નવી દિલ્હી: બેંગલુરૂમાં આગામી 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ યોજાનારા આઇપીએલ 2022 માટેના મેગા ઓક્શન (Mega Auction) માટે કુલ 590 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આમ તો જો કે આ વખતના મેગા ઓક્શન માટે 1214 ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું હતું, જેને શોર્ટ લિસ્ટ કરીને 590 કરવામાં આવ્યા છે. શોર્ટ લિસ્ટ (Short List) કરાયેલા ખેલાડીઓમાંથી (Players) 370 ભારતીય અને 220 વિદેશી છે. હરાજી માટે જે 590 ખેલાડીઓ નોંધાયા છે, તેમાંથી 228 કેપ્ડ જ્યારે 355 અનકેપ્ડ ખેલાડી છે અને તેની સાથે 7 એસોસિએટ નેશન્સના છે. ભારતના સીનિયર ક્રિકેટર્સ મહંમદ શમી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા અને અજિંકેય રહાણે રૂ. બે કરોડની બેઝ પ્રાઇસ સાથે તેમાં સામેલ છે. બે કરોડની બેઝ પ્રાઇસમાં કુલ મળીને 48 ખેલાડીઓ સામેલ છે. આ ઉપરાંત 20 ખેલાડી દોઢ કરોડની બેઝ પ્રાઇસવાળા તો 34 ખેલાડીની બેઝ પ્રાઇસ 1 કરોડની છે. આ સિવાય અંડર-19 વર્લ્ડકપમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ પણ તેમાં સામેલ છે. મધ્યમ જડપી બોલર રાજવર્ધન હેંગરગકરની બેઝ પ્રાઇસ રૂ. 30 લાખ છે જ્યારે અન્યોની રૂ. 20 લાખ નક્કી કરાઇ છે.
ધવન, અશ્વિન, શમી અને ઐય્યર તેમજ છ વિદેશી ખેલાડી 10 મર્કી પ્લેયરમાં સામેલ
આઇપીએલના મેગા ઓક્શન માટે શોર્ટ લિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી 10 ખેલાડીઓને માર્કી પ્લેયર તરીકે શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં ભારતના ચાર ખેલાડીઓ ઓપનર શિખર ધવન, મહંમદ શમી, શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિન તેમજ 6 વિદેશી ખેલાડીઓ ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા), ક્વિન્ટન ડિ કોક, (દક્ષિણ આફ્રિકા) ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા), કગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) અને ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ)નો સમાવેશ કરાયો છે. આ તમામની બેઝ પ્રાઇસ રૂ. 2 કરોડ છે.
મેગા ઓક્શનમાં સામેલ યુવા ખેલાડી માટે ફ્રેન્ચાઇઝી વચ્ચે પ્રાઇસ વોર જામી શકે
આઇપીએલ 2022 માટે યોજાનારા મેગા ઓક્શનમાં સામેલ કેટલાક યુવા ભારતીય ખેલાડીઓ અગાઉ આઇપીએલમાં ધમાલ મચાવી ચુક્યા છે. આ ખેલાડીઓમાં ઇશાન કિશન, દેવદત્ત પડ્ડીકલ, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, હર્ષલ પટેલ, યજુવેન્દ્ર ચહલ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે અને તેમાંથી લગભગ મોટાભાગના ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીમાં પ્રાઇસ વોર જામે તેવી સંભાવના છે.
ટોપ બ્રેકેટમાં સામેલ કેટલાક વિદેશી ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓની નજર
બે કરોડના ટોપ બ્રેકેટમાં સામેલ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ, બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન, દક્ષિણ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ વોર્નર, ક્વિન્ટન ડિ કોક, જોની બેયરસ્ટો, જેસન હોલ્ડર, વનિન્દુ હસરંગા ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, મિચેલ માર્શ, કગિસો રબાડા, સ્ટીવ સ્મિથ વગેરે પર તમામ ફ્રેન્ચાઇઝીની નજર રહેશે અને તેમાંથી કેટલાક માટે મોટી ખેંચતાણ થવાની સંભાવના છે. પંજાબ કિંગ્સ આમાંથી કેટલાકને ઉંચકવા માટે તૈયાર છે.
