કાલોલ: ડેરોલ સ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક પર થતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ અને પાછલા અનેક વર્ષોની રજૂઆતને પગલે વર્ષ ૨૦૧૪માં રેલવે અને રાજ્ય સરકારના સંયોજનથી રેલવે ઓવરબ્રિજ મંજૂર થયો હતો જેનું વર્ષ ૨૦૧૫માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જોરશોર અને ધામધૂમથી જાહેર કાર્યક્રમ યોજીને વિકાસના કામોના ઢોલ પીટીને ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બે વર્ષની ડેડલાઈન સાથે ઓગસ્ટ ૨૦૧૭માં લોકાર્પણ પણ કરવાની જાહેરાત કરી હતી.
ખાતમુહૂર્તના છ વર્ષ અને અધુરી કામગીરી ચાર વર્ષ વીતી જવા છતાં હજુ સુધી તંત્રએ આ ગુંચવણ ઉકેલી શકી નથી અને ઓવરબ્રીજ બનાવવાની યોજના અદ્ધરતાલ લટકી રહી છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય ફાટક બંધ રહેતા આ ફાટકને અસર કરતા અનેક ગામોના વાહનચાલકો અને સ્થાનિક લોકોની હાડમારીઓ રોજ વકરતી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખોરંભે ચઢેલા ઓવરબ્રીજને કારણે હાડમારીઓનો સામનો કરતા ડેરોલસ્ટેશન પંચાયતના સરપંચ, વિદ્યાર્થીઓ અને લોકોએ બે વર્ષે અગાઊ ધરણાં ધરતાં તત્કાલીન સમયે વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેના અધિકારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે ફાટક પાસે તાત્કાલિક અસરથી રેલવે અંડરગ્રાઉન્ડ ગરનાળું બનાવવાની જાહેરાત કરી હૈયાધારણા આપી હતી પરંતુ કામ બંધ જોવા મળે છે.
ત્યારે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા માર્ગ-મકાન વિભાગના નવનિયુક્ત મંત્રી પૂર્ણેશ મોદીને રૂબરૂ મળી ડેરોલ સ્ટેશન અને ખરસાલીયા ઓવરબ્રિજની બંધ કામગીરી શરૂ કરાવવા માટે લેખિત રજૂઆત કરી છે આ ઉપરાંત કાલોલ વિધાનસભા મતવિસ્તારના સમા જંત્રાલ અને કાલોલ સાવલી રસ્તા ના વાઇડનીંગ ના કામો કરવા બાબત ની રજુઆત કરતા કાલોલ તાલુકાની જનતા નવી સરકાર ના મંત્રી ઉપર આશાના કિરણો રાખી રહી છે.