસિમરન અને શિખરે જોરદાર શરૂઆત અપાવી હતી. પ્રભસિમરન 34 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 60 રન કરીને આઉટ થયો ત્યારે બોર્ડ પર સ્કોર 90 રન હતો. તે પછી ધવનનો શોટ ભાનુકા રાજપક્ષેના બાવડા પર વાગતા તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના સ્થાને બેટીંગમાં આવેલા જીતેશ શર્મા સાથે ધવને અર્ધસદીની ભાગીદારી કરી હતી. જીતેશ 27 રન કરીને આઉટ થયો હતો. શિખર 86 રને નોટઆઉટ રહ્યો હતો.