Sports

ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નાઇ સુપર કિંગ્સ બન્યું પાંચમીવાર આઇપીએલ ચેમ્પિયન

રવિવારે વરસાદને કારણે આજના રિઝર્વ ડે પર ઠેલાયેલી આઇપીએલની ફાઇનલમાં આજે સોમવારે સાઇ સુદર્શનની 47 બોલમાં 96 રનની ઇનિંગ ઉપરાંત ઓપનર રિદ્ધિમાન સાહા સાથેની તેની 64 અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથેની 81 રનની ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટન્સે 4 વિકેટે 214 રનનો સ્કોર બનાવ્યા પછી વરસાદી વિઘ્ન આવતા રાત્રે 12.10 વાગ્યે ડીએલએસ હેઠળ 15 ઓવરમાં મળેલા 171 રનના લક્ષ્યાંકને ચેન્નાઇ સુપર કિંગ્સે અંતિમ ઓવરના છેલ્લા બોલે કબજે કરીને પાંચમુ ટાઇટલ જીત્યું હતું.


લક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી સીએસકેને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની જોડી મજબૂત શરૂઆત અપાવ્યા પછી બંને એક જ ઓવરમાં આઉટ થયા હતા. અજિંક્ય રહાણે પણ 13 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો. જો કે શિવમ દુબે અને અંબાતી રાયડુએ 5 બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગા સાથે 28 રન કરીને બાજી પલટી હતી. તે પછી મોહિતે રાયડુ અને ધોનીને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.

અંતિમ ઓવરમાં કરવાના આવેલા 14 રનને જાડેજાએ છેલ્લા બે બોલમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને સીએસકેને 5 વિકેટે જીતાડ્યું હતું. આ પહેલા સીએસકેએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને સુદર્શનની 96 રનની ઇનિંગ ઉપરાંત સાહાની 54 રનની ઇનિંગ ઉપરાંત બંને વચ્ચે 64 રન અને સુદર્શન તેમજ હાર્દિક પંડ્યા વચ્ચે 33 બોલમાં 81 રનની ભાગીદારીથી 4 વિકેટે 214 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

Most Popular

To Top