IPL-2022ની શરૂઆત પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપનો તાજ પહેરાવ્યો ત્યારે બધાને નવાઈ લાગી હતી કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં હોય તો જાડેજાને કેપ્ટન બનાવવાની શું જરૂર છે? આ પ્રશ્ન દરેકના મનમાં હતો. તે પછી આઇપીએલની શરૂઆતની થોડી મેચો પછી સવાલ એ ઊભો થયો કે શું જાડેજા માત્ર નામનો કેપ્ટન છે? શું તે માત્ર ટોસ ઉછાળવા અને પ્રેસના જવાબ આપવા પુરતો જ કેપ્ટન છે?. CSKની ટીમ સતત 4 મેચ હાર્યા બાદ 4 વખતની આ ચેમ્પિયન ટીમની ટીકા શરૂ થઈ હતી.
થોડી વધુ મેચો હાર્યા બાદ જાડેજાએ અરાજકતાના વાતાવરણમાં કેપ્ચનશિપનો તાજ ધોનીને પરત કર્યો હતો. જાડેજા આઉટ ઓફ ફોર્મ હતો ત્યાં સુધી વાત બરાબર પણ ફિલ્ડીંગમાં પણ તેણે કેચ છોડ્યા એ વાત હજમ થતી નથી. તે પછી જાડેજા ઘાયલ હોવાનું કારણ આગળ ધરીને તેને એક મેચમાંથી બહાર બેસાડાયો અને તે પછી ઈજાના કારણે તે આઇપીએલમાંથી જ આઉટ થઇ ગયો. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ચેન્નાઇ સુપર કિંગ્સે જાડેજાને અનફોલો કરી દેવાની એક ઘટના બની હતી અને તેના કારણે મીડિયામાં અહેવાલો આવ્યા કે જાડેજા અને સીએસકેના સંબંધોમાં કોઇ ભલીવાર રહી નથી.
સમગ્ર માહોલને જોતા એવું નથી લાગતું કે IPLમાં આવું પહેલીવાર બન્યું છે. જોકે, ખેલાડીઓને પરિવારની જેમ રાખવા અને ઉત્તમ સારવાર માટે પ્રખ્યાત ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં આવું પહેલીવાર બન્યું છે. જાડેજાની હકાલપટ્ટી પાછળ ઈજા કારણભૂત હોઈ શકે છે, પરંતુ ટીમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પરથી તેના ભૂતપૂર્વ કેપ્ટનને અનફોલો કરવું એ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ટીમે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે જાડેજાને પાંસળીમાં ઈજા છે. જેના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
મુંબઈ સામેની મેચ દરમિયાન જ્યારે કેપ્ટન એમએસ ધોનીને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જાડેજાની જગ્યા ભરવી મુશ્કેલ છે. તે ટીમને માત્ર બોલિંગ અને બેટિંગમાં જ સારો વિકલ્પ નથી આપતો, પરંતુ ફિલ્ડિંગમાં પણ તેના જેવું કોઇ નથી. જો કે તે પછી જાડેજા આઇપીએલમાંથી આર્ઉટ થઇ ગયો હોવાના અહેવાલો સામે આવ્યા. હજુ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ કે રવિન્દ્ર જાડેજા તરફથી આ મામલે કોઇ નિવેદન થયા નથી તેથી એવું માનવામાં આવે છે કે જાડેજા ખરેખર ઘાયલ થયો હશે. જો કે જાડેજા જો ખરેખર ઘાયલ હોય તો તે આઇપીએલમાંથી સીધો બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં રિહેબિલિટેશન માટે જવો જોઇએ પણ એવું થયું નથી, તેથી એવું લાગે છે વાત કંઇ બીજી જ હોવી જોઇએ.
જો આ પહેલાની આઇપીએલની સિઝનને યાદ કરવામાં આવે તો તે સમયે ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આ રીતે જ હડધૂત કરવાંમાં આવ્યો હતો. એક મેચમાં વોર્નરને 12મો ખેલાડી બનાવાતા તે પાણી લઇને મેદાનમાં દોડતો જોવા મળ્યો હતો. જો કે સીએસકેએ જાડેજા સાથે એ હદનું વર્તન નથી કર્યું.
જાડેજાના બહાર જવા પાછળ ઈજાનો મામલો છે, પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ઘણો અપમાનિત કર્યો હતો. વોર્નરને કેપ્ટનપદેથી હટાવીને તેના સ્થાને કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવાયો તે પછી વોર્નર માત્ર પ્લેઈંગ ઈલેવનમાંથી જ બહાર નહોતો રખાયો પરંતુ યુએઇમાં રમાયેલા તબક્કામાં છેલ્લી કેટલીક મેચોમાં તેને સ્ટેડિયમમાં સાથે લઇ જવા સુદ્ધામાં આવ્યો નહોતો અને તેના પરિણામે તેણે હોટલમાં જ બેસી રહેવું પડતું હતું.
હૈદરાબાદના ચાહકો પણ તેને કારણે નારાજ હતા. દરેક વ્યક્તિ એ જાણવા માંગતો હતો કે ટીમને IPL ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સાથે કોઈ ટીમ આ પ્રકારનું વર્તન કેવી રીતે કરી શકે છે. માત્ર વોર્નર જ નહીં પણ ગૌતમ ગંભીર સાથે પણ આવું જ થયું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે તેની છેલ્લી આઈપીએલ મેચ દિલ્હી કેપિટલ્સ તરફથી રમી હતી. તે 2018 માં ખૂબ જ ઉત્સાહ સાથે ફ્રેન્ચાઇઝીમાં જોડાયો. કોલકાતાએ તેને 2017 પછી રિટેન કર્યો નહોતો અને તે સમયે હરાજી દરમિયાન પણ અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ તેના માટે રસ દાખવ્યો ન હતો કારણ કે તે પોતે દિલ્હી તરફથી રમવા માંગતો હતો. જોકે, તે દિલ્હી કેપિટલ્સની ટીમ માટે માત્ર 6 મેચ રમ્યો હતો. જ્યારે ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પ્રમાણે નહોતું રહ્યું ત્યારે તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે પછી યુવાન મુંબઈકર શ્રેયસ અય્યરે બાકીની મેચો માટે ચાર્જ સંભાળ્યો અને ગંભીર દૃશ્યમાંથી બહાર નીકળી ગયો.