Comments

ઉદ્યોગ-ધંધા વિકસે તો છે પણ તેનાથી હકીકતમાં કોનો વિકાસ થાય છે?

નર્મદા યોજનાના કારણે ડુબાણ ક્ષેત્રમાં જતાં ગુજરાતનાં પ્રથમ ૧૯ ગામડાંઓનાં ૧૧૦૦૦ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃસ્થાપિત કરવા ગુજરાતે રાજ્યમાં માનવીય અભિગમ અમલમાં મૂક્યો. ૧૯૮૪-’૮૫ આસપાસ શરૂ થયેલ આ પ્રક્રિયાના કારણે નર્મદાબંધનાં અસરગ્રસ્ત કુટુંબોને પાંચ પાંચ એકર જમીન, પાકું મકાન, રસ્તા, વીજળી, શિક્ષણ, ખેતીનાં સાધનો, આરોગ્ય સવલત, રોજગારલક્ષી તાલીમ, તેમજ સમૃદ્ધ જીવનની શકયતા આપતી લગભગ તમામ માળખાગત સુવિધા અપાઈ અને આજે નર્મદાબંધ પૂર્ણ થયો છે ત્યારે ગુજરાતની જનતા અને રાજકીય પ્રબળ ઇચ્છાશક્તિના પરિપાક રૂપે અસરગ્રસ્તો પુનઃસ્થાપિત થયા છે એટલું જ નહીં, પરંતુ સરેરાશ વાર્ષિક રૂ.૨,૩૦,૦૦૦ થી રૂ.૪,૮૦,૦૦૦ની આવક મેળવતા થયા છે.

નર્મદા બંધ સાથે સંકળાયેલ પુનર્વસવાટના આ ભગીરથકાર્યમાં ગુજરાતના લોકોને જે સફળતા મળી છે તે સારાએ દેશમાં નમૂનારૂપ બની છે. અને સુપ્રીમ કૉર્ટના માર્ગદર્શનથી કૅબિનેટે નીતિવિષયક નિર્ણય લઈ વિકાસ યોજનાથી અસર પામતા સમુદાયોને જમીન સામે જમીન, ઘર અને નોકરીની ખાતરી જેવી બાબતો સ્થળાંતર નીતિ તરીકે અપનાવ્યું છે.

૧૮૯૪માં અંગ્રેજોએ રાષ્ટ્રહિતની વાતને આગળ ધરી જમીન સંપાદન ધારાની જોગવાઈ કરી, તે પછી લગભગ ૯૦ વર્ષ બાદ જનઆંદોલનોએ દબાણનીતિ અપનાવી. આથી વિસ્થાપન પ્રક્રિયાને રાષ્ટ્રિય નીતિ તરીકે પરિવર્તિત કરવાનો અવસર મળ્યો છે. અને ભારત સરકારના ગ્રામીણ મંત્રાલય, ઊર્જા મંત્રાલય, ખાણ અને ખનીજ મંત્રાલય, જલસંસાધન મંત્રાલયોએ પોતાના કાર્યક્ષેત્રને સંબંધ કરતી પુનર્વાસ નીતિ ઘડી છે.

પુનર્વસન અંગેની નીતિ એટલે ‘‘પ્રગતિશીલ નિયમનની રીત.’’ જેમાં એક છેડે પ્રચલિત વિકાસનું માળખું ઊભું કરવા ઇચ્છતો શિક્ષિત સમુદાય છે, બીજા છેડે પોતાના વ્યક્તિગત જીવનને સમતુલિત સ્થિતિમાં મૂકનાર અસરગ્રસ્ત છે. જ્યારે સામાજિક ન્યાય સાથે વિકાસનું પલ્લું સમતુલિત કરવાનું કાર્ય રાજ્ય અને સ્વૈચ્છિક સંસ્થાઓ નિભાવે છે. પુનર્વસનના પ્રશ્નને કેવળ માનવીય અભિગમથી ચકાસતા રહેવાને બદલે ‘‘તકનીકી પર્યાય’” તરીકે પણ જોવાનો રહે છે જેથી વિસ્થાપન પરિસ્થિતિમાં શકય તનાવ પ્રયત્નોથી ઘટાડી શકાય, સાથેસાથે ખનીજ-જંગલો જેવા પ્રાકૃતિક સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરી શકાય અને સમગ્ર રીતે માનવ સંપદાનું આયુષ્ય વધારી શકાય.

