લંડન : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનની 29 મેચ રમાયા પછી કોરોનાની બાયો બબલ (CORONA IN BIO BUBBLE)માં એન્ટ્રી થતાં આઇપીએલને અધવચ્ચે સ્થગિત કરાયા પછી તેનું આયોજન યૂએઇ (UAE)માં થવાની સંભાવના વ્યક્ત થઇ રહી હતી પણ હવે એવા અહેવાલો મળ્યા છે કે આઇપીએલની 14મી સિઝનની બાકીની મેચ ઇંગ્લેન્ડ (ENGLAND)માં રમાવાની સંભાવના છે. ઇંગ્લીશ કાઉન્ટીની ચાર મુખ્ય ટીમ મિડલસેક્સ, સરે, વોરવિકશર અને લેન્કેશરે આઇપીએલની બાકી રહેલી 31 મેચની યજમાની કરવાની ઇચ્છા દર્શાવી છે.
બીસીસીઆઇ (BCCI) સપ્ટેમ્બરમાં ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પછી આઇપીએલની બાકી બચેલી મેચનું આયોજન કરવાની સંભાવના તપાસી રહી છે. આવા સમયે એક સ્પોર્ટસ વેબસાઇટના અહેવાલ અનુસાર લોર્ડસ, ઓવલ, એજબેસ્ટન અને ઓલ્ડ ટ્રેફર્ડે ઇસીબીને પત્ર લખીને આઇપીએલની બાકી બચેલી મેચ (LEFT MATCHES)નું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર સપ્ટેમ્બરના બીજા હાફમાં બે અઠવાડિયામાં આ ટૂર્નામેન્ટ પુરી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. એવું માનવામાં આવે છે કે આઇસીસીના મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં બીસીસીઆઇ અને ઇસીબીના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરી શકે છે.
એ ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ રમશે. એવી આશા રાખવામાં આવે છે કે તે પછી આઇસીસી વર્લ્ડકપ પહેલા આઇપીએલની મેચ રમાડવાનો સમય મળી જશે. જો કે આઇપીએલની બાકીની મેચ રમાડવા માટે સૌથી આગળ યુએઇનું નામ આવે છે. કારણકે ગત વર્ષે ત્યાં આઇપીએલ સુપેરે પાર પાડવામાં આવી હતી.