સૌથી વધુ પર્સ ધરાવનાર પંજાબ કિંગ્સ પાસે સર્વાધિક 23 ખેલાડીઓ માટેની જગ્યા ખાલી
આઇપીએલ 2022 માટે દરેક ફ્રેન્ચાઇઝીના પર્સ પર નજર નાંખવામાં આવે તો તેમાં સૌથી વધુ રૂ. 72 કરોડ પંજાબ કિંગ્સની પાસે છે, જો કે તેની પાસે ટીમમાં સમાવવા માટે સર્વાધિક 23 સ્લોટ ખાલી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 21 ખાલી જગ્યા છે. દિલ્હી કેપિટલ્સની પાસે પર્સમાં સૌથી ઓછી રૂ. 47.5 કરોડની રકમ બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે રૂ. 68 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે રૂ. 62 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂ. 57 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે રૂ. 48-48 કરોડ પર્સ છે. આ ઉપરાંત નવી બે ટીમોમાં લખનઉ પાસે રૂ. 60 કરોડ અને અમદાવાદ પાસે રૂ. 53 કરોડનું પર્સ બાકી છે.
હરાજીમાં સામેલ વિદેશીઓમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના 47 ખેલાડીઓ
આપીએલના મેગા ઓક્શનમાં સામેલ 220 વિદેશી ખેલાડીઓને ધ્યાને લેવામાં આવે તો સૌથી વધુ 47 ખેલાડી ઓસ્ટ્રેલિયાના છે. તે પછી વેસ્ટઇન્ડિઝના 34, દક્ષિણ આફ્રિકાના 33, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડના 24-24, શ્રીલંકાના 23, અફઘાનિસ્તાનના 17, તેમજ બાંગ્લાદેશ અને આયરલેન્ડના 5-5 ખેલાડી સામેલ છે. આ ઉપરાંત નામિબિયાના 3, સ્કોટલેન્ડના 2 અને ઝિમ્બાબ્વે, નેપાળ અને અમેરિકાના એક-એક ખેલાડી તેમાં સામેલ છે.
શ્રીસંતને ફરી બીસીસીઆઇનો ‘ડીંગો’, આઇપીએલ મેગા ઓક્શનમાં સામેલ ન કર્યો
નવી દિલ્હી, તા. 01 : ભારતીય ઝડપી બોલર એસ શ્રીસંતનું આઇપીએલ રમવાનું સ્વપ્ન ફરી તૂટી ગયું છે અને ફરી એકવાર બીસીસીઆઇએ તેને ડિંગો બતાવ્યો છે. આઇપીએલ રમવા માટે પોતાનું નામ મેગા ઓક્શન માટે આપનાર શ્રીસંતનું નામ બીસીસીઆઇ દ્વારા શોર્ટ લિસ્ટ કરાયેલા 590 ખેલાડીઓમાં સામેલ નહોતું. 2021માં રૂ. 75 લાખની બેઝ પ્રાઇસ સામે નામ આપનારા શ્રીસંતે આ વખતે પોતાની બેઝ પ્રાઇસ ઘટાડીને રૂ. 50 લાખ કરી હતી, છતાં બીસીસીઆઇએ તેને સામેલ કર્યો નથી.
ઇમરાન તાહિર સૌથી વધુ વયનો જ્યારે નૂર અહમદ સૌથી નાની વયનો ખેલાડી
આઇપીએલ 2022ના મેગા ઓક્શન માટે શોર્ટ લિસ્ટ કરાયેલા 590 ખેલાડીઓની યાદી પર ધ્યાન આપવામાં આવે તો તેમાં દક્ષિણ આફ્રિકન 42 વર્ષિય સ્પીનર ઇમરાન તાહિર સૌથી વધુ વય ધરાવતો ખેલાડી છે, જ્યારે અફઘાનિસ્તાનનો માત્ર 17 જ વર્ષનો નૂર અહમદ સૌથી નાની વયનો ખેલાડી છે.
‘બેબી એબી’ ડેવાલ્ડ બ્રેવિસ પણ આઇપીએલ મેગા ઓક્શનમાં સામેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મેગા ઓક્શનમાં અંડર-19 વર્લ્ડકપમાં રમી રહેલા ઘણાં ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ આફ્રિકાનો યુવા ખેલાડી અને ‘બેબી એબી’ના નામથી જાણીતો ડેવાલ્ડ બ્રેવિસનો પણ સમાવેશ કરાયો છે. બ્રેવિસની જે બેટિંગ સ્ટાઇલ છે તે દિગ્ગજ એબી ડિ વિલિયર્સ જેવી છે અને તેના કારણે તેને ‘બેબી એબી’ તરીકે ઓળખવામાં આવે છે.