બદલાતા જતા વૈશ્વિક સંદર્ભમાં એક તરફ બજાર રાજ્યને ઔદ્યોગિક વિકાસ માટે વધુ લચીલા, કે ઉદાર બનવા ફરજ પાડે છે, તો બીજી તરફ વિશ્વના સમૃદ્ધ દેશોની પર્યાવરણ લોબિ વિકાસની આડઅસરો સામે અસંગઠિતોનું શોષણ ન થાય તે માટે બેવડી ભૂમિકા ભજવે છે, અને ભારત જેવા બહુવિધ સાંસ્કૃતિક અને ભૌગોલિક ક્ષેત્ર વચ્ચે ફેલાયેલા રાષ્ટ્ર માટે પુનર્વસવાટ નાગરિકોનો બંધારણીય હકક બની રહે તેવી ગરીબ તરફી સંગઠનોની માગણી રહે છે ત્યારે સમતુલિત વિકાસની તરાહ પેચીદો પ્રશ્ન બને છે. આમ છતાં, નર્મદાબંધના પુનર્વાસ અંગે ગુજરાતની પ્રજાએ ઔદાર્ય દાખવ્યું અને ૧૮૯૪નો જમીન સંપાદન કાયદો અને ૧૯૭૦ના ટ્રિબ્યુનલ ઍકટથી આગળ વધી ગરીબી નિવારણ કાર્યક્રમોમાં તાજગીભર્યો અભિગમ દાખલ કર્યો છે, જેનું અનુકરણ વ્યાપક બન્યું છે.

આમ છતાં, ભારત જેવા વૈવિધ્ય સભર દેશમાં તમામ પ્રદેશો માટે સમાન નીતિ સ્વીકાર્ય નથી પણ રહેતી. દાખલા રૂપે જોઈએ તો મધ્ય પ્રદેશમાં છત્તીસગઢ તથા કોરબા તાલુકાના ઔદ્યોગિક વિકાસનાં કામોને લીધે ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી છે, પરંતુ તેઓને જમીન સામે જમીન જોઈતી નથી. બિહારના બોકારો સ્ટીલ પ્લાંટને કારણે જે ૬૮ ગામોને અસર થાય છે તેમનાં ૩૭૦૦ કુટુંબોને પોતાની બિનપિયતની જમીન સામે જમીન મળી શકે તેમ છે. પરંતુ તેઓ જમીનની ઔદ્યોગિક કિમત અને ઘરના તમામ સભ્યોને કાયમી નોકરીની ખાતરી લેવા માગે છે.

સિંગ્રોલી થર્મલપાવર સ્ટેશનના નિર્માણના કારણે બિહાર અને મધ્ય પ્રદેશનાં ૧૪૬ ગામડાંઓને અસર થાય છે. લોકાયતન સંસ્થાના માધ્યમથી અસરગ્રસ્તોએ અવાજ ઉઠાવી ૨૨ ટકાની કાયમી હિસ્સેદારીની વાત મૂકી છે. જે ઉદ્યોગને પોસાય તે મનથી ઓરિસ્સાના બલિપ્પા-ચીલિકા ટાઇગર રિઝર્વ સાથે જોડાયેલ ફોરિસ્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અમારો કાર્યક્રમ ઉત્પાદનલક્ષી નથી. આથી વિકાસમાં હિસ્સેદારી કયાંથી આપી શકાય ? બિહારમાં ચેનપુર વિભાગમાં ૧૪૭૧ ચોરસ કિલોમીટરમાં વસતા ૮૯ ગામડાંઓ વચ્ચે થલસેનાએ મધ્યમ કક્ષાનાં મિસાઇલ્સના ફાયરિંગના પ્રશિક્ષણ માટે ક્ષેત્ર વિકસાવ્યું છે, જ્યાં ૧૯૬૫થી ૧૯૯૩ દરમ્યાન ૪૮૮ લોકોએ મિસાઇલ્સના વિસ્ફોટના લીધે હાથપગ ગુમાવ્યા છે.

૨૮ ઘરો બળી ગયાં છે. ૬૩ સ્ત્રીઓ વિધવા બની છે. આમ છતાં લશ્કર રેઇન્જ ફાયરિગ સમયે લોકોને દિવસભરના રૂ.૧.૫૦ અને વૃદ્ધો અને બાળકો દીઠ રૂ.૨ લેખે પુનર્વાસ ભથ્થું આપી હાથખંખેરી લે છે. અહીં વિકાસ અને અસરગ્રસ્તોની ભાગીદારીની વાત જ ઉપસ્થિત થતી નથી. હૈદરાબાદના ઍટોમિક રિએકટરનું રેસિડ્યૂ જ્યાં ઠલવાય છે તે જાબુંવઘડા આસપાસનાં ૩૦ ગામોમાં ક્ષય અને નાનાં બાળકોમાં પોલિયોનું પ્રમાણ વધી રહ્યું છે. છતાં એન.ટી.પી.સી. સાથે સહકાર સાધતા લાંચિયા કાર્યકરો અણુમથક સામેનો વિરોધ એટલે રાષ્ટ્રદ્રોહ એવું જણાવી પ્રજાને ચુપ રાખે છે.

