Vadodara

તહેવારોનો ત્રિવેણી સંગમ નવરાત્રી, ચેટીચંદ અને ગુડી પડવાની આજે ઉજવણી

વડોદરા: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આજથી નવ દિવસ સુધી માઈ ભક્તો માતાજીની આરાધનામાં લિન બનશે. અને માતાજીની પૂજા અર્ચના કરી શુભ ફળ મેળવવાના પ્રયાસો હાથ ધરશે. આખા વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે જયારે બે નવરાત્રી રૂબરૂમાં ઉજવાય છે. ચૈત્રી નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રી દરમિયાન લોકો માઈ ભક્તિ કરે છે જે પૈકી ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન રૂપી પૂજા અને આસો મહિનાની નવરાત્રીમાં ગરબે ઘુમીને આરાધના કરવામાં આવી છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે ભક્તો પણ પોતાના ઘરે ઘટની સ્થાપના કરી અનુષ્ઠાન શરૂ કરશે.
કેટલાક મંદિરો ખાતે જવારા ઉગાડવામાં આવશે. અને માતાજીની આરાધના કરવામાં આવશે. આ નવરાત્રિથી હિન્દુઓના કે જેઓ ચંદ્ર કેલેન્ડરને આધારિત અનુસરે છે તેઓના નવા વર્ષની શરૂઆત થાય છે. અને તે મુજબ 2085 માં વર્ષની શરૂઆત થશે. ભગવાન રામે ચૈત્ર મહિનામાં માં દુર્ગાની આરાધના કરી હતી. તેથી આ નવરાત્રીનું મહત્વ બેવડાઈ જાય છે. શહેર જિલ્લામાં ભક્તો આજે માઈ ભક્તિમાં લિન બની જશે.

ચેટીચંદની તૈયારીઓ કરાઈ
સિંધીઓના નૂતન વર્ષ ચેટીચંદની પણ આજે ઉજવણી કરવામાં આવશે. ભગવાન ઝુલેલાલના જન્મ દિવસની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવશે. અને ચૈત્ર સુદ બીજથી નૂતન વર્ષનો પ્રારંભ થઇ જશે. વડોદરા ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચંદની ઉજવણીની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દિવસે ભગવાન ઝૂલેલાલની પૂજા અર્ચનાના કાર્યક્રમો યોજવામાં આવશે.

મહારાષ્ટ્રીયન સમાજ ગુડી પડવાની ઉજવણી કરશે
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ચૈત્ર સુદ એકમને ગુડી પાડવા તરીકે ઉજવવામાં આવે છે. તેઓનું નવું વર્ષ આજના દિવસથી શરુ થાય છે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આ દિવસે ગુડી ઊભી કરવામાં આવે છે તેની પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડ, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે નાના રંગીન કપડાંને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે.

Most Popular

To Top