SURAT

સુરતમાં કરોડપતિ ભાઈઓ વચ્ચે ચાલતા મિલકતના ઝઘડામાં માફિયાની એન્ટ્રી, જેલમાં હુમલો, ફોન પર ધમકી

સુરત: સુરતના ચાર ભાઈઓ વચ્ચે મિલકતનો ઝઘડો લોહિયાળ બન્યો છે. રૂપિયા 800થી 1000 કરોડની મિલકતમાં ભાગ અંગેના ઝઘડામાં સૌથી મોટા ભાઈએ અન્ય ત્રણ ભાઈઓ તથા ભત્રીજાઓને જેલભેગા કર્યા બાદ ગુંડાઓ મારફતે ધમકી અપાવી હોવાની ફરિયાદ પરિવારની જ એક પરિણીતાએ કરી છે. જેઠ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં પરિણીતાએ તેના પતિ તથા તેના બે ભાઈ અને ભત્રીજાઓ સહિત આખાય પરિવારને મોટા જેઠ તરફથી જાનનો ખતરો હોવાની ચિંતા વ્યક્ત કરી છે.

અઠવાલાઈન્સના આરોગ્ય નગરના વાત્સલ્ય એપાર્ટમેન્ટમાં રહેતા નીતાબેન વિનયકુમાર પટેલે ઘનશ્યામ દેસાઈ ઉર્ફે મહાકાલ તેમજ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઓનલાઈન કરેલી કમ્પલેઈનને ડીસીબી પોલીસ નોંધી છે. ફરિયાદી નીતાબેને પોતાના મોટા જેઠ બાબુભાઈ ઉર્ફે બી.એમ. રંઘોળા ઉર્ફે બી.એમ. શેઠ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે કે તેઓ પરિવારની 1000 કરોડની મિલકતમાં અન્ય ત્રણ ભાઈઓ તથા તેમના પરિવારને ભાગ આપવા માગતા નથી તેથી લાંબા સમયથી પરિવારમાં તકરાર ચાલી રહી છે.

જેઠ બી.એમ. રંઘોળાએ આરબીટ્રેશનના કેસમાં ફસાવી મારા પતિ સહિત તેમના અન્ય બે ભાઈઓ તથા ત્રણ ભત્રીજા મળી કુલ 6 જણાને જેલમાં મોકલી આપ્યા હતા. મારા પતિ, તેમના ભાઈઓ તથા ભત્રીજા જેલમાં હતાં ત્યારે તા. 7 જાન્યુઆરીના રોજ ઘનશ્યામ દેસાઈ ઉર્ફે મહાકાલ નામના રીઢા ગુનેગારે મારા પતિ પર હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે અત્યારે તો જીવતો છોડું છું પરંતુ બી.એમ. શેઠ ના કહેવા પ્રમાણે મિલકતમાંથી ભાગ નહીં જતો કરે તો જેલમાંથી તમારી લાશ જ બહાર નીકળશે.

તા. 9 જાન્યુઆરીના રોજ પતિને હું જેલમાં મળવા ગઈ ત્યારે મને પતિએ આ અંગે જાણ કરી હતી. બાદમાં મહાકાલ નામના ગુંડાની વડોદરા જેલમાં બદલી થઈ હતી પરંતુ મારા મોટા જેઠ અન્ય કોઈ મહાકાલ જેવા ગુંડાની મદદથી મારા પતિ તથા તેમના ભાઈઓ અને ભત્રીજાઓ પર હુમલો કરે તેવી દહેશત છે. તેથી આ કેસમાં તપાસ કરી મહાકાલ તેમજ તેના સાગરિતો સામે કાર્યવાહી કરવામાં આવે.

અજાણ્યા હિન્દી ભાષીએ ફોન પર ધમકી આપી
નીતાબેને ફરિયાદમાં કહ્યું કે, જેલમાંથી પતિને મળી ઘરે પહોંચી ત્યારે સાંજે કોઈ અજાણ્યાનો ફોન આવ્યો હતો. તે હિન્દીભાષીએ ધમકી આપી હતી કે આપકે જેઠ જૈસે બોલ રહે હૈ ઐસા સમજા દેના અંદર વાલો કો જીસ હિસાબ સે બોલ રહા હૈ કોપરેટ કરો અભી સિર્ફ ટ્રેલર દીખા હૈ જામીન કરા દોગે કોર્ટ સે લેકિન લાશ બહાર આયેગી. બીજી વખત પણ તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે શનિવાર કો દેખ લિયા અંદર કયા હુઆ, દેખો બહનજી આપકો આપકે પરિવાર વાલો કો જીંદા બહાર નીકાલના હૈ તો બી.એમ. શેઠ કહેતે હૈ ઉતના કરો..તુમ ઉનકા હરામકા જાયદાદ પચાકે બૈઠે હૈ વો વાપસ કર દો વરના જીંદા વાપસ આયેંગે નહીં.

મોટા ભાઈએ ત્રણ ભાઈઓની સોપારી આપી
નીતાબેને ફરિયાદમાં મોટા જેઠ વિરુદ્ધ આક્ષેપ કરતા કહ્યું કે મિલકતમાંથી ભાગ જતો કરવાનું લખાણ કરી આપે તે માટે મોટા જેઠે તેમના ભાઈઓ અને ભત્રીજાઓનું ખૂન કરવાની સોપારી આપી છે. ગમે ત્યારે હુમલો થાય તેવો ડર છે.

Most Popular

To Top