Comments

માળખાકીય સુવિધાઓની અસમાનતાના સંદર્ભે સ્થળાંતરની સમસ્યાનો વિચાર

કોઈ પણ રાષ્ટ્ર પોતાના સર્વ સમાવેશ અને ટકાઉ આર્થિક વિકાસ સામેના પડકારોનો સતત અભ્યાસ કરતું હોય છે. સામાન્ય રીતે અસમાનતા અને સ્રોતની અસામાન ફાળવણી ઝડપી આર્થિક વિકાસમાં અવરોધરૂપ હોય છે. ભારત બહુ ઝડપથી પાંચ લાખ કરોડ ડોલર (ફાઈવ ટ્રીલીયન ડોલર )ના મૂલ્યનું અર્થતંત્ર બનવા આગળ વધી રહ્યો છે પણ સાથે તે ૧૪૫ કરોડથી વધુ જનસંખ્યા સાથે દુનિયાનો અતિ વસ્તી વાળો દેશ બની ગયો છે.ભારતમાં રાષ્ટ્રીય આવક વધવાની સાથે આવકની અસમાનતા પણ વધતી જાય છે અને તે તીવ્ર બની રહી છે. બેરોજગારી આ માટેનું મહત્ત્વનું પરિબળ છે. દુનિયાના સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ પોતાના માનવ સંસાધનનો ઉત્પાદક ઉપયોગ નથી કરી રહ્યો. ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો લાગતાર ઘટી રહ્યો છે પણ ખેતી પર વસ્તીનું રોજગારી માટે અવલમ્બન એમનું એમ છે.

આયોજન સમયે ખેતી ક્ષેત્રનો આવકમાં ફાળો ૫૫ % હતો અને તે ૮૦% રોજગારી પૂરું પડતું હતું. હવે  આવકમાં ફાળો ઘટી ૧૪%   થઇ ગયો છે, પણ રોજગારીમાં તો ૫૧ %  છે જ. મતલબ કે દેશની ૫૧ % વસ્તી દેશની રાષ્ટ્રીય આવકમાં ૧૪ % હિસ્સો જ મેળવે છે. તો ખેતી ક્ષેત્રે રોજગાર અને આવક શોધતી વસ્તી ક્યાં સુધી રાહ જોશે? પોતાના હિસ્સાનું આર્થિક સુખ મેળવવા તે શહેરો તરફ દોડી રહી છે. પરિણામ એ છે કે ભારતમાં આયોજન સમયે કુલ વસ્તીના ૭૫ % થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા હતા અને શહેરોમાં માંડ ૨૪ % વસતા હતા. આજે ૩૭ ટકા શહેરમાં વસે છે. ગુજરતમાં શહેરીકરણનું પ્રમાણ વધારે ઝડપી છે. ગુજરાતમાં હાલ શહેરી વસ્તી 45 % થી વધારે છે.

માળખાકીય સુવિધાઓનો અભાવ અને તીવ્ર પ્રાદેશિક અસમાનતા
એ દિશામાં કોઈનું ધ્યાન ઓછું ગયું છે કે દેશમાં અને ખાસ તો રાજ્યમાં પ્રાદેશિક રીતે જોતાં માળખાકીય સુવિધાઓમાં તીવ્ર અસમાનતા જોવા મળી રહી છે. રાજ્યના મુખ્ય શહેરમાં સ્થાનિક હેરફેર માટે પણ પ્રજાને ઘણા વિકલ્પો વાહનવ્યવહારના મળી રહે છે, જ્યારે ગ્રામ સ્તરે દિવસમાં એક બસ મળવી પણ મુશ્કેલ.

જો આપણે સ્વસ્થ સેવાઓ, શિક્ષણ સુવિધાઓ, મનોરંજનનાં સાધનો  જેવી અનેક બાબતો no અભ્યાસ કરીએ તો સમજાય કે રાજ્યના મુખ્ય શહેરથી ૫૦ કિ.મી. ના અંતરે રહેતા નાગરિકથી આધુનિક જાહેર સુવિધાઓ બહુ બધા અંતરે દૂર છે. સરકાર પણ વધુ ને વધુ સાધન ફાળવણી એકાદ કેન્દ્ર પર જ કર્યા કરે છે.  છેલ્લાં વર્ષોમાં સરકારે જાહેર સુવિધાઓ પાછળ કરેલાં મૂડી રોકાણો જુવો.ગુજરાતમાં અમદાવાદમાં જ રીવર ફ્રન્ટ, કાંકરિયા ડેવલોપમેન્ટ, સાયન્સ સીટી ,એરપોર્ટ ,સ્ટેડીયમ. હોસ્પિટલ ….જો સરકાર જ શહેરમાં રહેતી હોય તો નાગરિક શહેર તરફ શા માટે ના દોડે? શહેરોમાં વધતી પાયાની સુવિધાઓ અને ભૌતિક માળખાનો વિકાસ સમગ્ર શહેરી જીવન ધોરણને ઊંચું લાવે છે. ગ્રામીણ વસ્તીને તે આકર્ષે છે.