આમ પુનર્વાસની પ્રક્રિયા પોતાનામાં જ ઘણી અટપટી બને છે. છતાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્રનાં અસરગ્રસ્તોને સાથે રાખી ગુજરાતે નર્મદા વિસ્થાપિતોનું પુનર્વસન સારી રીતે યોજ્યું છે. જોકે આ જ ગુજરાત પોતાની બંધ મિલોના કામદારોને થાળે પાડી શકયું નથી. ભોપાલ ગૅસ કાંડ પ્રકારની ઘટના પુનરાવર્તન પામે તો શું તેની વાત દેશમાં કયાંયે ચર્ચાતી નથી. ખનીજ ક્ષેત્રના વિકાસના લીધે એકથી વધુ વખત વિસ્થાપિત થતા તેમજ તેલ કૂવાઓના સારકામના કારણે અસર પામતા અને પુનર્વસનની અનિવાર્યતા ઇચ્છતા લોકોની વાત પણ નીતિવિષયક ચર્ચાઓનો ભાગ બની નથી.નર્મદા યોજનાથી શરૂ થતી પુનર્વસનના અમલની વાત વિકાસ માટેના પ્રગતિશીલ નિયંત્રણની નીતિ સુધી પહોંચી છે. સમરૂપ અને સન્માનનીય માનવીય દરજ્જાની વાતે રાજ્યતંત્રને વધુને વધુ પ્રજાભિમુખ બનવા ફરજ પાડી છે. સમયાંતરે સ્વૈચ્છિક સંગઠનો અને રાજકીય પક્ષોને સમજાઈ રહ્યું છે કે પ્રભાવી અમલની સ્થળલક્ષી સફળતાને બદલે સામાન્ય લોકોના જીવનધોરણમાં આખરી માપદંડ બનવું રહ્યું.

પુનર્વસવાટ લોકવિકાસની નીતિના ભાગરૂપે લોકોની અનિવાર્યતા આધારિત હોય તે ઇચ્છવા યોગ્ય છે. પરંતુ દબાણ નીતિ આધારિત પુનર્વસવાટ કદાપિ સ્વીકાર્ય ન હોય. ગુજરાતે નર્મદા યોજનાના સહારે રાજ્યસ્તરે બહુઆયામી વિકાસ પ્રતિપાદિત કરી દેશભરમાં સ્વીકૃતિ મેળવી છે ત્યારે હવે ગુજરાતે ઉદ્યોગોની ભોગવાદી રીતિ માટે વિકાસ અને વિકાસની સરળતા માટે પુનર્વાસની’’ નીતિને સ્વીકાર કરવો જોઈએ. ગુજરાતીઓએ ગરીબોના સન્માનની ખેવના સામે ચાલી કરવી જોઈએ.

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં આવતા ઉદ્યોગો માટે પુનર્વસન નીતિ ચર્ચાઈ રહી છે ત્યારે ઉત્પાદન પ્રક્રિયાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે કેવી રીતે જોડી શકાય તેનો ઉકેલ પણ નર્મદા યોજનાના અનુભવમાંથી શોધવો પડશે. પૃથ્વીના ગોળાર્ધ ઉપર એક તરફ સોમાલિયા જેવો વિકાસને ચૂકી જનાર દેશ મોજૂદ છે, તો બીજી તરફ કોઈને પણ ન ગાંઠનાર ચીન જેવાં અમાનવીય રાજ્ય ઊભાં છે. આ બે વાસ્તવિકતાઓ વચ્ચે ગુજરાતના મહાજનોએ મધ્યમ માર્ગ અપનાવી વિકાસની હરોળમાં પાછળ રહી ગયેલાં આપણાં ભાઈભાંડુઓને ન્યાયપૂર્ણ અને સન્માનનીય વિકાસ આપવો ઘટે. સાથે રાજ્યના પર્યાવરણને નુકસાન થાય તો ભરપાઈ કરવાની ગંભીરતા પણ દાખવવામાં આવે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top