અમદાવાદ, તા. 9
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં ડ્રેનેજ મેઈ લાઈનનું ઢાંકણું ચાર વર્ષના બાળક ઉપર પડતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના સરસપુર-રખિયાલ બોર્ડમાં સંજયનગરના છાપરા પાસે ડ્રેનેજ લાઈનનું કામકાજ મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ડ્રેનેજ પાઇપલાઇનનું સિમેન્ટનું મોટું ઢાંકણું ત્યાં મૂકવામાં આવ્યું હતું.
દરમ્યાનમાં આજે સવારે 8.30 વાગે ચાર વર્ષનો રેહાન યુનુસખાન રમતા રમતા ઢાંકણા પાસે પહોંચી જતા ઢાંકણું અચાનક રેહાન ઉપર પડ્યું હતું. જેને કારણે બાળકના માથા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાથી સ્થાનિકોમાં મનપા તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. મનપાની આ બેદારકારીભરી કામગીરી બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા સ્થાનિકોએ માંગણી કરી છે.