ભારતમાં શહેરીકરણ માટે જવાબદાર પરિબળો
ગાંધીજીએ શહેરોને ભલે શરીર પરના ગુમડા જેવા કહ્યા, પણ હવે ભારતમાં શહેરમાં રહેવું એ કરોડો ભારતીયોનું સપનું બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફ એક એક મોટું સ્થળાંતર થઇ રહ્યું છે. વસ્તીનું આ સ્થળાંતર વસ્તીની સાથે ઘણા પ્રશ્નો પણ લાવે છે, જેમાંના ઘણા પર્યાવરણને  લગતા છે.

સ્થળાંતરને  અસર કરતાં પરિબળો બે પ્રકારનાં હોય છે:
૧. આકર્ષણના 2 અપાકર્ષણ કે ધક્કો મારનારા
શહેરોમાં પાયાની સુવિધાઓ માળખાકીય સુવિધાઓ રોજગારની વ્યાપક તકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વ્યક્તિને  ગામડેથી શહેર તરફ આવવા આકર્ષે છે, માટે આ પ્રકારનાં તમામ પરિબળો આકર્ષક પરિબળો ગણાય. જ્યારે ગામડાનું રૂઢિચુસ્ત સામાજિક માળખું ,પાયાની સુવિધાઓનો અભાવ ,વૈકલ્પિક રોજગારનો ખાલીપો, આવાં પરિબળો વ્યક્તિને ગામમાંથી શહેર તરફ ધક્કો મારે છે. “શહેરમાં શું મળશે તેની ખબર નથી, પણ આ તો મારે નથી જ જોઈતું.”- આ માનસિકતા અપાકર્ષણ પરિબળ છે. 

  • આ આકર્ષણ અને ધક્કો બન્ને ભેગાં મળીને વસ્તીના સ્થળાંતરને વધારે ગતિશીલ બનાવે છે. આનાં પરિણામે
  • ૧ ગામડાંઓમાં હવે માત્ર વૃધ્ધો અને સ્ત્રીઓ વધતાં જાય છે.
  • 2 ગામડાંઓમાં માળખાકીય સુવિધા વધારવાની માગ કરનારા આગેવાનો રહ્યા નથી.
  • 3 ગામડાંઓમાં વધુ રૂઢિચુસ્ત અને સામાજિક નબળા વર્ગનાં લોકો જ વધતાં જાય છે.બીજી તરફ
  • 4 શહેરોમાં ઝૂંપડપટ્ટી વધતી જાય છે.
  • 5 શ્રમનું શોષણ થાય છે.
  • 6 ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિ વધતી જાય છે.
  • 7 ગીચતા અને ગંદકીના પ્રશ્નો સર્જાય છે.

આમ માળખાકીય સુવિધાઓની અસમાનતાએ આવક અને રોજગારી માટેના સ્થળાંતરને  વધારે તીવ્ર બનાવાયું છે. જો સરકાર નાણાં સાધનોની ફાળવણીમાં માળખાકીય સુવિધાઓમાં સમાનતા સ્થપાય અને પ્રાદેશિક અસમાનતા ઘટે તેવા પ્રયત્ન કરે તો ચોક્ક્સ આવક અને રોજગારીના સ્થાનિક કક્ષાએ પ્રશ્નો ઉકલે. આ દિશામાં મક્કમ પ્રયાસની જરૂર છે. ગ્રામ વસ્તીના અકુદરતી અને વધારે પડતા સ્થાનાન્તરે કોરોના મહામારીની  સમસ્યાને વધારે વિકરાળ અને વસ્તી વ્યવસ્થાપનની સમસ્યા બનાવી દીધી હતી. આ સ્થળાંતર આપણને નવી દિશા ચીધનારું બનવું જોઈએ.                 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top