Business

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની મુસાફરી મોંઘી- ટોલ ટેક્સમાં વધારો ઝીંકાયો

અમદાવાદ: દિવસેને દિવસે રાજ્ય અને કેન્દ્રની સરકાર જનતાને મોંઘવારીની (inflation) ભેટ આપતી રહી છે. તેવામાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodra Express Highway) ઉપર ટોલ ટેક્સમાં (Toll Tax) ભાવ વધારો ઝીંકીને મોંઘવારીમાં પીસાતી પ્રજાને પડતા ઉપર પાટુ માર્યું છે. મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે ઘર ચલાવવું એક તરફ મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ- ડીઝલના ભાવો પણ આસમાને જઈ રહ્યા છે. તો બીજી તરફ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલ ટેક્સમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાતમાં 49 જેટલા ટોલ બુથો ઉપર આ ભાવ વધારાની અસર જોવા મળશે.

વડોદરાથી અમદાવાદના કારના ટોલટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ટોલ ટેક્ષમાં ભાવ વધારાને લઈને ભાજપ સરકારની વધુ એક લુંટ નીતિ ઉપર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના મીડિયા કન્વીનર ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નેશનલ હાઈવે ઓર્થોરિટીના હાઈવે પર 816 ટોલ ટેક્સ ઉઘરાવવાના બુથ છે, તે પૈકી ગુજરાતમાં 49 ટોલ નાકા ઉપર આ ભાવ વધારાની સીધી અસર થશે. કેન્દ્રની ભાજપ સરકારે 2021માં ટોલ ટેક્સ પેટે 34,778 કરોડ જેટલી જંગી રકમ વસુલી હતી. જ્યારે વર્ષ 2022માં 50,855 કરોડ જેટલી અતિજંગી રકમ વસુલાત કરી હતી. એક તરફ બેફામ મોંઘવારી, આવકના ઘટતા જતા સ્ત્રોતો અને આર્થિક સંકળામણથી પારાવાર હાલાકી ભોગવી રહેલા દેશના નાગરિકો અને ગુજરાતના નાગરિકો કઈ રીતે પોતે પરિવહન કરી શકે તે પણ હવે મુશ્કેલ થતું જાય છે.

ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે ખાલી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો થવાનો છે. એટલે કે અમદાવાદ થી વડોદરા જવાના પહેલા આપણે ચુકવતા તેમાં 15 થી 20 રૂપિયાનો વધારો થશે. એટલે કે સિંગલ ટોલ છે તે 135 રૂપિયા થશે અને રિટર્નના 200 રૂપિયા થઈ જશે. અમદાવાદ થી નડીયાદની સીંગલ ટ્રીપ માટે 65 અને રીટર્ન ટ્રીપના 95 થશે. અમદાવાદ થી આણંદના સીંગલ ટ્રીપ 85 અને રીટર્ન ટ્રીપ 125 થશે.

પેટ્રોલ – ડિઝલના આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ફ્રુડ ઓઈલના ભાવ ઘટે તો તેનો ભાવ ઘટાડાનો લાભ દેશની જનતા અને ગુજરાતને મળતો નથી. ત્યારે ટોલ ટેક્ષમાં ભાવ વધારો પરત ખેંચવો જોઈએ અને નાગરિકોને રાહત આપવી જોઈએ. તો જ પરિવહન સસ્તું થશે. તો લોકોને મોંઘવારીના મારમાંથી રાહત મળશે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

Most Popular

To Top