ફેબ્રુઆરીમાં વિવિધ હિલચાલ છતાં બે ઉત્તમ રોકાણ વિકલ્પોમાં સમાન વલણ જોવા મળ્યું. ગયા મહિને રોકાણકારોએ ગોલ્ડ ETF અને SIPમાંથી પૈસા ઉપાડી લીધા છે, જ્યારે સોનાના ભાવ વધી રહ્યા છે અને ઇક્વિટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
હકીકતમાં છેલ્લા કેટલાક મહિનામાં શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડા અને ફુગાવાની અસરથી સામાન્ય માણસના ખિસ્સા પર ઊંડી અસર પડી છે. એક તરફ શેરબજારમાં આવેલા ઉતાર-ચઢાવથી રોકાણકારો પરેશાન થયા છે તો બીજી તરફ સોનાના ભાવમાં રેકોર્ડ વધારા છતાં ગોલ્ડ ETFમાં રોકાણ ઘટ્યું છે.
SIP કેન્સલેશન રેશિયોમાં ભારે વધારો
આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો પોતાના પૈસાના રોકાણ અંગે મૂંઝવણ અનુભવી રહ્યાં. રોકાણકારો સમજી શકતા નથી કે તેમણે આગળ શું કરવું જોઈએ? ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં ગોલ્ડ ETFમાં રોકાણ 47 ટકા ઘટીને રૂ. 1,979 કરોડ થયું. તેવી જ રીતે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP કેન્સલેશન રેશિયોમાં પણ મોટો વધારો થયો છે અને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી રહ્યા છે.
જો આપણે સોનાની વાત કરીએ તો તાજેતરમાં સોનાના ભાવ તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. 10 ગ્રામ સોનાનો ભાવ 86, 875 રૂપિયા પર પહોંચી ગયો. આમ છતાં ફેબ્રુઆરીમાં ગોલ્ડ ETFમાં રોકાણ જાન્યુઆરીમાં 3751 કરોડથી ઘટીને 1979 કરોડ થયું.
જેના કારણે ગોલ્ડ ETFનું AUM માત્ર 7 ટકા વધીને 55 હજાર 677 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નિષ્ણાતો કહે છે કે આવું એટલા માટે થયું કારણ કે રોકાણકારોએ સોનાના ઊંચા ભાવનો લાભ લીધો અને નફો કર્યો અને તેમના પૈસા પાછા ખેંચી લીધા.
નિફ્ટી-સેન્સેક્સમાં 14 ટકા સુધીનો ઘટાડો
બીજી તરફ શેરબજારમાં સતત ઘટાડાની SIP પર પણ અસર પડી છે અને SIP રદ કરવાનો ગુણોત્તર વધ્યો છે, એટલે કે લોકો તેમના મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીમાં 13 થી 14 ટકાના ઘટાડા પછી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીમાં 81,903 કરોડ રૂપિયા અને ફેબ્રુઆરીમાં 30,588 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
શું કહે છે નિષ્ણાતો?
બજારના નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો નબળી કોર્પોરેટ કમાણી અને ઊંચા મૂલ્યાંકનને કારણે થયો છે. આવી સ્થિતિમાં રોકાણકારો સમક્ષ પ્રશ્ન એ છે કે હવે શું કરવું? નિષ્ણાતો સલાહ આપે છે કે જો બજાર ઘટે તો ગભરાશો નહીં અને SIP બંધ કરવાને બદલે તેને ચાલુ રાખો કારણ કે તે લાંબા ગાળે લાભ આપી શકે છે. અસ્થિર શેરબજારમાં સોના અને ચાંદીમાં રોકાણ કરવું પણ એક સારો વિકલ્પ બની શકે છે. દરમિયાન ચાંદીના ETF પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે કારણ કે તેના ભાવ પણ વધી રહ્યા છે.
એવો અંદાજ છે કે જ્યાં સુધી કોર્પોરેટ ઈન્કમ અને અર્થતંત્રનો વિકાસ નહીં થાય ત્યાં સુધી શેરબજારની પરિસ્થિતિમાં સુધારો થશે નહીં. વર્તમાન પરિસ્થિતિમાં રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મોટા અને વિશ્વસનીય શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે અને ઉતાવળમાં નિર્ણયો ન લે.
